નેશનલ હાઈવે આપણા દેશને એક સૂત્રથી બાંધી રાખનાર ખૂબ મહત્વની માળખાકીય સુવિધા છે. એ વાત સર્વ સ્વીકૃત છે કે કોઈપણ દેશના આર્થિક વિકાસમાં પરિવહન માટેના રસ્તાઓની ઉપલબ્ધિ અને ગુણવત્તા ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. આપણા ગુજરાતમાંથી પણ નેશનલ હાઇવે પસાર થાય છે અને સૌરાષ્ટ્રના આખા સાગર કિનારાને આવરી લેતો રસ્તો પણ નેશનલ હાઈવેમાં સમાવિષ્ટ થયો છે, ત્યારે આ નેશનલ હાઈવેનું નામકરણ( આમ તો આ રસ્તાઓને નામ નથી હોતાં, નંબરથી ઓળખાય છે -એટલે નંબરીકરણ) કેવી રીતે થાય છે એ બહુ રસપ્રદ છે.
આપણા દેશમાં પૂર્વ થી પશ્ચિમ તરફ જતા નેશનલ હાઈવેઝને એકી (odd )આંકડાનો નંબર આપવામાં આવે છે અને ઉત્તરથી દક્ષિણ તરફ નીચે ઉતરતા એ નંબર ચડતા ક્રમમાં રહેશે – એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં જતો નેશનલ હાઇવે જેટલો ઉત્તર તરફ હશે એટલે એનો નંબર નાનો હશે જેમ કે ઉત્તર ભારતમાં NH 1 લડાખથી જમ્મુ કાશ્મીરના ઊરીને જોડે છે, જ્યારે NH 85 કેરાલાના કોચીથી તામિલનાડુના થોંડીને જોડે છે.
એ જ રીતે ઉત્તરથી દક્ષિણ તરફ જતા નેશનલ હાઇવે ને બેકી (even)નંબર અપાય છે અને પૂર્વથી પશ્ચિમ તરફ જતાં તેનો નંબર વધતો જાય છે, એટલે કે જે હાઇવે જેટલો પૂર્વમાં હશે એટલો એનો નંબર નાનો હશે અને પશ્ચિમમાં હશે એટલો એનો નંબર મોટો હશે. ઉદાહરણ તરીકે NH 2 આસામના દિબ્રુગઢથી મિઝોરમના તુઈપંગને ઉત્તર -દક્ષિણે જોડે છે. જ્યારે NH 62 પશ્ચિમ ભારતના પંજાબના અબોહરને રાજસ્થાનના પીંડવાળા સાથે જોડે છે.
કેટલીકવાર નેશનલ હાઈવેને ત્રણ આંકડાના નંબરથી પણ ઓળખવામાં આવે છે. જેને સબસીડરી (ગૌણ) હાઇવે કહેવાય છે. દાખલા તરીકે એન NH 144, NH 244, NH 344. આ ત્રણેય NH 44 ના સબસીડરી હાઈવેઝ છે, જેમાં તેનો પહેલો અક્ષર એકી છે કે બેકી છે તેના પરથી એ પૂર્વ – પશ્ચિમ છે કે ઉત્તર – દક્ષિણ એ નક્કી થાય છે.
આ છે નેશનલ હાઈવેઝના નામકરણની વિધિ. આ આખી વિધિને વધુ સારી રીતે સમજવા માટે વિડીયો સામેલ છે.
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર