CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Thursday, May 8   8:55:35

ટાઇટેનિકના સૂર: જળસમાધિએ બાંધેલી મનુષ્યતા અને સંગીતની અમર કહાની

વહાણવટાના ઇતિહાસની સૌથી કમનસીબ ઘટના એટલે ટાઇટેનિકની જળસમાધિ. ૧૫૦૦ જેટલા મુસાફરોએ આ જહાજ સાથે જીવ ગુમાવ્યો. મૃત્યુ પામનાર બધાની કોઈને કોઈ કહાની હશે પણ એક ઘટના હમણાં ક્યાંક વાચવામાં આવી જેના પર લોકોનું ધ્યાન ખૂબ ઓછું ગયું છે.
વાત દુઃખદ તો છે પણ સાથે સાથે પ્રેરણાદાયી પણ છે.
જળસમાધિની એ રાત્રીએ ટાઈટેનિક પર લોકો પોતાનું ડિનર લઈ રહ્યા હતા. આઠ સંગીતકારોનું એક બેન્ડ સંગીતની સુરાવલીઓ વહાવી રહ્યું હતું, મુસાફરો નાચગાનમાં મસ્ત હતા અને અચાનક ‘ભાગો ભાગો’ ની બૂમરાણો શરૂ થઈ. હાફળા ફાંફળા થયેલા મુસાફરો બચવાનો માર્ગ શોધવા લાગ્યા ત્યારે આ બેન્ડના સંગીતકારોએ સ્વૈચ્છિક રીતે નક્કી કર્યું કે મૂંઝાયેલા લોકોને થોડી રાહત મળે એ માટે આપણે આપણું પરફોર્મન્સ ચાલુ રાખીશું. વાતમાં આગળ વધતાં પહેલાં એ જાણી લઈએ કે આ આઠે લોકોનું કોઈ કાયમી બેન્ડ નહોતું, એ લોકોનો એકબીજા સાથે પરિચય પણ શીપ પર આવ્યા પછી થયેલો. આઠમાંથી પાંચ તો ૨૦ થી ૩૦ વર્ષની વચ્ચેના જુવાનજોધ હતા. એમણે જે કામ કર્યું એ આપણી કલ્પના બહારનું હતું. એમણે છેક વહાણ ડૂબ્યું ત્યાં સુધી સતત સંગીત પીરસ્યા કર્યું. આ એમની ફરજ નહોતી માત્ર એક માનવતાવાદી વિચારનું અમલીકરણ હતું. છેવટે એ પણ ડૂબ્યા. કમનસીબે એમાંથી કોઈના મૃતદેહ પણ હાથ ન લાગ્યા. એક માત્ર એના લીડર વોલેસ હર્ડલીનો મૃતદેહ પંદર દિવસ પછી એટલાન્ટિક મહાસાગરના થીજેલા પાણીમાંથી મળ્યો ત્યારે એની છાતી પર એની ફિયાન્સે ભેટ આપેલી વાયોલિન થીજેલી હતી.
આ ઘટનાની કરુણતાની શરૂઆત હવે થાય છે. આ આઠે સંગીતકારો પોતાના કુટુંબના મુખ્ય માણસો હતા અને ઘર ચલાવવાની એમની જવાબદારી પૂરી કરવા સંગીતને વ્યવસાય તરીકે સ્વીકારેલ. પોતાના સ્વજનોના મૃત્યુથી નિરાધાર થઈ ગયેલાં કુટુંબોએ નિયમ મુજબ તેમને મળવાપાત્ર નાણાંકીય સહાય માટે ટાઇટેનિકની માલિક બ્રિટિશ શિપિંગ કંપની White Starline નો સંપર્ક કર્યો. ત્યાંથી જવાબ મળ્યો કે, “અમારી શીપના એ સેકન્ડક્લાસ પ્રવાસીઓ હતા, એટલે એમને કશું મળવાપાત્ર નથી . એમને બુક કરનાર મ્યુઝિક કંપની C.W.&F.નો સંપર્ક કરો”
મ્યુઝિક કંપનીએ કહ્યું, “તમે વીમા કંપનીનો સંપર્ક કરો.” વીમા કંપની તો એમને સંભાળવા જ તૈયાર નહોતી કારણકે, મ્યુઝિશિયન્સ ફ્રી- લાન્સર્સ હતા એટલે એમને વીમો મળી શકે નહીં. આમ આ માનવતાવાદી અને નિષ્ઠાવાન કલાકારોના કુટુંબીજનોને કોઈ પણ મદદ કરવામાં બધી મોટી કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા. હદ તો ત્યારે થઈ જ્યારે આ આઠ પૈકીના એક કલાકારના કુટુંબને રિક્રુટમેન્ટ કંપની CW&F એ ૧૪ શિલિંગનું બિલ મોકલ્યું જે એને ટાઇટેનિક પર જતાં પહેલા આપવામાં આવેલા યુનિફોર્મનું હતું.
આ વાત બહાર આવતાં જ લોકોનો રોષ ફાટી નીકળ્યો. દેશના તમામ સંગીતકારો એકઠા થયા અને સાત મહાન નિર્દેશકોના નિર્દેશનમાં સાત બેન્ડના ૪૭૩ શ્રેષ્ઠ કલાકારોએ રોયલ આલ્બર્ટ હોલમાં તા.૨૪ મે, ૧૯૧૨ના દિવસે આ દિવંગત કલાકારોના કુટુંબીજનો માટે ફંડ એકત્ર કરવા એક કાર્યક્રમનું આયોજન કર્યું. ભૂતકાળમાં કદી ન થયો હોય એવો ભવ્ય આ કાર્યક્રમ હતો. હકડેઠઠ ભીડ વચ્ચે આલ્બર્ટ હોલમાં ઊભા રહેવાની પણ જગ્યા નહોતી. મજાની વાત એ છે કે, એમાં કેટલાય દાનવીરો એવા હતા જેમને શાસ્ત્રીય સંગીત સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નહોતો. એવા લોકોએ આ કાર્યક્રમમાં હાજર રહીને પેલા અજાણ્યા કલાકારોને શ્રદ્ધાંજલિ આપી અને ઝોળી છલકાવી દીધી હતી.