CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 5, 2024

સાનિયા મિર્ઝા અને વીંબલ્ડન: Good Bye સાનિયા !!!

07-08-22

Written by Dilip Mehta

બુધવારે મારી આંખો સતત ટીવી સ્ક્રીન પર ચોંટી રહી. સાનિયા અને ક્રોએશિયન પાર્ટનર મેટપેવિકે જ્યારે પ્રથમ સેટ 6-4થી જીત્યો ત્યારે લાગેલું કે આ જોડી જમાવટ કરશે, પરંતુ, ત્યારબાદ ડિફેંડિંગ ચેમ્પિયન નીલ અને ડિઝારેએ બાજી મારી દીધી અને સાનિયાની જોડીએ હાર સ્વીકારવી પડી.
ખેર, હાર -જીત તો ખેલનો એક ભાગ છે, પરંતુ મારે માટે આ ટુર્નામેંટનો મહત્વનો એક ભાગ સાનિયા હવે પછી આ ટુર્નામેંટનો એક ભાગ નહીં હોય એ વાત જરાક ગમગીન બનાવે છે!
2015માં આ જ ટુર્નામેંટમાં માર્ટિના હિન્ગીસ અને સાનિયાની જોડીએ વીંબલ્ડન ડબલ્સનો ખિતાબ જીતેલો એ દ્રશ્ય તાજું જ લાગે છે !
સાનિયા વિષે આજે વિશેષ લખવાની ઈચ્છા નથી , કારણકે સમગ્ર દેશ અને પેન-ઈન્ડિયા અને ટેનિસ વર્લ્ડ એની યશસ્વી અને સૂર્યોજ્જવલ કરિકીર્દીથી સુપરિચિત છે.
2001માં 14 વર્ષની તરૂણી સાનિયાએ જ્યારે જુનિયર ચેમ્પિયનશિપ( સિંગલ્સ)માં વિમ્બલ્ડનની કોર્ટમાં બીજા રાઉન્ડમાં પ્રવેશ કરેલો, તે દ્રશ્ય આજે પણ મારા દિલ-ઑ –દિમાગ પર એટલું જ તાજું છે!
ગયા બુધવારે ફેસબૂક પર પોસ્ટ કરવા માટે મે એની આ કોર્ટ પરની છેલ્લી તસ્વીર મારા મોબાઈલમાં ક્લિક કરી ત્યારે, મારી આંખમાંથી એક અશ્રુબિંદુ ખરી પડેલું !
2003માં તો એણે ડબલ્સનું ગ્રાન્ડ સ્લેમ મેળવી લીધેલું!
ટેનિસના આકાશમાં ઝળહળતી પુર્ણિમાનીચાંદની જેવી સાનિયાની ઘણી તસ્વીરોને કાપીને મે મારી ડાયરીના પાનાં પર ત્યારે ચોડેલી છે!
આજે પણ જે તસ્વીરો મૂકવાનો છું, તે બધી જ મારી ડાયરીમાંથી જ લીધેલી તસ્વીરો છે.
આજે ગૂગલને બંધ રાખીને હ્રદય ખોલી રહ્યો છું, ત્યારે સાનિયા વિષે ઘણું બધું યાદ આવે છે!
મુસ્લિમ પરિવારમાં જન્મીને આ સ્તરે પહોંચવું એ આજે 2022માં પણ કઠિન લાગે છે. સાનિયા અને એના પરિવારે સામાજિક-ધાર્મિક રીત રિવાઝો સામે જે સંઘર્ષ કરવો પડ્યો એ વિષે એક જુદું જ ચેપ્ટર લખવું પડે.
મહેશ ભૂપતિ સાથે એ ઓસ્ટ્રેલિયન ઓપન જીતી એ ક્ષણો પણ બરાબર યાદ છે, અને ત્યારબાદ 2012માં ફ્રેંચ ઓપન જીતી એ પણ યાદ આવે જ. 2014માં પણ એ યુ એસ ઓપન જીતી એવું સ્મરણ છે.
2005માં એક સિનિયર તરીકે એણે એની પ્રથમ મેચની શરૂઆત વીંબલ્ડનની કોર્ટમાંથી જ કરેલી. પ્રથમ રાઉન્ડ તો એ જીતી ગયેલી , પણ બીજા રાઉન્ડમાં એ બહાર હતી. બરાબર યાદ નથી , પરંતુ 2008માં સાનિયાની જોડી વિલિયમ્સ સિસ્ટર્સ સામે હારી ગયેલી એ ક્ષણ પણ અત્યારે મારા માનસપટ પર જીવંત થાય છે.
મહેશ ભૂપતિ સાથેની જોડીમાં સાનિયા લગાતાર ત્રણેક વર્ષ મિક્સ્ડ ડબલ્સ રમી. મિક્સ્ડ ડબલ્સની મેચો મે બહુ ઓછી જોઈ છે, અને થોડી ઘણી જોઈ તે સાનિયા જ્યાં રમી , તે જ મેચો મેં જોઈ છે.
ચેમ્પિયનશીપ્સ-ગ્રાન્ડ સ્લેમ્સ વિનર બનવું તે ઉત્તમ, અને ભાવિ પેઢી માટે આશાસ્પદ બાબત છે. બે દાયકા સુધી સતત રમતના મેદાન પર ટકી રહેવું, અને ઇન્ટર નેશનલ ટુર્નામેંટ રમવી, એજ મને તો મહાન સિદ્ધિ લાગે છે.
સાનિયાએ જાન્યુઆરી 2019માં જ એની નિવૃતિ વિષે જાહેરાત કરી દીધેલી.
2022 પછી એ આંતરરાષ્ટ્રીય ટેનિસ રમવાની નહોતી એ નક્કી જ હતું.
ભારતીય મહિલાઓ વિષેની ઘણી બધી ગેરમાન્યતાઓને ભાંગીને ભુક્કો કરી નાખવામાં અને ભારતીય મહિલાખેલ જગતમાં એક નવી કેડી કંડારવા માટે સાનિયા હર હંમેશ પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શુભકામનાઓ , સાનિયા! એને અલવિદા કરતી વેળા એક શેર યાદ આવે છે કે
નક્શએકદમ મે અપના વહાં છોડ જાઉંગા ,
દુનિયાકે વાસ્તે હૈ જો ગુમનામ રાસ્તે