CATEGORIES

May 2024
MTWTFSS
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031 
May 18, 2024

ક્રિકેટ વિશ્વનો હોનહાર સિતારો અમરસિંહ – જેને બીજા તો ઠીક, એનું વતન #જામનગર પણ વિસારે પાડી ચૂક્યું છે….

સ્પિનરોના દેશ ગણાતા ભારતમાં તેજ ઑલરાઉન્ડર તરીકે કપિલદેવનો ઉદય થયો અને તેમણે સિદ્ધિ મેળવી ત્યારે તેમને બિરદાવતા એક લેખમાં ‘જન્મભૂમિ પ્રવાસી’ના તંત્રી હરીન્દ્ર દવેએ કપિલદેવને ‘અમરસિંહ-નિસારના વારસ’ તરીકે ઓળખાવ્યા હતા. ક્રિકેટના ઇતિહાસકારો માને છે કે, ભારતીય ક્રિકેટ ટીમમાં અમરસિંહ-નિસાર જેવી બૉલિંગ જોડી ત્યાર પછી થઈ નથી. ફક્ત 29 વર્ષના જીવનમાં દાયકાઓ સુધી યાદ કરવું પડે એવું પ્રદાન કરીને ગયેલા અમરસિંહ કોણ હતા? અને એમને ગુજરાત કે જામનગર સાથે શું સંબંધ?

તો સૌથી પહેલાં એ જાણે લઈએ કે, અમરસિંહ એટલે વિદેશમાં 100 વિકેટ લેનારા પહેલા બૉલર, જેમને ઇંગ્લૅન્ડ કાઉન્ટીએ ક્રિકેટ રમવા રોકી લીધા હતા. આપણે એ સારી પેઠે જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટના ઇતિહાસ સાથે સૌરાષ્ટ્રને સીધો સંબંધ છે. ભારતની પહેલી ટેસ્ટ ટીમમાં પોરબંદરના મહારાજા નટવરસિંહ અને લીંબડીના ઘનશ્યામસિંહ હતા. તે પહેલાં નવાનગર (જામનગર)ના જામ રણજી બૅટ્સમૅન તરીકે અત્યંત જાણીતા બન્યા હતા અને અમરસિંહ પણ જામનગરની જ દેન હતા.

અમરસિંહના પિતા લધાભાઈ રાજરજવાડાંના કૉન્ટ્રાક્ટર હતા. તેમના કામ પ્રમાણે રહેવાનાં સ્થળ બદલાય. એટલે અમરસિંહનો ઉછેર અને અભ્યાસ રાજકોટમાં થયાં. ક્રિકેટના પહેલા પાઠ તે આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં શીખ્યા. તેમની ઇચ્છા બૅટ્સમૅન બનવાની હતી, પણ તેમની છ ફૂટથી પણ વધુ ઊંચાઈ અને કદકાઠી ધ્યાનમાં રાખીને કોચ વેલજી માસ્તરે તેમને ફાસ્ટ બૉલર બનવા માટે પ્રોત્સાહન આપ્યું.

એક વાર પોરબંદર અને રાજકોટ વચ્ચેની મૅચમાં રાજકોટની વિકેટ ટપોટપ પડવા લાગી, ત્યારે વિદ્યાર્થી અમરસિંહથી એ ન જોવાયું. લાંબું શર્ટ, લફરસફર લેંઘો અને કાળા બુટ – એ જ વેશે, કૅપ્ટનને વિનંતી કરીને, તે મેદાને ઊતર્યા અને પોરબંદરના બૉલરોને ધોઈ કાઢ્યા. તે જોઈને ત્યાં ઉપસ્થિત (જામ રણજીના ભત્રીજા-ક્રિકેટર) દુલીપસિંહ પ્રસન્ન થયા અને જામનગર સ્ટેટમાં નોકરી આપી.

1932માં પહેલી ટેસ્ટ મૅચ રમતાં પહેલાં બૉલિંગ અને બેટિંગ – બંને ક્ષેત્રોમાં અમરસિંહનો દેખાવ અસાધારણ હતો.

