CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 6, 2024

વડોદરાના ઈતિહાસનું બહુ ઓછું જાણીતું પાનું

વડોદરાના એક માત્ર ઍરપૉર્ટના રનવે પર ડકોટા વિમાન ઊભું હતું. છેલ્લા બે દિવસથી તે અહીં જ હતું. તેવામાં કેટલીક મોટરકારો આવી જેમાં ઘણો સામાન ભરેલો હતો. આ વિમાનનો પાઇલટ અમેરિકન હતો. તેને ખબર હતી કે આ શું થઈ રહ્યું છે.

આઝાદીનાં બે વર્ષ પહેલાંનો સમય હતો. મહારાજાઓને લગભગ જાણ હતી કે હવે તેમનું રાજ પણ નહીં રહે અને રજવાડાં પણ. તેથી તે પૈકી કેટલાક પોતાની સંપત્તિઓ સગેવગે કરવામાં પડ્યા હતા.

આ અમેરિકન પાઇલટ બે વર્ષ પહેલાં જ આ ડકોટા વિમાનને બ્રિટિશ આર્મી પાસે ખરીદીને અહીં લાવ્યો હતો. કેટલાક ફેરફારો બાદ તેને અહીંથી સામાન કે પછી મુસાફરોને લઈ જવાની પરવાનગી મળી હતી.

તેને કહાણી ગણો તો કહાણી પણ વડોદરા રાજ્યના કિંમતી સામાનને લઈ જવાની તૈયારી થઈ રહી હતી. ઍરક્રાફ્ટથી થોડે દૂર ઊભા રહેલા પાઇલટ આખી ઘટનાને નરી આંખે જોઈ રહ્યા હતા.

ત્યાં એક રૉલ્સ રૉયસ આવીને ઊભી. તેમાંથી એક સુંદર મહિલા બહાર નીકળ્યાં. તેમની ઉંમર 30ની આસપાસ લાગતી હતી. ઍરક્રાફ્ટમાં સામાન ભરાઈ ગયો ત્યારબાદ તે કૉકપીટની પાછળ બેઠાં. તેમની સાથે અન્ય બે મહિલા મુસાફરો પણ હતી.

પાઇલટ સમજી ગયો કે શું ચાલી રહ્યું છે. તેથી તેમણે મહિલાને કહ્યું કે, “મને ખબર છે કે સામાનમાં શું છે, તેથી હવે ટ્રાન્સપૉર્ટ કૉસ્ટ વધારે થશે.”

મહિલાને જરા પણ નવાઈ ન લાગી. તેમને કદાચ ખબર હતી કે આવું કંઈ થઈ શકે છે. તેથી તેમણે પર્સમાંથી રિવોલ્વર કાઢીને પાઇલટના મોઢા પર તાકી તેની નજર સાથે નજર મિલાવીને કહ્યું, “તને જે સૂચનાઓ મળી છે તેનો અમલ કર.”

પાઇલટ સમજી ગયો અને તેણે આ પ્લૅનને યુરોપ લઈ જવા માટેની તૈયારી કરી.

આ મહિલા બીજાં કોઈ નહીં પરંતુ મહારાણી સીતાદેવી હતાં. વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડનાં બીજાં પત્ની.

તેમની પાસે 56 જેટલાં બૉક્સ હતાં. જેમાં વડોદરાના શાહી ખજાનાનો કિંમતી હિસ્સો હતો.

જ્યારે મહારાણી સીતાદેવીએ પેરિસમાં તેમનું ઘર બનાવ્યું હતું ત્યારે તેમણે આ કહાણી કેટલાક વિશ્વાસુઓને કહી હતી. તમે તેને માનો કે ન માનો. કેટલાકને વિશ્વાસ નહોતો આવતો કે આટલું સાહસ અને આત્મવિશ્વાસ સાથે કોઈ આવું કેવી રીતે કરી શકે? પણ આ સીતાદેવી હતાં, તેઓ કેવી રીતે વાઘનો શિકાર કરવો તે પણ જાણતાં હતાં.

જ્વેલરી અને ફૅશનજગતના જાણકાર અને લેખક માઇલન વિલ્સન્ટે તેમના પુસ્તક ‘વૅન ક્લીફ ઍન્ડ આર્પેલ્સ: ટ્રેઝર્સ ઍન્ડ લિજેન્ડ્સ’માં તેનો ઉલ્લેખ કર્યો છે. માઇલને વિન્ટેજ જ્વેલરી પર ઘણું સંશોઘન કર્યું છે અને તેના ઇતિહાસ વિશે પણ ઘણું લખ્યું છે.