જયપુરના રાજા સવાઈ જયસિંહ બીજાએ મોગલ બાદશાહ મોહમ્મદ શાહની વધતી વગ સામે પોતાના રાજય અને પ્રજાના રક્ષણ માટે જયવાણ નામની તોપ બનાવડાવી હતી. આમેરના કિલ્લાથી બે કિલોમીટરના અંતરે આવેલા જયગઢના કિલ્લામાં જયવાણ તોપ આજે ય વટથી મુલાકાતીઓને આકર્ષી રહી છે. દુનિયાભરમાં પૈડાં પર મુકાયેલી આ સૌથી મોટી અને એશિયાની સૌથી વજનદાર તોપ છે.
રાજાએ શત્રુઓ સામે લડવા રચેલી વ્યૂહરચનામાં પર્વતીય વિસ્તારમાં કિલ્લો અને એના પર શક્તિશાળી તોપ મૂકવાનો સમાવેશ થતો હતો. અરવલ્લીની પહાડીઓના શણગાર સમાન જયવાલ તોપનું વજન ૫૦ ટનથી વધુ છે. નળીના છેડાથી લઈને અંત સુધી તોપની લંબાઈ ૩૧ ફૂટ અને ત્રણ ઈંચ જેટલી છે. આ તોપની જાણકારી માત્રથી દુશ્મનોના હાંજા ગગડી જતા હતા. મજાની વાત એ છે કે જયવાણ તોપ બનાવાયા બાદ એક પણ વખત એનો યુદ્ધમાં ઉપયોગ થયો નહિ.
આ પણ વાંચો – જાણો છો તમારાં મસાલિયાંમાં હીંગ ક્યાંથી આવે છે?
આ તોપ બનાવવા માટે જયગઢમાં જ ખાસ કારખાનું બનાવાયું હતું. આમ તો બધા કિલ્લામાં તોપ બનાવાતી હતી. પરંતુ અત્યારે બીજા કોઈ કિલ્લામાં કારખાનાનું અસ્તિત્વ નથી, એક માત્ર જયગઢ કિલ્લામાં જ કારખાનું આજે પણ મોજુદ છે. જેમાં જૂનાં લેથ મશીન છે, તોપના સંચા અને ઢાળવાની ભઠ્ઠી ય છે. આ સ્થળને ખૂબ સલામત મનાતું હતું. એટલે જ રાજા માનસિંહ (૧૫૮૯-૧૯૧૪)નો ખજાનો અહીં સંતાડાયાની લોકવાયકા છે.
વજન ખૂબ હોવાથી એને અન્યત્ર ખસેડવાનું શક્ય નહોતું. માત્ર ચકાસણી માટે એક વખત તોપગોળો છોડાયો હતો. એમ કહેવાય છે કે એ ગોળો જયપુરથી ૩૫-૪૦ કિલોમીટરના અંતરે આવેલા ચાકસુ નામના ગામમાં પડ્યો હતો. ત્યાં ખૂબ મોટો ખાડો પડી ગયો આજે એ ખાડો તળાવ બની ગયો છે અને એનું પાણી ગ્રામજનો વાપરે છે.
આ પણ વાંચો – છ – છ વખત સમુદ્રમાં ગરક થયેલી દ્વારિકા નગરી
એક વખત ફાયર કરવા માટે જયવાણ તોપમાં ૧૦૦ કિલો ગન પાઉડર વપરાતો હતો. એ તોપ ગોળો છોડાતો હશે ત્યારે કેવો ભયંકર અવાજ થતો હશે. કેટલો પ્રચંડ સ્ફોટ થતો હશે અને છતાં ડુંગર પર તોપ ટકી રહે એ કેટલી મોટી વાત કહેવાય? ૩૫ કિલોમીટર સુધી ઊભેલા દુશ્મન સૈનિકના ચીથડેચીથડા ઉડાડી મૂકવાની ક્ષમતા ધરાવતી આ તોપનો કયારેય યુદ્ધમાં ઉપયોગ ન થયો એ જ એની તાકાતનું પ્રમાણપત્ર છે.આ ભવ્ય તોપને હાથીથી ખેંચીને લઈ જવાતી હતી. હજી પણ વિજયાદશમીએ આ તોપની પૂજા કરાય છે.
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર