CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Monday, January 27   7:45:16

વડોદરાના વારસાનો ગરબો જેમાં છે આખાં શહેરનું વર્ણન :

ગુજરાતમાં મરાઠાઓએ આક્રમણ કરી બાબી સુલતાનો પાસેથી વડોદરા કબજે કર્યું અને ગાયકવાડી શાસનની સ્થાપના થઈ એ પછી ગણપતરાવ ગાયકવાડના સમયે વડોદરા કેવું હતું. એનું વર્ણન કરતો ગરબો કોઈ અજ્ઞાત કવિએ ઈ. સ. ૧૮૪૭ – ૧૮૫૬ પછી રચ્યો હતો. એ સમયના વડોદરાની માહિતી પ્રાપ્ત થાય છે. ગરબામાં આવતાં નામોની આગળ નંબર મૂકવામાં આવ્યા છે એમની સમજુતી ગરબાની નીચે આપી છે.

– સંશોધન અને પ્રસ્તુતિ : પ્રા.શકીલ કાદરી

ધન્ય ધન્ય રે વડોદરું શહેર, રૂપે રંગીલું… ટેક.

રૂપે રંગે છેલ-છબીલું, અલબેલું અપાર રે;

વડોદરાનું વર્ણન કરીયે, સુણજો નર ને નાર-

રૂપે રંગીલું :

(૧) બાર પરાંની વસ્તી ભારે, શોભાનો નહીં પાર રે;

વર્ણવતામાં વર્ષ જ વીતે, પરાં બહાર બજાર –

રૂપે રંગીલું :

યાકુતપુર અડાણિયું ને, કાલુપુરામાં ગૌખાનું રે;

(૨)ફોગટિયા બહુ ફત્તેહપુરામાં, દેવાળિયાનું ઠેકાણું-

રૂપે રંગીલું :

સરસિયાની પાળ ઉપર,

(૩)જેઠીનો અખાડો રે;

અષ્ટભુજા અલબેલી ઉભાં, પાછળ ગોસાંઈવાડો-

રૂપે રંગીલું :

સરસનાથ છે સાહામી પાળે, વાયડાવાડી ત્યાંય રે;

અજબ તલાવની પાળે થઈને, ચાલ્યા અગડમાં જાય-

રૂપે રંગીલું :

લાલ દરવાજે બંબાખાનું,

(૪)વાંદરિયો બુરજ રે;

(૫)મિયાં મહંમદની વાડી જાણે, ઝળકી રહ્યો સૂરજ-

રૂપે રંગીલું :

હાથિયા ખાડને દરવાજે થઈને, સિંધવાઈએ જવાય રે;

રામ તળાવની પાળ ઉપર રામેશ્વર ભગવાન-

રૂપે રંગીલું :

(૬)ઘોઈયાને દરવાજે થઈને, સિંધવાઈએ જવાય રે;

અજા રાજાના દરવાજા સામે, ચોખંડી કહેવાય-

રૂપે રંગીલું :

(૭)મડધા-બારીએ થઈને ચાલ્યા, શહેર જોવા કાજ રે;

લક્કડપીઠું, મદનઝાંપો, ગોંસાઈજી મહારાજ-

રૂપે રંગીલું :

સિદ્ધનાથના દર્શન કીધાં, આવી ઊંચી પોળ રે;

ચોરને બેઠા ગરદન મારે,

(૮)ભેસાણા ભાગોળ-

રૂપે રંગીલું :

વડું પરું છે (૯)બાબાજીનું

(૧૦)ડાંડિયું બજાર રે;

સક્કરકુઈને ઝાંપે રૂડો, લાલ નામ સરદાર-

રૂપે રંગીલું :

(૧૧)આનંદપુરામાં આવિયા ને, (૧૨)રાવપુરાને ઝાંપે રે-

દાન દક્ષિણા રૂડી થાયે, ગણપતરાવ ત્યાં આપે-

રૂપે રંગીલું :

ઊભી બજારે શોભા સારી, આવી ખારીવાવ રે;

સત્ય રૂપ ને રંગે રૂડું, સુરસાગર તળાવ-

રૂપે રંગીલું :

વડીવાડી છે ઘીને કાંટે, નાગરવાડો વિખ્યાત રે;

આદિત્ય વારે દર્શન કીજે, બેઠી (૧૩)બહુચર માત-

રૂપે રંગીલું :

નિઝામપરું, ભૂતડીને ઝાંપે, રોકડિયા હનુમાન રે;

સુરસાગર (૧૪)ગૌઘાટને દરવાજે, ત્રણ જ છે કમાન-

રૂપે રંગીલું :

શહેરની ત્યારે રચના દીઠી, શોભાનો નહીં પાર રે;

હાથી, ઘોડા, પાલખીઓ ને, વાંકડિયા અસવાર-

રૂપે રંગીલું :

ચારે દિશાના ચારે ચૌટા, વચ્ચે (૧૫)માંડવી-ચૉક રે;

ઊંચા મહેલ, મેડી ને અટારી, છજાં ઝરુખા, ગોખ-

રૂપે રંગીલું :

માંડવીને કમાન ચૉપાસે, ચતુર કરે વહેપાર રે;

કાછિયા દુકાનો માંડે, ઊભી હાથી-હાર-

રૂપે રંગીલું :

(૧૬)ચૉપાટ જેવા ચારે રસ્તા, સરખા સરખી ઓળ રે;

(૧૭)પાણીને દરવાજે બેઠા, વાઘ કરે કલ્લોલ-

રૂપે રંગીલું :

રાજે તળાવની સુંદર શોભા, જોતામાં મન મોહે રે;

નારી સહુ જળ ભરવા જાયે, નૌતમ રચના હોયે-

રૂપે રંગીલું :

રામપુરા દરવાજો કહીયે, જોયું છે રામ મુખ રે;

પરમેશ્વરના દર્શન કરતાં, જાય જનમના દુ:ખ-

રૂપે રંગીલું :

(૧૮)લહેરીપુરાની લહેર સહુથી, શોભા છે ભરપુર રે;

સુરસાગર રતનાગર જેવું, વાગે બહુ રણતૂર-

રૂપે રંગીલું :

ચૉથો દરવાજો (૧૯)ચાંપાનેરી, સરસિયાની વાટે રે;

વિસ્તારને વર્ણન કીધું, ચૉક પોળને હાટે-

રૂપે રંગીલું :

નગર નિરખ્યું, મનડું હરખ્યું, પ્રભુ થાય પ્રસન્ન રે;

નરસિંહજીની પોળ મહીં છે, નરસિંહના દર્શન-

રૂપે રંગીલું :

(૨૦)રાજરાજેશ્વર રણછોડજી ને, મહાલક્ષ્મી મુજ માત રે;

ગોવર્ધનનાથ ને (૨૧)બલદેવજી, ચાલો (૨૨)પુંડરીનાથ-

રૂપે રંગીલું :

હમામખાનું, જનાનખાનું, દિવાનખાનું પાસ રે;

ધરમતણી તો ધજા ફરે છે, ઊંચા મહેલ આવાસ-

રૂપે રંગીલું :

ઘણી કારીગરી કચેરીમાં, છે જાતજાતના રંગ રે;

નૌતમ નારી નાચ કરે છે, કોમળ તેનાં અંગ-

રંગે રંગીલું :

તરેહવારનું ટકોરખાનું, ગોવિંદરાવનો મહેલ રે;

ગાયકવાડના મહેલ આગળ, શોભા સઘળી સહેલ-

રૂપે રંગીલું :

દાદાસાહેબ, નાનાસાહેબ, બાપાસાહેબ મહારાજ રે;

ગતપતરાવ ઘણું જીવજો, ને અખંડ કરજો રાજ-

રૂપે રંગીલું :

