CATEGORIES

July 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
293031  
Saturday, July 27   6:06:19

World Theatre Day : આજનો દિવસ વિશ્વ માં વિશ્વ રંગમંચ દિવસ તરીકે ઉજવાય છે

રંગમંચ એટલે એક એવો તખ્તો જે લોકોનું મનોરંજન કરે અને સાથે સાથે જીવન માટે કોઈ સંદેશ પણ આપે. મનોરંજન ની આ વિધા આમ તો ભારત માં વેદ કાળ થી ચાલી આવે છે.ઋગ્વેદ માં આ શૈલી નો ઉલ્લેખ મળે છે. ભરતમુની નાટ્યશાસ્ત્રના ગુરુ મનાય છે. ગુજરાત માં ભવાઈ સ્વરૂપે,બંગાળમાં ખેલા સ્વરૂપે, તો મહારાષ્ટ્ર માં લાવણી સ્વરૂપે,તો ઉત્તરભારતમાં નૌટંકી તરીકે આ મનોરંજન દ્રશ્યમાન થાય છે.

ગલીએ ગલીએ કલાકારોનો કાફલો ફરતો અને ધાર્મિક ખેલ દેખાડતા.એ સમયે સ્ત્રીઓને ઘર ની બહાર જવાની આઝાદી ન હતી એટલે તે સમયે સ્ત્રી પાત્રો પણ પુરુષો જ ભજવતા.બહુધા આ સંગીત – નૃત્ય નાટિકા રહેતી.ધીમે ધીમે સ્વરૂપ બદલાયું ,અને સુંદર વાર્તા અને ગીતો સાથે નાટકો રંગમંચ પર ભજવાવા લાગ્યા.ગુજરાત માં નાટકોમાં સ્ત્રી પાત્ર ભજવનાર પ્રસિદ્ધ નાટયગુર જયશંકર ભોજક સ્ત્રી રૂપે એટલા સુંદર લાગતા કે તેમનું નામ જ જયશંકર સુંદરી પડી ગયું હતું.આમ નાટકો ઉચ્ચ વર્ગ માટે સરસ મનોરંજન બની રહ્યું હતું.ગ્રામીણ વિસ્તારો માં ભવાઈ ની બોલબાલા હતી. આજે રંગમંચ દિવસ પર વડોદરા ના નાટ્યગુરુ ભટ્ટ સાહેબ ને તો જરૂર યાદ કરવા જ જોઈએ.

આમ તો વિશ્વ રંગમંચ દિવસ મનાવવાની શરૂઆત આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન દ્વારા વર્ષ ૧૯૬૧ થી થઈ. આ દિવસે વિશ્વ ના કોઈક એક દેશ ના રંગકર્મી ,વિશ્વ ના કલાકારો ને સંદેશ આપે છે.કહેવાય છે કે એથેન્સ ના એક્રોપલીસના થિયેટર ઓફ ડાયોનિસસ માં પંચમી શતાબ્દી માં પહેલું નાટક ભજવાયેલું.અને પછી આખું ગ્રીસ નાટ્યપ્રેમી બન્યું.

આમ પણ ભારત તો આ પહેલા થી આ કલા નું જાણકાર હતું.આજે વિશ્વ રંગમંચ દિવસ પર એટલુજ કહેવાનું કે સમય બદલાયો છે, અને નાટ્ય ના મહોરાઓ રંગમંચ થી નીકળી રાજનીતિ,કૂટનીતિ,સમેત બધા ચહેરાઓ ઉપર છવાઈ ગયા છે.

રડતો ચહેરો
આંખોના આંસુ
સંતાડે…. હસતું મોઢું
વિદૂષકનું વલોવાતું હૈયું
મા ની મોતે
પણ
હસતું દેખાડે મ્હોરું…..

આ મોનોઈમેજ કાવ્ય સાથે વિશ્વ રંગમંચ દિવસ ની શુભકામનાઓ.