What Jhumka ? હવે એક પ્રશસ્તિગાન રૂપે
મેરા ઝૂમકા તો બરેલીમે હી ગિર ચુકા થા – તેજી બચ્ચન
“DILIP MEHTA“
શાયર રાજા મહેંદીઅલીખાન સાહેબની કલમની કમાલ સમાન અને મહાન સંગીતકાર મદનમોહનજી દવારા સ્વરબધ્ધ થયેલું ફિલ્મ ‘મેરા સાયા, ૧૯૬૬) નું એક કાલજયી ગીત ‘ઝૂમકા ગિરા રે’ હવે કરનજોહરની ફિલ્મ ‘રોકી ઔર રાનીકી પ્રેમ કહાની’( rrkpk)માં પુનરાવૃત્તિ રૂપે ફરી એક વાર યુવાહૈયાઓને આજકાલ મંત્રમુગ્ધ કરી રહ્યું છે.
પુનરાવૃત્તિ રૂપે (Reprised) પ્રસ્તુત આ ગીતને મળી રહેલી અપ્રતિમ લોકચાહના એ માત્ર મહાન શાયર અને મહાન કમ્પોઝરની વિરાસતની જ સ્મૃતિ સમાન ન બની રહેતા આઝાદીકાળથી આજસુધીના યુવાપ્રેમના બદલાઈ રહેલા ચહેરાની પણ એક ઝાંખી કરાવે છે.
૧૨ જુલાઈએ રીલીઝ થયેલા અમિતાભ ભટ્ટાચાર્ય રચિત,પ્રીતમ દવારા સ્વરબધ્ધ થયેલ અને અરિજિત-જોનીતા ગાંધીના સ્વરમાં રેકોર્ડ થયેલા આ નવા ગીતે માત્ર ૨૫ દિવસના ટૂંકા ગાળામાં જે લોકપ્રિયતા હાંસલ કરી છે, એ નિહાળીને મૂળગીત વિષે પણ થોડું કહેવાનું મન થાય જ. આશા ભોસલેના સ્વરમાં સાધના ( શિવદાસાની) પર ફિલ્માવવામાં આવેલ આ ગીતમાં એક પ્રશ્ન આવે છે “ ફિર ક્યા હુઆ’?
આ પુરુષ સ્વર એ સમયના જાણીતા કમેન્ટટેટર વિનોદ શર્માનો છે. મદન મોહનજીના એ મિત્ર હતા , અને આ અવાજ વિષે ગયા વર્ષ સુધી રહસ્ય જ હતું. સ્વયં આશાજીને પણ આ અવાજ વિષે ખબર નહોતી , પરંતુ મદનજીના પુત્ર સંજીવ કોહલી એ આ અંગે સ્પષ્ટતા કરી. બિનાકા વાર્ષિક સૂચી ( ૧૯૬૬)માં આ ગીતે ચોથું સ્થાન પ્રાપ્ત કરેલું. ટોપ ફાઈવમાં સ્થાન મેળવવું એ સ્વયં એક ઉપલબ્ધી ગણાય. એ સમયમાં આ ગીતે એટલી લોકપ્રિયતા હાંસલ કરીકે પછી તો બરેલી શહેર ઝૂમકાનું પર્યાયવાચી બની ગયું ! ઝૂમકા એટલે બરેલી અને બરેલી એટલે ઝૂમકા ….આટલા વર્ષો પછી પણ હજુ કરોડો સંગીતપ્રેમીઓના દિલ-ઓ-દિમાગમાં આ ‘જોડી’ રાજ કરી રહી છે.
ગીતની અને શહેરની આ લોકપ્રિયતાને કેન્દ્રમાં રાખીને શહેરનું જયારે પ્રાધિકરણ કરવામાં આવ્યું ત્યારે બરેલીમાં ચૌદ ફૂટ ઊંચું ઝૂમકા ( કાનની વાળી)નું એક શિલ્પ પણ બનાવવામાં આવેલું! ગઝલના બેતાજ બાદશાહ ગણાતા કમ્પોઝર મદનમોહનજી એ રોમેન્ટિક સોંગ્સ પણ એટલાજ આપ્યા છે, પરંતુ લોકશૈલી, લોકગીત પ્રકારના ઢાળમાં કમ્પોઝ થયેલું આ ગીત કાલજયી બની જશે એવી તો કોને ખબર હોય?
