CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 6, 2024

જેમણે હિન્દૂ દેવી-દેવતાઓને ચહેરો આપ્યો : ચિત્રકાર રાજા રવિ વર્મા

રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક હતા. 19મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરતાં અનેક ચિત્રો બનાવ્યા હતાં. વર્ષ 1873માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. રવિ વર્માનો જન્મ 29 એપ્રિલ, 1847ના રોજ કેરલના કિલિમનૂરમાં થયો હતો,

રાજા રવિ વર્માના ચિત્રકલાના શોખને મૈસુરના રાજા તેમજ વડોદરાના ગાયકવાડે પોતાના રાજ્યમાં આશ્રય આપી અને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ મોટાભાગે કેનવાસ ઉપર તૈલ રંગમાં ચિત્રો બનાવતા હતા. આ ચિત્રોના પાત્રાલેખન માટે જરૂરી પરિધાન સાથે મહિલાઓને બેસાડતા હતા. આ સિવાય રેફરન્સ તરીકે ફોટોગ્રાફનો પણ ઉપયોગ કરતા હતા.

રવિ વર્મા કિલિમનૂરના હોવા છતાં ગુજરાત સાથેનો તેમનો નાતો અનેરો રહ્યો હતો. રવિ વર્માએ વડોદરામાં કરેલા કોરોનેશન પોટ્રેઈટ્સના સીતા ભૂમિ પ્રવેશનું પેઈન્ટિંગ સુંદરતાનો અદ્ભૂત નમૂનો છે. આ પેઈન્ટિંગ જ્યારે રિસ્ટોરેશનમાં ગયું હતું, ત્યારે તેની પાછળ ઝીણા અક્ષરોમાં ત્રિવેન્દ્રમ લખેલું જોવા મળ્યું હતું. એટલે કે, રાજા રવિ વર્મા વડોદરા આવ્યા, ત્યારે પોતાની સાથે કેટલાક પેઈન્ટિંગ્સ પણ લઈને આવ્યા હતા. આ અદ્ભૂત પેઈન્ટિંગમાં સીતા માતાનો પાલવ હવામાં લહેરાતો સુંદર રીતે રજૂ કરાયો છે.

રવિ વર્માનું ભારતીય દેવી-દેવતાઓને સૌપ્રથમવાર કાગળ ઉપર ઉતારી મંદિરની બહાર લાવવામાં સૌથી મોટું યોગદાન છે. રાજા રવિ વર્મા પહેલા એવા ચિત્રકાર હતા જેમણે હિંદુ દેવી-દેવતાઓના અને પુરાણોના પ્રસિદ્ધ પ્રસંગોને ચિત્ર દ્વારા પહેલીવાર દ્રશ્યમાન કર્યાં હતાં.

તેમાં શકુંતલા-દુષ્યંતની પ્રેમ કથા હોય કે પછી વિશ્વામિત્રનો મેનકા દ્વારા તપોભંગ હોય. આ સિવાય શકુંતલા અને દુષ્યંતનો પુત્ર ભરત- જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું- એક ચિત્રમાં ભરત સિંહના દાંત ગણે છે, તે પ્રસંગ હોય કે મત્સ્યગંધા અને ઋષિ પરાશર્યનો પ્રેમ પ્રસંગ હોય. વર્માને વીણાવાદીની માતા સરસ્વતી અને કમળમાં ઉભેલા દેવી લક્ષ્મીના ચિત્ર માટે પણ વધુ યાદ કરવામાં આવે છે.

મહાન ચિત્રકાર રાજા રવિ વર્માએ વડોદરામાં વિતાવેલા થોડા વર્ષો દરમિયાન વડોદરાના તત્કાલીન રાજવી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રવિ વર્મા પાસે અનેક ચિત્રો બનાવડાવ્યાં હતાં. રવિ વર્માએ વડોદરામાં જે સ્ટુડિઓમાં ચિત્રો બનાવ્યાં હતાં, તે સ્ટુડિયો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ સામેના મેદાનમાં હતો. હાલમાં ત્યાં ટેકનોલોજી ફેકલ્ટી કામ કરે છે. સર સયાજીરાવના સમયમાં તે કલાભવન કહેવાતું હતું.

વર્ષ 1881થી 1891 સુધી એટલે કે, 10 વર્ષ રાજા રવિ વર્મા વડોદરામાં રહ્યા હતા. રાજા રવિ વર્માના જીવનના શ્રેષ્ઠ ચિત્રોમાંના કેટલાંક ચિત્રો વડોદરામાં બન્યાં હતાં. નોંધનીય છે કે, વર્માએ રામાયણ અને મહાભારતના પ્રસિદ્ધ પ્રસંગોના ચિત્રો વડોદરામાં જ બનાવ્યા હતાં. તેની સાબિતી વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં સચવાયેલા ચિત્રો આપે છે. આ સિવાય વર્માના ચિત્રોમાં લક્ષ્મી વિલાસ પેલેસની થોડી ઝલક પણ જોવા મળે છે.