CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Tuesday, May 6   1:12:30
morrarji baapu

‘ટહુકો’ નીઆમ્રકુંજમાં પ્રિય મોરારીબાપુનો ટહુકો!

આવતીકાલથી સોનગઢ-વ્યારાના વન પ્રદેશમાં પ્રિય મોરારીબાપુની કથાનો પ્રારંભ થઇ રહ્યો છે.
કથાના સ્થળ તરફ પ્રયાણ કરી રહેલા બાપુએ આજે એમના યજમાનશ્રી મહેશભાઈ પટેલ અને અન્ય સહાયકો શ્રી નીલેશભાઈ, સંતરામભાઈ, રાજુભાઈ, હરીશભાઈ સાથે શ્રી ગુણવંત શાહની આજે બપોરે ૧૨વાગે મુલાકાત લીધી.
શ્રીગુણવંતભાઈ અને અવંતિકાબેનની સાથે મૃગાંક –અમી, જયંતીભાઈ નાઈ, કિશોરભાઈ શાહ, વિવેક , નીલા અને અમે સૌ પણ બાપુને સત્કારવા સવારથી જ ઉત્સાહીત હતા.
નાસ્તા-ચા પાણી સાથે બાપુ બધાને પ્રેમથી મળ્યા.
બાપુએ કહ્યું કે “ મારી કથાને હું પ્રેમયજ્ઞ સમજુ છું અને આ પ્રેમયજ્ઞમાં વિચાર પુરુષ શ્રી ગુણવંતભાઈના વિચારોની આહુતિ આપતો હોઉં છું. આજે એવું લાગે છે જાણે હું વિચારકુંભમાં સ્નાન કરવા આવ્યો છું.”
ગુણવંતભાઈએ આજે પ્રિય બાપુને શ્રવણની કથા સંભળાવતા કહ્યું કે “ શ્રવણને બાણ માર્યા પછી મહારાજા દશરથને ખુબ જ દુઃખ થયું. એમને એમ લાગ્યું કે ‘મારાથી બ્રહ્મહત્યા થઇ ગઈ છે’, ત્યારે સ્વયમ શ્રવણ મહારાજા દશરથની આ વાત અને વિષાદને પામી ગયો અને મૃત્યુની સૈયામાં પોઢેલા શ્રવણે મહારાજા દશરથને કહ્યું કે “ હે મહારાજ, આપે બ્રહ્મહત્યા નથી કરી. આપને બ્રહ્મહત્યાનું પાપ નહીં લાગે કારણકે હું બ્રાહ્મણ નથી” આ સાંભળીને રાજા દશરથનો વિષાદ જરાક ઓછો થયો.
ગુણવંત ભાઈએ વધુમાં જણાવ્યું કે “ રામાયણના કેટલાક અદભુત પાત્રોમાં શ્રવણનું પાત્ર પણ એટલું જ અદભુત છે.”
મેં પણ બાપુ સાથે બનેલા એક પ્રસંગની બાપુને યાદ અપાવી.
૨૦૦૨માં ‘વિશ્વગ્રામ’ અને સ્વ. ચીનુકાકાની આગેવાનીમાં અમે અમદાવાદમાં એક શાંતિયાત્રાનું આયોજન કરેલું. આ શાંતિયાત્રામાં ગુણવંતભાઈ, સંજય ભાવસાર અને વિશ્વગ્રામના યુવાનો સાથે મોરારી બાપુ પણ જોડાયેલા.
પ્રારંભમાં બાપુનગર વિસ્તારમાં થોડું ચાલ્યા બાદ બાપુને ચાલવામાં તકલીફ પડવા લાગી કારણકે એમણે ‘કાષ્ઠની પાદુકા’ પહેરેલી. બાપુની આ મુશ્કેલી જોઇને મેં બાપુને કહ્યું: : બાપુ, તમને વાંધો ન હોય તો આપની આ ચાખડી મને આપી દયો અને આપ ખુલ્લા પગે ચાલો”. બાપુએ તરત જ એમની ચરણ પાદુકા મને સોંપી દીધી અને કહ્યું કે “ જો જો બરાબર સંભાળજો, કોઈ ભક્ત ન લઇ જાય!” મેં બાપુને ખાતરી આપી અને પછી તો એક સફેદ થેલામાં લટકાવીને મેં એ પદયાત્રાની ફોટોગ્રાફી ચાલુ રાખી. દરમ્યાન કોણ જાણે ક્યારે કોઈ એક વૃધ્ધ મારી પાસે આવ્યો અને કહ્યું :આપનો આ થેલો લઇ લઉં ?” મને ઉત્સાહમાં પેલી ચાખડી યાદ ન રહી અને મેં એ થેલો એ વૃદ્ધને જ આપી દીધો”!