લાડ, મોઢ, શ્રીગૌડ, નાગર, દશા, વીશા વણિક રે;

સોની, સાળવી, સૂતાર, છીપા, દરજી, ઠીકાઠીક-

રૂપે રંગીલું :

પૂના, સતારા, મુંબાઈ જોયું, પૂરવ પશ્ચિમ દેશ રે;

ઉત્તરમાં ઉદેપુર જોયું, પૃથ્વીના નરેશ-

રૂપે રંગીલું :

બુન્દી, કોટા, દીઠું દિઠું દિલ્હી, ને જોયો ગઢ ગિરનાર રે;

સૂરત ને અમદાવાદ જોયું, કઠિણ કિલ્લા ધાર-

રૂપે રંગીલું :

બલિહારી તે વડોદરાની, ધન ધન નર ને નાર રે;

વીરક્ષેત્ર જેણે જોયું નહીં, તેનો એળે ગયો અવતાર-

રૂપે રંગીલું :

વાંકી નારી વડોદરાની, મહારાજા પણ વાંક રે;

મૃગનયનીની વરણાગીથી, વળિયો આડો આંક-

રૂપે રંગીલું :

શાહુકારોની દુકાનો ભારે, ધર્મતણો અવતાર રે;

(૨૩)ખુશાલચંદ, શામળ બહેચર ને, લલ્લુ બહાદર-

રૂપે રંગીલું :

રતનજી કહાન કહિયે, બાંધી પુણ્યની પાળ રે;

હરિભક્તિનો મહિમા મોટો, બીજા ભાઉ મૈરાળ-

રૂપે રંગીલું :

રંગીલો જે ગરબો ગાશે, રંગીલાં નર નાર રે;

રંગીલાં તો લહાણી લાવે, રંગભેર શ્રીકાર-

રૂપે રંગીલું :

મિજબાની મનગમતી કરવા, જાયે શોખીજન રે;

(૨૪)મસ્તુબાગનો બંગલો જાણે, ઈન્દ્રનું ઈન્દ્રાસન-

રૂપે રંગીલું :

સંવત ઓગણીસ પાંચમાં, શકે સત્તરસેં સત્તર રે;

નવરાત્રિમાં વર્ણન કીધું, વડોદરું જે શહર-

રૂપે રંગીલું :

પૂર્વ સહુ કવિને કરું વિનતિ, કોઈ મ દેશો ખોડ રે;

વડોદરાની રક્ષા કરજો, રેવા ને રણછોડ-

રૂપે રંગીલું :

ભગવદ્ વાણી સાચી જાણી, મનમાં આણી ભાવ રે;

વડોદરાનો ગરબો ગાતાં, સહુ જન સુખિયાં થાવ-

રૂપે રંગીલું :

••

વડોદરાના ગરબામાં આવતા ઉલ્લેખોની સમજુતી :

(૧) બાર પુરા એટલે ૧. બાવામાનપુરા, ૨. જહાંગીરપુરા, ૩. સુલતાનપુરા, ૪. બુરહાનપુરા (જે પાછળથી વિકૃત રૂપે બરાનપુરા ઉચ્ચારાતું થયું.), ૫. યાકુતપુરા એ પાંચ મુસ્લિમકાળના છે. એ પછી મરાઠાઓના યુગમાં ૧. રાવપુરા, ૨. બાબાજીપુરા, ૩. આનંદપુરા, ૪. ફત્તેહપુરા, ૫. શિયાપુરા, ૬. ગણપતપુરા, (નવાપુરા/કંગાલપુરા/મહેબુબપુરા એ ગણપતપુરાની બાજુમાં જ છે એટલે એનો જ ભાગ ગણાતાં) ૭. કાલુપુરા, આમ મુસ્લિમકાળના ચાર દરવાજાની અંદરના પાંચ અને મરાઠાકાળના દરવાજાની બહારના સાત મળી બાર પુરા મરાઠાઓના આગમન પછી ગરબામાં ગણાવાયાં છે.

