CATEGORIES

April 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
2930 
April 28, 2024

પેન્સિલ વિલેજ ઓફ ઇન્ડિયા: જાણો આ ગામનું મહત્વ

1996ની સાલની આ વાત છે. કાશ્મીરના પુલવામા જિલ્લાના ઓખુ ગામમાં રહેતા એક શ્રમજીવી અબ્દુલ અઝીઝના દિકરા મંઝૂરે પોતાના પિતાને ગુજરાન ચલાવવા માટે સંઘર્ષ કરતા જોયા હતા. મંઝૂરે એસ.એસ.સી.ની પરીક્ષા પાસ કરી અને પિતાએ પરિવારના નિર્વાહ માટે પોતાની જમીનનો એક ટુકડો રૂ. 75,000/- માં વેચ્યો. યુવાન થઈ ચુકેલા મંઝૂરે આગ્રહ કર્યો કે, આ રકમમાંથી આપણે એક નાનું બેન્ડ-સો યુનિટ સ્થાપીએ.

બેન્ડ-સો યુનિટ મારફતે એમણે એ વિસ્તારમાં ખૂબ પ્રચલિત એવા- એપલ બોક્સ પેકેજિંગના કામની શરૂઆત કરી. પણ એ તો મોસમી ધંધો હતો. મંઝૂર કંઈક વધુ કરવા માગતો હતો. 2012માં તે જમ્મુ ગયો અને ત્યાંના પેન્સિલ ઉત્પાદકોને મળ્યો તેમને ખાતરી આપી કે તે પેન્સિલ માટેનો કાચો માલ (જેને ‘સ્લેટ’ કહે છે) સપ્લાય કરી શકે છે.

આ એક લાંબી સાફલ્યગાથાની શરુઆત હતી.

મંઝૂરની વાતમાં આગળ વધતાં પહેલાં એક નજર અહીં પણ નાખીએ.

દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાનું ઓખુ ગામ, જે ‘ભારતના પેન્સિલ વિલેજ’ (𝑷𝒆𝒏𝒄𝒊𝒍 𝒗𝒊𝒍𝒍𝒂𝒈𝒆 𝒐𝒇 𝑰𝒏𝒅𝒊𝒂) તરીકે પ્રખ્યાત છે, તેણે તેની પોતાની વિકાસગાથા જાતે લખી છે . દેશના પેન્સિલ ઉત્પાદન એકમોને 90 ટકા કાચો માલ આ નાનકડું ગામ સપ્લાય કરે છે ઉપરાંત જમ્મુ કાશ્મીર સરકારની મદદથી 150 દેશોમાં નિકાસ પણ કરે છે.

અગાઉ આ કાચો માલ આપણે ચીન જેવા દેશોમાંથી આયાત કરતા હતા. પરંતુ 2012 થી સ્થાનિક ઉદ્યોગસાહસિકોએ કાશ્મીરના પ્રખ્યાત પોપ્લર વૃક્ષોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. આ એક વિશિષ્ટ નરમ લાકડું છે જે પેન્સિલના ઉત્પાદન માટે શ્રેષ્ઠ યોગ્યતા ધરાવે છે. કાશ્મીરની ખીણોમાં પોપ્લર લાકડું મોટા પ્રમાણમાં થાય છે અને ભેજનું પ્રમાણ આદર્શ હોવાથી આ લાકડું નરમ રહે છે.

ફરી મંઝૂરની વાત પર આવીએ,

સંબંધો સાચવવાની આવડત અને કાચા માલની વધતી જરૂરિયાતથી મંઝૂરનો ધંધો ધમધોકાર ચાલ્યો. પિતા સહિત આખો પરિવાર સ્લેટ બનાવવાના કામમાં લાગી ગયો. પરિવાર માટે એ સુવર્ણ દિવસ હતો જ્યારે મંઝૂરે તેના યુનિટમાં 15 સ્થાનિકોને કામ પર રાખ્યા. ધીમે ધીમે એક સમય એ આવ્યો કે , મંઝૂરે આખા ઓખુ ગામને આ કામમાં રોજગારી આપી. વધુ અગત્યની વાત એ છે કે,આ ઉદ્યોગમાં ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે.

હિન્દુસ્તાન પેન્સિલ્સ એ વિશ્વની બીજી સૌથી મોટી પેન્સિલ બનાવતી કંપની છે અને પ્રખ્યાત નટરાજ અને અપ્સરા પેન્સિલોની માલિકી ધરાવે છે. કંપનીને તેનો લગભગ 70 ટકા કાચો માલ પુલવામાથી મળે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ તેમના‘મન કી બાત’ સંબોધનમાં કહ્યું હતું,“આજે પુલવામા સમગ્ર રાષ્ટ્રને શિક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જો દેશભરના વિદ્યાર્થીઓ તેમનું હોમવર્ક કરે છે, નોંધો તૈયાર કરે છે, તો તે પુલવામાના લોકોની સખત મહેનતને કારણે છે. ”

એક માણસની દૂરંદેશીએ અને પરિશ્રમે આજે માત્ર એ ગામને જ નહીં સમગ્ર પુલવામા જિલ્લાને દુનિયાભરમાં જાણીતો કરી દીધો છે.