CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 18, 2024
Chandrakant Bakshi

ચંદ્રકાંત બક્ષી:નિર્દંભ,અને જીવન સાથે જોડાયેલ શ્રીમંત લેખિની

(લેખક – અનિલ આચાર્ય, વડોદરા)

બક્ષી વિશે લખવું સહેલું નહી પરંતુ અઘરું છે. તે એટલા માટે કે તે પોતે ફકત સાહિત્યકાર ન હતા.તેમની બહુમુખી પ્રતિભા હતી.
ગુજરાત થી દૂર કલકત્તા (આજ નું કોલકાતા),જ્યાં ગુજરાતી લેખન માટે તક સીમિત.સાહિત્યકાર સાથે સંપર્ક નહિવત.
ને શરૂઆતનું સાહિત્ય નાની તેમની દુકાનમાં બેસી,અવાજો,ગ્રાહકો ને ભીડની વચ્ચે બેસી લખ્યું.પહેલી ટૂંકી વાર્તા ત્યાં બેસી લખી. ને તે સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીની શરૂઆત હતી.
તેઓ કહે છે લખવા માટે બંધ કમરાના એકાંતની જરૂર નથી.મને પોસાય પણ નહી.
સંઘર્ષ હતો. ફૂટપાથ પર રૂમાલ પણ વેચ્યા છે.હુગલી નદી, હાવડા બ્રીજ ,ગરીબી, લોકોની અસુખમય જિંદગી, દેહ વેચતી યુવતી,શ્રમિકના શરીર પરના પરસેવા ને ખૂબ નજીકથી જોયા છે ,માટે જે પણ લખ્યું છે તે વાસ્તવિક ના ધરાતલ પર રચાયું છે,માટે ગમે છે .
દંભ કદી ગમ્યો નથી.ચમચાગીરી તેમને રાસ નથી આવી. સ્વમાન માટેની જીદ એટલી કે અભિમાની લાગે.ને ગુજરાત વિશે છાતી ફાડી ને લખ્યું છે,કોઈની સાડીબાર રાખ્યા વિના. ધીમે ધીમે કટાર લેખક સાહિત્યકાર બક્ષી પર હાવી થતા ગયા.
બક્ષી તો ગમે તે લખે..ટૂંકી વાર્તા, નવલકથા ,કટાર લેખકની હેસિયત થી,પ્રવચન,રાજકારણ કે કોઈ પણ, ગમે જ પરંતુ તેમની તે વ્યસ્તતાએ પાછલા વર્ષોમાં સાહિત્યકાર બક્ષીથી વંચિત રાખ્યા .
હજુ ઘણું પામવું હતું તેમના પાસે થી.ઘણું સાહિત્ય આપવાનીને પામવાની શક્યતા હતી.અફસોસ..
કદી કોઈની સામે ઝૂક્યા નહી.તડ ને ફડ બોલવું જનોઈવઢ હોય. ક્યારેક સીમા ઓળંગી જતા.કદાચ તેમને થયેલા અન્યાયબોધનું તે રિએકશન હતું.
કરુણા,ફિલોસોફી, ધર્મ, હિન્દુત્વ સાહસ પ્રેમ, વાસના,સેક્સ, કુટુંબ જીવન,સમાજ, રાષ્ટ્ર ભક્તિ. અને વાસ્તવિકતા સામે ઝઝૂમવાની ફિતરત હંમેશા તેમના લેખનમાંથી વાંચવા મળી છે.
આસું ને બહેલાવ્યા છે,હા આસું ને.સેક્સ વિશે લખવામાં છોછ નથી રાખ્યો દંભને હમેશાં નફરત કરી છે. યુવાનોમાં આસ્થા રાખી છે. જિંદગીને આવજો કહેવાની અલગ અદા છે. કુટુંબ જીવનનું મૂલ્ય અમૂલ્ય છે,તેઓએ કહ્યું છે.પાલનપુરથી કલકત્તા,કલકત્તાથી બોમ્બે ને અમદાવાદ .
તેમનું સત્ય એસિડિક હતું.તેમનું વર્ણન વાસ્તવિકતાની એક એક લકીરનું બયાન હતું.ગુજરાતને થયેલા અન્યાય,કે ગુજરાતીની નબળાઈ કે વિશેષતાનો એક્સ – રે તેમને પાડ્યો છે, ને તેનો રિપોર્ટ આપ્યો છે.
વિશ્વમાં ફરતાં રહ્યાને પ્રવાસની ડાયરી બધા માટે ખુલ્લી મૂકતા રહ્યા.
જિંદગી પણ ખુલ્લી કિતાબ હતી. યુવાનીના સ્ખલન હોય કે કોઈ જલન હોય.પરાજય હોય ,તેનો વિષાદ હોય .મોટું નુકશાન થઈ શકે તેમ હોય તોયે શબ્દ ચોર્યા વિના લખ્યું છે.. કદી કોઈથી ખોટા પ્રભાવિત નથી થયા .
બોમ્બેના શેરીફ એક ગુજરાતી તેમાંય એક સાહિત્યકાર બને તે ઉપલબ્ધિ હતી .
બક્ષી બાબુ કદાચ આપની અત્યારે વધુ જરૂર છે.
તમે અમારું હંમેશા ગૌરવ રહ્યા છો, બસ.. તમે લખ્યું છે તે બધું ગમ્યું છે, પરંતુ જે દિલનો હિસ્સો બની ગયું છે, ને વિશેષ ગમ્યું છે તે લખી વિરમીશ..
નવલકથા ‘ પેરેલિસિસ ‘ના અંતિમ પૃષ્ઠો માં અંકિત છે તે..
‘ બધું પસાર થઈ જાય છે .જીવનમાંથી સબંધો સળગી જાય છે.ચિતાઓ પર ધુમાડો રહી જાય છે .પછી વાસ રહી જાય છે , પછી વાસ પણ ચાલી જાય છે. પછી સ્મૃતિ રહી જાય છે . પછી સ્મૃતિઓ પણ ઓગળતી જાય છે. યાદદાસ્તની એકાદ મૌસમ આવે છે, એકાદ સ્મૃતિ ભડકીને બુઝાઈ જાય – એમાં તણખલા, આગ, ગરમાહટ કંઇ જ હોતું નથી. વરસાદ પછી રડતા એકાદ ખૂબસુરત શહેરની
શૂન્યતા હોય છે. એમાં -‘
( 1969 માં આ નવલકથા માટે તેમને ત્રીજા ઈનામ નો છેલ્લો અડધો ભાગ ગુજરાત સરકારે આપ્યો હતો, અલબત્ત સ્વીકાર્યો ન હતો. તેમના જેટલું દુઃખ વાચક ને પણ રહ્યું છે.)