14-04-2023, Friday
રાષ્ટ્ર નાયક બાબા સાહેબના જ્ન્મ દિવસે એમના જીવન અને કવન ને વિશેષ સમજવા માટે આજે ડો .નાથાલાલ ગોહિલનું પુસ્તક” ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકર ” હાથમાં આવ્યું છે. આ પુસ્તક મે ઘણા વર્ષો પહેલા ખરીદેલું . પુસ્તક 2006માં પ્રકાશિત થયેલું છે. મે લગભગ એ વર્ષે જ ખરીદેલું એવું કઈંક યાદ આવે છે , પરંતુ , એ પછી ક્યારેય જોવામાં ન આવ્યું અને આજે જ મારા કબાટ માથી કાઢીને વાંચવાનું બને છે.
319 પાનાં ના આ પુસ્તકમાં 12 પ્રકરણોમાં લેખકે બાબસાહેબના જીવન અને કવનને પ્રસ્તુત કરવાનો સુંદર –સરાહનિય પ્રયત્ન કરેલ છે. પુસ્તકનાં પ્રત્યેક પાન પર બાબા સાહેબના ગ્રંથોનો સંદર્ભ અને એમનું દર્શન જોવા મળે છે. આ ઉપરાંત વેદ , ઉપનિષદ , પુરાણો , સ્મૃતિઓ , અને દેશના અનેક તત્વ ચિંતકો ના સંદર્ભો થી પુસ્તક ખરેખર સમૃદ્ધ અને અધિકૃત બન્યું છે. ડો .ગોહિલે હિન્દી ભાષાના વિદ્વાન લેખકો ના પણ અનેક પુસ્તકો નો સંદર્ભ આપેલ છે. ભારતીય વર્ણ વ્યવસ્થા અને બાબાસાહેબનું વિચાર દર્શન મારા રસના વિષય રહ્યા છે. જીવનની છેલ્લી અવસ્થામાં એમણે ધર્મ પરીવર્તન કેમ કર્યું એ પણ મારી જીગ્નાષા રહી છે. આમ છેલ્લા દસેક વર્ષોથી હું એમના પુસ્તકો અને એમના અંગે લખાયેલા પુસ્તકો પર નજર રાખતો રહું છું.
ભારત સરકારે તો બાબાસાહેબ નો અક્ષર દેહ પણ પ્રગટ કર્યો છે , અને એના 1થી 18 ગ્રંથો અત્યારે ઉપલબ્ધ છે.
અરુણ શોરી જેવા વરિષ્ઠ અને સિધ્ધ હસ્ત પત્રકારે પણ એક પુસ્તક લખ્યું છે જેનું શીર્ષક છે “worshiping false Gods” આપણાં કોઈક બૌધ્ધિક મિત્રોએ આ પુસ્તક નો અનુવાદ કરવો જોઈએ.
બાબા સાહેબ કેવળ દલિત નેતા જ નહોતા. એમને દલિત નેતા તરીકે સંવેદીને આપણે એમની પ્રતિભાને ક્યાંક અન્યાય કરતાં હોઈએ એવું લાગે છે .
ડો .ગોહિલના આ પુસ્તકની પ્રસ્તાવના માં આદરણીય ગુણવંતભાઈ શાહે ડો .આંબેડકરને રાષ્ટ્ર ભાવના ના રાહબર તરીકે બિરદાવેલા છે. નિવેદન માં ડો .ગોહિલે એમની જીવન યાત્રા નું અદભૂત બયાન રજૂ કરેલું છે. સૌરાષ્ટ્રના વિધ્યાતીર્થ સમાન ‘શારદા ગ્રામ ‘ ના તેઓ વિધ્યાર્થી રહ્યા છે. કેશોદ ની કોલેજના આ અધ્યાપકજીવન યાત્રા અને લેખન યાત્રા મને ખૂબ ગમી છે !
એમણે આ પુસ્તક ઉપરાંત બીજા 10 પુસ્તકો લખેલા છે.
ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકર પુસ્તકનાં એમના નિવેદનમાં તેઓ લખે છે કે
‘ ” ગુલામને ગુલામ છે એમ કહો એટ્લે બળવો પોકારશે ‘ દલિત સમાજનો એક વર્ગ પ્રતિશોધની દિશામાં વિદ્રોહી દલિત સાહિત્ય સર્જી બેસે છે .
આ દલિત સાહિત્યમાં સચ્ચાઈનો રણકો અને અનુકંપા ની લાગણી અવશ્ય અનુભવાય છે. આ દલિત સાહિત્ય સમાજમાં નવા મૂલ્યો સ્થાપી યુગ પ્રવર્તક નું કાર્ય કરી રહેલ છે.
પરંપરા વાદીઓને જરૂર આ સાહિત્યની કટુતા ડંખશે તેમ છ્તા ‘વહાલના વલખાં ‘, ‘વ્યથાના વીતક ‘ અને આંગળિયાત ના જોસેફ મેકવાનના વાસ્તવિક સત્યને સ્વીકારવું પડશે . આજે કેટલુક બળુંકુ દલિત સાહિત્ય પણ સર્જાય છે, તેની વિગતોમાં પડીશ નહીં પરંતુ દલિત કવિતાની કેટલીક આક્રોશવાળી પંક્તિઓ અહી મૂકું છુ.”
તોડ ચપણીયા ‘ચા ‘ના ભાઇલા
હાથ હવે ના જોડ ,
માંગે ભીખના હક્ક મળે ,
ઇતિહાસ હવે મરોડ ,
ભઇલા ‘ચા ‘ના ચપણીયા તોડ ( શંકર પેંટર)
યુધ્ધ ચાલુ રાખો !
તમને સોગંદ છે
તમારા અછૂત લોહીના
એક પણ ડગલું પાછળ રહ્યા છો તો ‘ ( સંજુ વાળા )
હજી તેઓ જનોઈ કાન પર ચડાવે છે ,
ટાંગ ઊંચી કરી મૂતરતા કૂતરાની જેમ ( પ્રવીણ ગઢવી )
અમારી યુગોની પ્યાસ ખોબો વાળીને ઝૂરી ‘તી
આંગણે તમારા અને ટીપે ટીપે તરસાવ્યાતમે ..
પણ હવે મુઠ્ઠી વાળીને ફૂંક્યો છે શંખ સંઘર્ષનો ,
ને’ કાઢી છે સંકલપની ધાર હવે તમે નહીં તરસાવી શકો
( સામંત સોલંકી )!
‘માટ ઉલેચી કાનિયો એના પોયરા હારે
નદીએ નાવા જાય ને એમાં મૂતરી પડે.
એ જ નદીનું પીય ને પાણી
કાનિયાથીઅભડાય છે બધા લોકો રે ઉજળિયાત
આ કેવો ત્રાસ” ( પથિક પરમાર )
પુસ્તક માં લેખક ડો . ગોહિલ એમના નિવેદનને અંતે કવિ ‘સુંદરમ’ ની સુવિખ્યાત કાવ્ય પંક્તિ મૂકીને પોતાનું નિવેદન પૂર્ણ કરે છે .
“ હણોના પાપીને , દ્વિ ગુણ બનશે પાપ જગના:
લડો પાપો સામે અડગ દીલના ગુપ્ત બળથી “
બાબા સાહેબ રાજકારણ ની એક સીડી ન બનતા આપણાં પથ દર્શક બની રહે એવી અભિપ્સા .
More Stories
शाहरुख खान को जान से मारने की धमकी देने वाला गिरफ्तार: मुंबई पुलिस ने लिया सख्त एक्शन
क्या पाकिस्तान से छिन जाएगी चैंपियंस ट्रॉफी की मेज़बानी? BCCI और ICC के दबाव से PCB की मुश्किलें बढ़ीं
खालिस्तानी आतंकी गुरपतवंत सिंह पन्नू की बड़ी धमकी, कभी भी राम मंदिर में हो सकता है धमाका!