Dolo 650 આપણે ત્યાં બચ્ચા-બચ્ચાનું જાણીતું નામ છે પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, આપણે જે પેરાસીટામોલનો ઉપયોગ તાવની સારવારમાં કરીએ છીએ તેનો ઉપયોગ અમેરિકા સાપ મારવા માટે કરી રહ્યું છે.
અમેરિકાના ગુઆમ ટાપુની સરકાર ‘બ્રાઉન ટ્રી સ્નેક’ પ્રજાતિના સાપને મારવા માટે પેરાસીટામોલનો ઉપયોગ કરે છે. મૃત ઉંદરડાના શરીરમાં 80 મિલીગ્રામ પેરાસીટામોલનું ઇન્જેકશન આપવામાં આવે છે અને પછી તેમને કાર્ડબોર્ડ પેરાશૂટમાં ભરીને હેલિકૉપ્ટર વડે જંગલમાં વૃક્ષો પર લટકાવવામાં આવે છે.
મોટા ભાગે વૃક્ષો પર જ રહેતા ‘બ્રાઉન ટ્રી સ્નેક્સ’ ઝાડની ડાળી પર લટકતા કાર્ડબોર્ડ પેરાશૂટમાં પડેલા ઉંદરનો આહાર કરે છે અને પેરાસીટામોલ-યુક્ત ઉંદર ખાવાને કારણે સાપ થોડા જ કલાકોમાં મૃત્યુ પામે છે.
આ વિચિત્ર લાગતી વાતને જરા વિગતવાર સમજીએ:
આશરે ત્રણ મીટર લંબાઈ ધરાવતા ‘બ્રાઉન ટ્રી સ્નેક’ સામે અમેરિકા યુદ્ધે ચડ્યું છે. આ માટે તે વર્ષે 80 લાખ ડૉલર ખર્ચી રહ્યું છે. ભારતીય ચલણમાં ગણતરી કરીએ તો આ રકમ રૂ. 60 કરોડ થાય.
જે સરકારે વન્યજીવોનું રક્ષણ કરવાનું હોય એ ‘બ્રાઉન ટ્રી સ્નેક્સ’ને ખતમ શા માટે કરી રહી છે એવો સવાલ જરૂર થાય, પરંતુ અમેરિકા કહે છે કે, આ સાપ બહુ નુકસાન કરતા હોવાથી તેમને મારી નાખવા જરૂરી છે.
ગુઆમ ટાપુ વેસ્ટર્ન પેસિફિક સમુદ્રમાં અમેરિકન મેઇનલૅન્ડથી આશરે 11,000 કિલોમીટર દૂર આવેલો છે.તે ફિલિપાઇન્સથી આશરે 2,500 કિલોમીટર અને ઑસ્ટ્રેલિયાથી આશરે 4,500 કિલોમીટર દૂર થાય. હૈદરાબાદ કરતાં પણ નાનું કદ ધરાવતા ગુઆમ ટાપુમાં 30 લાખથી વધારે ‘બ્રાઉન ટ્રી સ્નેક્સ’ હોવાનો અંદાજ છે.
અમેરિકાના જણાવ્યા મુજબ, આ સાપના કારણે ગુઆમમાં પક્ષીઓની અગિયાર પૈકીની નવ પ્રજાતિનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. ઉપરાંત દેડકાં તથા ચામાચીડિયાંઓનો જીવ પણ જોખમમાં છે.
આ સાપ ઇલેક્ટ્રિકના થાંભલા તથા વાયર્સ સાથે વીંટળાઈ જતા હોવાથી વીજપુરવઠો ખંડિત થવાની સમસ્યા થાય છે અને વીજ ઉપકરણોને નુકસાન થાય છે. ગુઆમ પાવર ઑથૉરિટીના જણાવ્યા મુજબ, વીજપુરવઠો વારંવાર ખંડિત થવાને લીધે અને સમારકામ માટે વર્ષે 40 લાખ ડૉલર ખર્ચવા પડે છે.
આ કારણસર અમેરિકા ‘બ્રાઉન ટ્રી સ્નેક્સ’ની વસ્તી નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહ્યું છે.
ક્યાંથી આવ્યા આ સાપ?
ઑસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને પાપુઆ ન્યૂ ગિની જેવા દેશો આ સાપનું કુદરતી રહેઠાણ છે. આ વિદેશી પ્રજાતિના સાપ ગુઆમ ટાપુ પર આશરે 60 થી 70 વર્ષ પહેલાં કોઈ માલવાહક જહાજમાં આવ્યા હતા. ગુઆમ તેમનો પ્રાકૃતિક આવાસ નથી, તેથી અહીં આ સાપની કોઈ દુશ્મન પ્રજાતિ નથી. તેના પરિણામે ગુઆમ ટાપુમાં ‘બ્રાઉન ટ્રી સ્નેક્સ’ ની સંખ્યામાં જંગી વધારો થયો છે. આ સાપ વૃક્ષો પર રહેતા હોવાથી તેમને શોધવાનું મુશ્કેલ હોય છે. આ સાપે ગુઆમમાંની નેટિવ પ્રજાતિઓને આરોગવાનું શરૂ કરતાં ત્યાંના જીવવૈવિધ્યને પ્રચંડ નુકસાન થઈ રહ્યું છે.
અમેરિકા કહે છે કે તેનો હેતુ સાપની આ પ્રજાતિને સંપૂર્ણપણે ખતમ કરવાનો નથી, પરંતુ તેમની વસતી નિયંત્રિત કરવાનો છે. અમેરિકાને ડર છે કે, આ સાપ ગુઆમથી હવાઈ કે અમેરિકન મેઇનલૅન્ડ સુધી પહોંચશે તો તેનું પરિણામ બહુ ગંભીર હશે. તેનું કારણ એ છે કે અમેરિકામાં પણ તેની કોઈ દુશ્મન પ્રજાતિ નથી તેથી અમેરિકા આ સાપ જહાજ કે પ્લેન મારફત ગુઆમ ટાપુની બહાર ન જાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યું છે. ગુઆમના ઍરપૉર્ટ તથા બંદરો પરથી ‘બ્રાઉન ટ્રી સ્નેક્સ’નો સંપૂર્ણ સફાયો કરી નાખવામાં આવ્યો છે. એરપૉર્ટ્સ વિસ્તારમાંથી આ સાપને શોધી કાઢવા માટે ખાસ તાલીમ પામેલાં કૂતરાં ગોઠવવામાં આવ્યાં છે.
More Stories
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર
કરણ ઔજલા: વિષાદ અને વિવાદ મિશ્રિત સંવેદનમાંથી પ્રગટેલા સુર !