CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 27, 2024

ચૂંટણી વખતે આંગળી પર લગાડાતી અવિલોપ્ય શાહી કોણ બનાવે છે?

ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. મતદાર યાદીથી લઈને ઈવીએમ સુધીની તમામ બાબતોને ફાઈનલ થઈ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે ક્યારેય વિચાર્યું છે કે, મતદાન કરતી વખતે તમારી આંગળી પર લગાવવામાં આવતી શાહી ક્યાંથી આવે છે? એ શાહી કોણ બનાવે છે? એ શાહીના એક ટીંપાની કિંમત શું છે? તો આવો જાણીએ આજે…

1962ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને નકલી મતદાનને રોકવા માટે આંગળીમાં લગાવવામાં આવતી શાહી રજૂ કરવામાં આવી હતી. ત્યારથી દરેક લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં આ અલગ જ શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યારે પ્રથમ વખત શાહીનો ઉપયોગ કરવામાં આવ્યો ત્યારે ચૂંટણી પંચનું માનવું હતું કે શાહી લગાવવાથી કોઈ ફરી મતદાન કરી શકશે નહીં અને બોગસ વોટિંગ અટકાવી શકાશે.

ત્યારથી આજ સુધી માત્ર એક જ કંપની શાહીનું ઉત્પાદન કરી રહી છે. આ કંપનીનું નામ મૈસૂર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ (MPVL) છે. તે કર્ણાટક સરકારની કંપની છે અને તેની શરૂઆત વર્ષ 1937માં થઈ હતી. MPVLનો પાયો કૃષ્ણ રાજા વાડિયારે નાખ્યો હતો. શરૂઆતમાં આ કંપનીનું નામ મૈસુર લોક ફેક્ટરી હતું. 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ કંપનીને સરકારે પોતાના કબજામાં લઈ લીધી અને તેનું નામ મૈસૂર લોક એન્ડ પેઈન્ટ્સ લિમિટેડ રાખ્યું.

વર્ષ 1989માં કંપનીએ વાર્નિશનું ઉત્પાદન શરૂ કર્યું અને તેની સાથે તેનું નામ પણ બદલ્યું. ભારતની ચૂંટણી યાત્રામાં MPVLનું યોગદાન ખૂબ મહત્વનું

છે. 70ના દાયકાથી લઈને આજ સુધી માત્ર આ કંપનીને જ ચૂંટણીમાં વપરાતી શાહી બનાવવાની મંજૂરી છે. શાહીની ફોર્મ્યુલા પણ એક રહસ્ય છે અને કંપની આ ફોર્મ્યુલા અન્ય કોઈની સાથે શેર કરતી નથી. MPVL નેશનલ ફિઝિકલ લેબોરેટરીની મદદથી શાહી તૈયાર કરે છે.

મૈસુર પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ લિમિટેડ (MPVL) આ શાહી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય 25 દેશોમાં પણ નિકાસ કરે છે. MPVL દ્વારા ઉત્પાદિત શાહીની એક બોટલમાંથી ઓછામાં ઓછી 700 આંગળીઓ પર શાહી લગાવી શકાય છે. દરેક શીશીમાં 10 મિલી શાહી હોય છે.

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર 10 મિલીલીટરની શાહીની બોટલની કિંમત લગભગ 127 રૂપિયા છે. આ સંદર્ભમાં, 1 લીટરની કિંમત લગભગ 12,700 રૂપિયા હશે. જો આપણે એક ml એટલે કે એક ડ્રોપ વિશે વાત કરીએ, તો તેની કિંમત લગભગ 12.7 રૂપિયા થાય. ભારતના ચૂંટણી પંચે 2024ની લોકસભા ચૂંટણી માટે શાહીની 26 લાખથી વધુ શીશીઓ બનાવવાની જવાબદારી MPVLને આપી છે અને આ શાહીનું ઉત્પાદન પણ અંતિમ તબક્કામાં છે.