ત્યારબાદ અમે મહેસાણા ડેરીમાં પહોંચ્યા. ત્યાં બાપુએ સુંદર પ્રવચન કર્યું. વચ્ચે કોમી રમખાણોમાં પીડિત થયેલા લોકોની એક છાવણીની પણ બાપુએ મુલાકાત લીધી.
છેક સમી સાંજે બાપુને એમની ચાખડી યાદ આવી અને મને પૂછ્યું “ પેલી ચાખડી આપોને” અને મને ત્યારે ખ્યાલ આવ્યો કે ચાખડીવાળો થેલો તો પેલા વૃદ્ધને મેં ત્યાં જ આપેલો. હું શું બોલું ? મેં બાપુને બધી જ હકીકત કહી, બાપુની ક્ષમા માંગી. બાપુએ સ્મિતવદને કહ્યું “ વાંધો નહીં”. અને બાપુ શિવરાત્રીના મેળામાં ખુલ્લા પગે જ પહોંચ્યા. આજે એ કિસ્સો મેં એમને કહ્યો ત્યારે, બાપુએ ફરી એ જ હળવા હાસ્ય સાથે મારી વાત સાંભળી. કવિ મૃગાંકે પણ આજે બાપુને એકાદ બે કવિતા સંભળાવી.
એકાદ કલાકની મુલાકાતબાદ બાપુએ મને , મારી પત્ની નીલાને, મૃગાંક, અમી, જયંતીભાઈને લક્ષ્મીના પ્રસાદ સાથે આશિર્વાદ આપ્યા.
હજુ થોડાક મહિના પહેલા પણ અમે જયારે મહુવામાં આયોજિત ‘માનસભૂતનાથ’કથા સમયે મૃગાંક શાહ સાથે ગયેલા ત્યારે પણ બાપુએ અમને સૌને ગીફ્ટ આપેલી, એની મેં બાપુને યાદ અપાવી. બાપુને તો હજારો ફ્લાવર્સ છે, પરંતુ, બાપુનો વડોદરા પ્રત્યેનો સ્નેહ અને અમારા સૌ પ્રત્યેનો સ્નેહ શબ્દાતીત છે!
આજે ‘હનુરામ’ના માલિક શ્રી રાજુભાઈ સાથે પણ લાંબા સમયે મુલાકાત થઇ, અમે બાપુની ‘માનસકર્ણધાર’ કથાના અનેક પ્રસંગોની યાદ તાજી કરી. મુંબઈના ઇન્ટીરીયર ડીઝાઈનર/આર્ટીસ્ટ અને અધ્યાત્મના અનુરાગી એવા અરુણાબેન દેવને પણ યાદ કર્યા. નુરાન સિસ્ટર્સને પણ યાદ કર્યા.
સોનગઢ –વ્યારામાં આયોજિત કથાના આયોજક શ્રી મહેશભાઈ પટેલ સાથે પણ ઘણી વાતો થઇ. કેલીફોર્નીયામાં વર્ષોથી વસેલ મહેશભાઈના પિતાજી શ્રી જગદીશભાઈ અને વીણાબેન પટેલનું મૂળ ગામ તો સોયાણી છે.
ભક્ત હૃદયના મહેશભાઈની જુબાન અંગ્રેજી છે, પણ દીલ સંપૂર્ણ ભારતીય છે, એ પ્રતીતિ એની આંખો અને વાણી દવારા થઇ! કથામાં આવવાનું એમણે મને ભાવપૂર્ણ આમંત્રણ આપ્યું. આભાર સહ મેં કહ્યું કે “ અમે લગભગ ‘આસ્થા’ ચેનલ પર જ બાપુની કથા જોઈએ છીએ”
ટહુકાની આમ્રકુંજ નીચે અમને આવજો કહેતી વેળા દુલા ભાયા કાગના એ સુવિખ્યાત ગીતની પંક્તિઓ( આવકારો મીઠો આપજે રે જી) ગાઈને બાપુએ ફરી એકવાર સૌને ભાવવિભોર કરી દીધા!