(૨) શહેરમાં જે વ્યકિત પોતાને નાદાર કે દેવાળિયો જાહેર કરે એને શહેર છોડી શહેરની બહાર વસાવાયેલ ફત્તેહપુરામાં વસવાની છૂટ હતી. જેથી એની સામે લેણદાર ફરિયાદ કરી શકે નહીં એવો કાયદો હતો. એમ કહેવાય છે.

(૩) જેઠી એટલે ગુજરાતના મોઢ બ્રાહ્મણો. વાસ્તવમાં એ અખાડો વજ્રમુષ્ટિનો અખાડો ગણાતો. જે આજે પણ પિતાંબર પોળની પાસે છે. મુસ્લિમો એ અખાડાને ‘બજરમુઠિયા’નો અખાડો કહેતાં.

(૪) વાંદરિયા બુરજનું મૂળ મુસ્લિમ નામ ‘બહાદુર બુર્જ’ હતું. અને એ સંખેડા-બહાદુરપુર તરફ જવાના માર્ગે હોવાથી તે નામ મુસ્લિમ શાસનકાળથી કિલ્લાના બુરજને આપવામાં આવ્યું હતું.

(૫) મિયાં મહંમદની વાડી એ અતિ પ્રસિદ્ધ સ્થાન મુસ્લિમ શાસનકાળથી છે. રામ તળાવ અને મહંમદ તળાવ એ બે તળાવ ગાજરાવાડી વિસ્તારમાં હતાં. એમાંથી મહંમદ તળાવ એ એક પ્રસિદ્ધ સંતના નામે હતું. મહંમદ તળાવ પાસેની ટેકરી પર જ્યાં પુષ્કળ પ્રમાણમાં સાપ-વિંછી થતાં ત્યાં આ સંત રહેતાં હતાં અને એ સોનું બનાવવાનું જાણતા અને દરરોજ સવા મણ સોનું બનાવતા હતા એમ વિનાયક સદાશિવ વાકસકર નામના લેખકે નોંધ્યું છે. આ ટેકરી રામ તળાવ અને મહંમદ તળાવની વચ્ચે હતી. મહંમદ તળાવને ૨૦૦૨ના તોફાનો પછી મહાદેવ તળાવ નામ આપવાનો પ્રયાસ થયો.

(૬) ઘુઈયાનો દરવાજો એટલે ગોયા તલાવડી તરફનો દરવાજો. ગોયાગેટ. એ મુસ્લિમ શાસનકાળના વખતના કિલ્લાઓ દરવાજો ગણાતો. એની પાસે પ્રતાપનગર રેલવે સ્ટેશન બન્યું. એટલે એ પ્રતાપનગર મરાઠીકાળમાં બન્યું.

(૭) મડધા-બારી: ખબર લાવનાર અને લઈ જનાર માણસ એટલે મડઘો. એ મુસ્લિમોની એક જાતિ પણ છે. એટલે એવા માણસો સંદેશો રાજ સુધી પહોંચાડી કે લઈ જઈ શકે એવો કોટને લગતો નાનો દરવાજો એ મડઘા-બારી. આવું કામ કરનારા લોકો હતા. કદાચ એટલે જ પ્રતાપ મડધાની પોળ એવું નામ પડ્યું હોય. અથવા બાજવાડામાં જે કોટ તૂટી ગયો છે ત્યાં આવો ગુપ્તરસ્તો હોવો જોઈએ. એટલે ગરબામાં એ બારીએ થઈને શહેર જોવા જવાની વાત કહેવામાં આવી હોય.