કમ્પોઝર પ્રીતમના ‘What Jhumka’ના પગલે પગલે પ્રગટ થયેલી એક અનોખી પ્રણયકથા એ પણ છે કે મહાન કવિ હરિવંશરાય બચ્ચન અને એની તત્કાલીન પ્રેમિકા તેજીના પ્રેમનું પ્રકરણ પણ અહીં , આ શહેરથી શરુ થયેલું. સન 1941ની આ વાત છે જયારે ઉત્તર પ્રદેશના વ્યાપાર-ઉદ્યોગના કેન્દ્ર સમું આ બરેલી શહેર નવા વર્ષના પ્રારંભમાં મુશાયરાઓમાં પડઘાતી કવિતાઓથી ગુંજી ઉઠતું!
પોતાની આત્મકથાના દ્વિતિયખંડ ( નીડ કા નિર્માણ ફિર)માં આલેખાયેલી આ પ્રણય કહાની કંઇક આવી છે:
પ્રોફેસર દંપતિ પ્રકાશ જોહરી અને પ્રભાના નિવાસે ‘કવિ સંગત’નું આયોજન થતું. અલ્લાહાબાદના કવિ હરિવંશરાય બચ્ચન અને લાહોર સ્થિત મનોવિજ્ઞાનના પ્રોફેસર તેજી સૂરી , જેઓ જોહરી દંપતિના મિત્રો હોય છે, ત્યાં મળે છે.
કવિ બચ્ચનજી પોતાની પત્નીના અને પિતાના વિયોગમાં વિષાદમય હોય છે, અને કવિતાઓમાં પણ એમનો એ વિયોગ –વિષાદ અભિવ્યક્ત થાય છે.
બીજી બાજુ સૂરી પણ લંડનમાં અભ્યાસ કરતા એક યુવાન સાથેના એના સગપણ ( engagement)થી નારાજ/નિરાશ અને વિષાદમય હોય છે.
એક કવિતાના માધ્યમથી બંને જોડાય છે.ત્યારબાદ સૂરી પેલા યુવક સાથેની એની સગાઇ તોડી નાખે છે. બચ્ચન અને તેજી જલ્દી પરણી જાય છે. લગ્નના બીજ ક્યાં અને કેવી રીતે રોપાયા એની રસપ્રદ વાતો સ્વયં લેખકની કલમે લખાયેલા શબ્દો વાંચવામાં જ મજા છે.
વર્ષો પહેલા મારા બનેવી શ્રી રસિકલાલ પંડયાએ બચ્ચનજીની આત્મકથાનો આ ખંડ જ મને વાંચવા આપેલો એનું સ્મરણ થાય છે.
એમની પાસે આજે પણ ચાર ભાગ સંગ્રહિત છે. બચ્ચન અને સુરીના આ પ્રથમ મિલન અને ત્યારબાદના મિલનોમાં રાજા મહેંદી અલી ખાન સાહેબ પણ હાજર રહેલા. તેજી અને હરિવંશરાયના પ્રણયની સુગંધ સૌને આવી ગયેલી એટલે કોઈએ તેજીને લગ્ન બાદ પૂછી લીધું “ શું તમે બંને પ્રેમમાં હતા” તેજીનો પ્રત્યુત્તર પણ કાવ્યમય અને સુંદર હતો. એ બોલી કે “ મેરા ઝૂમકા તો બરેલી મેં હી ગિર ગયા થા” બરેલી નજીકના રાજમાર્ગ પર ઉભેલું તાંબા –પીતળ નું ૨૦૦ કિલો વજન ધરાવતું આ શિલ્પ એ unsung શહેર દવારા એક song ને અપાયેલી એક અંજલિ છે.
શાયર અને કમ્પોઝરને કાવ્યાત્મક અંજલિ રૂપે અર્પિત આ ગીત માટે પ્રીતમ અને કરણ જોહર ને અભિનંદન !
More Stories
अहमदाबाद में अंबेडकर की प्रतिमा तोड़े जाने से मचा हड़कंप
Basketball Day: वडोदरा में 1955 को हुई थी बास्केटबॉल खेल की शुरुआत
वडोदरा के UTI म्यूचुअल फंड की ऑफिस में आग, Video में देखें तबाही का मंजर