વિખ્યાત ક્રિકેટ સમીક્ષક અને આંકડાશાસ્ત્રી આણંદજી ડોસાએ એકત્ર કરેલી વિગતો પ્રમાણે, 1932 સુધીમાં બેટિંગ એવરેજની બાબતે હાલારની ટીમમાં જામ રણજી પંદરમા અને અમરસિંહ ચોથા ક્રમે હતા. (અમરસિંહના 14 દાવમાં 495 રન) એ સમયગાળામાં સોરઠ, હાલાએ, ઝાલાવાડ અને ગોહિલવાડ એમ ચારેય ટીમની મૅચમાં કુલ ચાર સદી નોંધાઈ હતી, જેમાંથી બે અમરસિંહની હતી. વર્ષ 1930માં સોરઠ સામેની એક મૅચમાં અમરસિંહ અને કુમાર ઇન્દ્રવિજયસિંહે છઠ્ઠી વિકેટ માટે 193 રનની ભાગીદારી નોંધાવી હતી, જે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી ભાગીદારી હતી. બૅટ્સમૅન તરીકે આક્રમક અમરસિંહનો ખરો તાપ બૉલિંગમાં હતો. એક ઇનિંગમાં સૌથી વધુ – 9 વિકેટ અને અને એક મૅચમાં સૌથી વધુ- 16 વિકેટ લેવાનો વિક્રમ સૌરાષ્ટ્રમાં અમરસિંહના નામે હતો.

ઇંગ્લૅન્ડ ગયેલી ભારતીય ટીમની અન્ય મૅચો જુદી જુદી સ્થાનિક કાઉન્ટી સાથે હતી. તેમાં અમરસિંહની બૉલિંગનો ઇંગ્લૅન્ડના ખેલાડીઓને સારો એવો પરચો મળ્યો. તેમણે ત્રણ મૅચમાં (બંને ઇનિંગમાં થઈને) દસ-દસ વિકેટ લીધી અને એક વાર એક ઇનિંગમાં 90 રન આપીને 8 વિકેટ લીધી. ઇંગ્લૅન્ડના પ્રવાસ દરમિયાન રમાયેલી નાનીમોટી તમામ મૅચમાં થઈને તેમણે 111 વિકેટ લીધી અને વિદેશની ધરતી પર 100 વિકેટ લેનારા પહેલા બૉલર બન્યા.

ઇંગ્લૅન્ડની લેંકેશાયર કાઉન્ટીની કોલ્ન ક્લબે અમરસિંહને કરારબદ્ધ કર્યા. ત્યાર પછી બર્નલી કાઉન્ટી માટે પણ તે રમ્યા. બર્નલીમાં અમરસિંહે 23 મૅચમાં 806 રન બનાવ્યા અને 101 વિકેટ લીધી હતી, જે કાઉન્ટીમાં છેલ્લાં 26 વર્ષનો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત દેખાવ હતો. લગભગ ત્રીસીના દાયકાના અંત સુધી તે કોલ્ન (લેંકેશાયર) અને પછી બર્નલી સાથે સંકળાયેલા રહ્યા.

આખી કારકિર્દીમાં અમરસિંહ ફક્ત 7 ટેસ્ટ મૅચ રમ્યા. તેમાં તેમણે 28 વિકેટ લીધી. જામ રણજીના અવસાન પછી 1934થી શરૂ થયેલી રણજી ટ્રૉફી મૅચમાં પહેલાં તે ‘વેસ્ટર્ન ઇન્ડિયન સ્ટેટ્સ ક્રિકેટ ઍસોસિયેશન’ની ટીમમાં અને પછી નવાનગરની ટીમમાં હતા.

વિજય મર્ચંટ સાથે અમરસિંહની આત્મીયતા એવી હતી કે અમરસિંહે તેમના પુત્રનું નામ પાડ્યું વિજય અને વિજય મર્ચંટે તેમના પુત્રનું નામ અમર પાડ્યું હતું.

વર્ષ 1940માં અમરસિંહ તેમના પરમ મિત્ર માણાવદરના ખાનસાહેબને ત્યાં લગ્નમાં ગયા. ત્યાં મિત્રો સાથે ખૂબ તર્યા. તેમાંથી અચાનક તાવ ચડ્યો. જામનગર આવીને પણ તેમની સ્થિતિ સુધરી નહીં અને ટૂંકી માંદગી પછી તેમનું અવસાન થયું.

કમનસીબે આજે જામનગર અને ક્રિકેટ જગત પોતાના સમયના આ મહાન ક્રિકેટરને વિસારે પાડી ચુક્યું છે.