(૮) ભેંસાણા ભાગોળ: ગોયા દરવાજા તરફનો આ વિસ્તાર નવાપુરાથી પોલોગ્રાઉન્ડ તરફ વિસ્તરતો હતો. એ પ્રાચીન વટપદ્રકની દક્ષિણ સીમા હતી. મુસ્લિમ કાળમાં એ શહેર બહાર ગણાતી ભાગોળ હતી. આજે જ્યાં બગીખાના વગેરે વિસ્તાર છે ત્યાં ભેંસાણા – મહાસેનક તળાવ પાસે ગુનેગારોને મૃત્યુદંડ આપવાની જગ્યા હશે એનો ઉલ્લેખ અહીં કરાયો છે. નવમી સદીના ઉલ્લેખોમાં પોલોગ્રાઉન્ડ પાસેના આ તળાવ પાસે પીર અમીન તાહેર ગઝનવી શહીદ થયા હતા એમના નામથી પીર અમીન તાહેર પરથી પીરામીતાર એવો વિકૃત ઉચ્ચાર થતાં પીરામીતાર વિસ્તાર બન્યો.

(૯) પરું બાબાજી : એ ગાયકવાડીમાં થયેલાં બાબાજી આપાજીના નામે છે. જે પાછળથી બાબાજીપુરા તરીકે પ્રસિદ્ધ થયું.

(૧૦) ડાંડિયું બજાર એટલે પ્રાચીન વટપદ્રકની પૂર્વ સીમાનો વિસ્તાર અને મુસ્લિમ શાસકોએ બનાવેલ વડોદરાનો પશ્ચિમનો છેવાડાનો વિસ્તાર. એટલે આજનું દાંડિયાબજાર. સયાજીરાવ ત્રીજાએ પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો ત્યારે મરાઠાઓની મોટાભાગની વસ્તી અહીં વસાવી હતી. લક્ષ્મીવિલાસ પણ પાછળથી આ વિસ્તારની પાસે બંધાયો એ ઘટના ગરબો રચાયા પછીની છે એટલે રાજમહેલનો ઉલ્લેખ નથી. પણ એ વિસ્તારમાં મરાઠી વસતા હશે તેથી ગરબામાં આ વિસ્તારનો ઉલ્લેખ છે. મહારાષ્ટ્રમાં પણ દાંડેબજાર હોય છે… એનું દાંડિયાબજાર થયું છે.

(૧૧) વડોદરાના રાજવી આનંદરાવ ગાયકવાડના નામથી કોઠી કચેરી આગળ આનંદપુરા વસ્યું હતું. જ્યાં આજે પણ મરાઠી વસ્તી અને સરકારી પ્રેસ છે. આ વિસ્તારમાં ગાયકવાડના અધિકારીઓ પણ રહેતા. કર્નલ ફેરને ઝેર આપવામાં આવ્યું એ કેસના વકીલ સાર્જન્ટે બેલેન્ટાઈનનું મકાન પણ અહીં જ હતું.

(૧૨) રાવપુરા ગાયકવાડીમાં વિકસ્યું અને રાવજી આપાજીને નામથી રાવપુરા તરીકે ઓળખાયું. ગાયકવાડના મરાઠી સરદારને નવાબવાડો, મીરસાહેબનૌ વાડો, આંબેગાંવકરનો વાડો, ખર્ચીકરનો વાડો એ આ વિસ્તારમાં અપાયા હતાં.

(૧૩) ચીમનાબાઈ રાવપુરા ટાવરથી દક્ષિણ દિશામાં એક ફલાંગના રસ્તા પર નાગરવાડા પાસે બહુચરાજી માતાનું મંદિર છે પહેલાં બેગડાઈ માતાનું મંદિર કહેવાતું હતું. કારણ એ મંદિર મહેમૂદ બેગડાની માલિકીનું હતું.

