CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 18, 2024

છ – છ વખત સમુદ્રમાં ગરક થયેલી દ્વારિકા નગરી

શ્રી કૃષ્ણની પ્રાચીન દ્વારકા નગરી શોધવા સૌપ્રથમ પુરાતત્ત્વીય સંશોધનો ડો. હસમુખ સાંકળિયાએ કર્યા હતા. ગુજરાત ઇતિહાસ પરિષદ છઠ્ઠા અધિવેશનની સ્મરણિકામાં જણાવ્યા મુજબ,

ત્યારે ઉત્ખનન માટે દ્વારકાધીશના મંદિર પાસે ૨૦ × ૨૦ ફૂટનો ર૪ ફૂટ ઊંડો ખાડો ખોદી સંશોધનો હાથ ધરાયા હતા. સર્વેના આશ્ચર્ય વચ્ચે અહીંથી એક ઉપર એક એમ છ વખતની દબાયેલી દ્વારકાના અવશેષો મળી આવ્યા હતા પરંતુ કૃષ્ણની ખોવાયેલી દ્વારકા નગરીના કોઇ સગડ મળ્યા ન હતા.

•છઠ્ઠી દ્વારકા : નિર્ધારિત જગ્યાએ ત્રણ જ ફૂટ ખોદતા સારા પથ્થરનો બંધાયેલો પાયો તેમજ કેટલાક નાના-મોટા શંખોનો સંગ્રહ જોવા મળ્યો હતો. આ બાંધકામ ઇ.સ. ૧૮૫૦નું અનુમાની શકાય.

•પાંચમી દ્વારકા : ઉપરોકત છઠ્ઠી દ્વારકાના પાયામાં મળી આવી હતી. અહીંથી હાથીદાંતની વસ્તુઓ તથા માટીનાં રમકડાં (ટેરાકોટા) મળેલ હતા.

•ચોથી દ્વારકા : તે પણ પાંચમી દ્વારકાના પાયા ખોદતાં મળી આવી હતી. અહીંથી લાલ તથા કાળી માટીના ઠીકરાંઓ, કાચની બંગડી તથા ચીની માટીના ઓપ ચડાવેલા (Glazed) વાસણો મળી આવ્યા હતા. જે ઇરાની મુસ્લીમ સંસ્કૃતિનું અહીં આગમન સૂચવે છે. સમય આશરે દશમી સદીનો ગણી શકાય.

•ત્રીજી દ્વારકા : તેના અવશેષો ચોથી દ્વારકાના પાયા હેઠળ મળી આવ્યા છે. અહીંથી પથ્થરમાં તરાસેલ કલાત્મક મંદિરના શિખરનું આમલક મળી આવ્યુ હતું. તેની શૈલી ત્રીજી દ્વારકાને વલભી કે ધૂમલીના સૈંધવકાળ સુધી લઇ જાય છે. સમય આશરે ૭મી સદીનો ગણી શકાય.

•બીજી દ્વારકા : ઉપરોકત આમલકવાળો છ ફૂટનો રેતીનો દળ ખોદતા બીજી દ્વારકાના અવશેષો મળી આવ્યા હતા, તેમાં લાલ પથ્થરથી બાંધેલી એકથરી ઘરનો પાયો મળી આવ્યો. ઉપરાંત ચમકતી લાલ સપાટીવાળા ઠીકરાં તથા અતિશય જાડી ગંધક જેવી સપાટી ધરાવતા પીળાશ પડતા ગ્રીક દેશના એમ્ફોરાના અવશેષો મળી આવ્યા હતા. આવા વાસણો ઇ.સ. પૂર્વે બીજી સદીમાં વપરાતા હતા. એટલે બીજી દ્વારકાનો સંબંધ દરીયાઈ માર્ગે ગ્રીસ દેશ સાથે હતો તેમ કહી શકાય.

આ પણ વાંચો – જળ અને સ્થળ બંને પર સરળતાથી ચાલતી ભારતીય લશ્કરની ‘ પિપ્પા ‘ ટેન્ક

•પ્રથમ દ્વારકા : બીજી દ્વારકાના પાયામાં તેના અવશેષો પ્રાપ્ત થયા. ત્યાંથી અલગ પ્રકારના ઠીકરા મળ્યા છે. જેમાં લાલ રંગની સપાટી પર કાળા રંગના ચિતરામણા કરેલ છે. આવા ઠીકરા રાજસ્થાનના રંગમહેલ, કચ્છ, સૌરાષ્ટ્ર તથા વડનગરના પુરાતત્ત્વખાતાના ખોદકામ દરમ્યાન મળી આવ્યા હતા. આવા વાસણો ઇ.સ. પૂર્વે બીજી સદી આસપાસ વપરાતા હતા.

આ પણ વાંચો – કોણ છે 𝑪𝒚𝒄𝒍𝒐𝒏𝒆 𝒎𝒂𝒏 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂?

ઉપરોકત છ વખતની દ્વારકા કાળક્રમે એક ઉપર એક એમ દટાતી રહી અને ત્યાંજ પુનઃઉત્થાન પામતી રહી. ત્યાર પછીની હયાત આ સાતમી દ્વારકા છે. શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા વિશેનો પ્રશ્ન તો હજી ઊભો જ છે. આ સંશોધનો શ્રી કૃષ્ણની દ્વારકાને અનુમોદન આપતા નથી. પરંતુ એટલું જરૂર અનુમાની શકાય કે હાલની દ્વારકા પ્રાચીન શ્રી કૃષ્ણની દ્વારકા ઉપર ઊભી છે.

– સંદર્ભ : દ્વારકા – ઐતિહાસિક અને સાંસ્કૃતિક : સવજી છાયા