(૧૪) સુરસાગર ગૌઘાટ : શહેરના સરસિયા તળાવ અને બીજા તળાવોનું પાણી વધી જાય તો તે ન્યાયમંદિરની સામેના કાંઠા નીચેના કમાન જેવા દરવાજાઓમાંથી સુરસાગરમાં આવતું હતું આવી કમાનો પ્રતાપ ટોકીઝ પાસેના કાંઠા નીચે પણ છે. હવે સુરસાગરનું નવીનીકરણ કરવામાં આવ્યું છે ત્યારે એ ઐતિહાસિક ધરોહર નષ્ટ ના થાય તો સારું. એ પાણીના નિકાલની વ્યવસ્થા છે.. પૂર્વના તળાવનું પાણી સુરસાગરમાં આ કમાનો દ્વારા ઠલવાતું અને પછી દાંડિયાબજારના કાંસ દ્વારા વિશ્વામિત્રીમાં ઠલવાતું હતું. હવે સુરસાગરની ચારે તરફ કૉંક્રિટની દિવાલો ચણાઈ હોવાથી આ કમાનો પુરાઈ ગઈ છે. સુરસાગર બનાવવામાં આવ્યું ત્યાં પહેલાં ચંદન તલાવડી હતી. એના દક્ષિણ અને ઉત્તર કાંઠે કુતુબપુરા અને અમીનપુરા નામના વિસ્તારો હતાં.

(૧૫) માંડવી : ઈ. સ. ૧૫૧૧ ગુજરાતનો સુબો ખલીલખાન મુઝફ્ફરશાહ (બીજો) નામ ધારણ કરી ગુજરાતની ગાદીએ બેઠો ત્યારે તેણે પ્રાચીન વટપદ્રકની પૂર્વ દિશામાં દૌલતાબાદ નામનું શહેર વસાવી આઠસો ચોરસ મીટરની લંબાઈ-પહોળાઈ ધરાવતો કિલ્લો બનાવ્યો હતો. એની ચારે તરફ ઈંટ, ચુના અને પત્થરોનો ઉપયોગ કરી અમદાવાદના કિલ્લાથી પણ મજબુત કોટ અને છ દરવાજા બનાવ્યાં હતાં. એમાંના ચાર દરવાજા અતિ પ્રસિદ્ધ છે. જ્યારે બાકીના બે દરવાજા ગંજખાના દરવાજા અને ઘુઈયા (ગોયા) દરવાજા એટલાં પ્રસિદ્ધ થયાં ન હતા. આમ ગાયકવાડ પહેલાંનું વડપદ્રક એ અકોટાથી દાંડિયાબજાર અને લાલબાગથી નિઝામપુરા સુધીનો વિસ્તાર જ્યારે મુગલકાલીન દૌલતાબાદ કે બડૌદા જેને મરાઠાઓએ જીતીને બડૌદે કહ્યું. એ બડૌદા કે વડોદરા શહેર ચાર દરવાજાની વચ્ચે હતું. વચ્ચે માંડવીની લાકડામાંથી બનાવેલી માંડવી હતી. આ માંડવીની આસપાસ ગોવિદરાવ ગાયકવાડના વખતમાં બજાર હતું. ઈ. સ. ૧૮૪૯માં ગણપતરાવ ગાયકવાડના વખતમાં પણ ત્યાં બજાર હતું. ગણપતરાવ ગાયકવાડે ત્રીજો માળ ઊભો કરી માંડવી પર ઈ. સ. ૧૮૫૬માં ઘડિયાળ મુકાવ્યું હતું. મૂળમાં ઈ. સ. ૧૫૧૧મી એટલે સોળમી સદીની આ ઈમારતનો માલ્હોજી ગાયકવાડે પણ અઢારમી સદીમાં જિર્ણોદ્ધાર કરાવ્યો હતો. અને એ અંગેનો શીલાલેખ ઈમારતના ઈશાન ખુણાના પીલર ઉપર લગાડ્યો હતો. ત્યાર બાદ લગભગ ૧૯૬૦-૬૨માં વડોદરા કોર્પોરેશને ફરી એમાં રિનોવેશન કરાવ્યું હતું. વર્તમાન સત્તાધિશો દ્વારા ફરી એના રિનોવેશનનું કામ કરાવવામાં આવી રહ્યું છે.

(૧૬) ચૉપાટ જેવા રસ્તા ગરબામાં એટલે કહેવાયું છે કે ચાર દરવાજાનું અંતર મધ્યના માંડવી સુધી ચારે દિશામાં સરખું ચોપાટ જેવું છે. એની રચના એ રીતે કરાઈ છે.

(૧૭) પાણીને દરવાજે : સયાજીરાવ ત્રીજાએ આજવા સરોવર ખોદાવ્યું એ વડોદરાનું દૌલતાબાદ નામ હતું ત્યારે પહેલાં પાણી દરવાજા બહાર આવેલ ગોમતી, રામ, રાજે, તુલસી, ધોબી, સુલતાન, અજબ એવા વીસ તળાવો હતાં જ્યાંથી પાણીની જરૂરિયાત સંતોષાતી. મોટા ભાગના તળાવો એ દરવાજા પાસે હોવાથી પાણી દરવાજો કહેવાયો… અંગ્રેજોએ એને પાણીગેટ કર્યું.

(૧૮) લહેરીપુરા : મુસ્લિમ શાસન પછી પાણીગેટ, ચાંપાનેર અને ગેંડીગેટ કરતાં સુરસાગરને કારણે ખાણીપીણી અને મોજશોખના વિસ્તાર તરીકે આ લહેરીપુરા દરવાજાનો વિકાસ એટલે પણ થયો હશે કે ગાયકવાડી પછી પૂર્વ દિશામાં સૌથી વધુ વિસ્તારો વિકસ્યા એટલે બંને તરફની પ્રજા અહીં આવતી હશે. નવા કોઠી, રાવપુરા, આનંદપુરા, દાંડિયાબજાર વિસ્તારની અને શહેરના ચાર દરવાજા વિસ્તારની.

(૧૯) યાકુતપુરા પાસેના દરવાજાને ચાંપાનેરી દરવાજો એટલે કહેવાયો છે કે મહેમૂદ બેગડાએ વસાવેલ ચાંપાનેર દૌલતાબાદ – વડોદરામાંથી એ દરવાજાથી જવાતું હતું.

(૨૦) રાજ રાજેશ્વર શિવાલય મોટા સયાજીરાવના માતુશ્રી ગહેનાબાઈએ બંધાવ્યું હતું.

(૨૧) બલદેવજી : એ પુષ્ટિ સંપ્રદાયનું મંદિર જે પાછળથી કલ્યાણરાયનું મંદિર કહેવાતું થયું. આ મંદિર (બલ) દાઉજીનું મંદિર અગાઉ કહેવાતું હતું. એમાં કલ્યાણજીનું સ્વરૂપ પધરાવાયું ત્યારથી નવું નામ મળ્યું.

(૨૨) પુંઢરીનાથ: પંઢરીનાથનું મંદિર પણ ગહેનાબાઈએ બનાડાવ્યું હતું.

(૨૩) ખુશાલચંદ, શામળ બહેચર, લલ્લુ બહાદર એ શાહુકારો ગાયકવાડને નાણા ધીરનાર શરાફો હતા એમના નામની પોળો છે. હરિદાસ અને ભક્તિદાસ એ બે ભાઈઓને મદ્રાસથી લાવી ગાયકવાડે વસાવ્યા હતા. લલ્લુ બહાદર ઘોડાઓના શોખીન હતા. એટલે એવી કહેવત પડી હતી કે “લલ્લુ બહાદરનું ઘોડું, રતનજીનું રોડું અને હરિભક્તિનું પુણ્ય” હરિદાસ-ભક્તિદાસ એ બે ભાઈ દાનવીર હતા.

(૨૪) આ બાગ લાલ બાગ પાસે રેલવે કોલેજ નજીક હતો.