CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Tuesday, April 22   10:40:17

ગુજરાતમાં માત્ર પાંચ જગ્યાએથી જ શેર બજારમાં રોકાણ નથી થતું

ગુજરાતીઓની વેપારીવૃત્તિ અને શેરબજારમાં રોકાણ માટેનો ક્રેઝ જાણીતો છે. વર્ષો વર્ષ શેરબજારમાં વધતાં રોકાણો એનો પુરાવો છે. આખાં રાજ્યમાં રોકાણનો ઉત્સાહ એવો છે કે, ગુજરાતમાં માત્ર પાંચ જ પિનકોડમાં શેરબજારનો એક પણ રોકાણકાર નથી . આપણે એ જાણી લઈએ કે ગુજરાતમાં કુલ 1412 પિનકોડ છે. એ પૈકી માત્ર પાંચ પિનકોડમાં સ્ટોક માર્કેટનો કોઈ રોકાણકાર નથી. આ પાંચમાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ અને મોરબી અને અમરેલી જિલ્લાના એક-એક વિસ્તારનો સમાવેશ થાય છે. આના પરથી એટલું નક્કી થાય કે, અંતરિયાળ વિસ્તારોમાંથી પણ રોકાણકારોને શેરબજારમાં રોકાણમાં રસ વધી રહ્યો છે. અલબત્ત, એક પિનકોડમાં એક કરતાં વધુ ગામડાંઓનો સમાવેશ થતો હોય એવું બની શકે.

આખા દેશની વાત કરીએ તો, ભારતમાં 19,252 પિનકોડ છે જેમાંથી લગભગ 19,219 પાસે ઓછામાં ઓછા એક ઈન્વેસ્ટર નોંધાયેલ છે. એટલે કે, ભારતના 33 પિનકોડ એવા છે જેમાં એક પણ નોંધાયેલ સ્ટોક માર્કેટ રોકાણકાર નથી. ટૂંકમાં દેશના લગભગ 99.85% પિનકોડ્સ સ્ટોક માર્કેટના રોકાણકારો દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

રોકાણ અને વેપાર કરવા માટે શેરબજારમાં આવતા યુવા રોકાણકારોની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. વળી દૂરના વિસ્તારોના અને પગારદાર લોકોએ પણ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે. ટેકનોલોજી પણ શેરબજારમાં રોકાણ વધવાનું મહત્વનું પરિબળ છે, જેણે સ્ટોક રોકાણને સુલભ અને સરળ બનાવ્યું છે.

ગુજરાતમાં 2022માં શેરબજારના રોકાણકારોની સંખ્યા 65.41 લાખ હતી, જે 17.2% વધીને 76.6 લાખ થઈ છે. જ્યારે દેશમાં 2023ના વર્ષ દરમિયાન લગભગ 1.57 કરોડ નવા રોકાણકારોનો ઉમેરો થયો હતો અને વર્ષના અંત સુધીમાં રોકાણકારોની સંખ્યા 8.5 કરોડને વટાવી ગઈ છે.

શેરબજારના નિષ્ણાતો માને છે કે ઇક્વિટી રોકાણમાં ગુજરાત હંમેશા ટોચના રાજ્યોમાં રહ્યું છે. અગાઉ, અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરો રોકાણકારોની સંખ્યાની દ્રષ્ટિએ પ્રભુત્વ ધરાવતા હતા. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી આ વલણમાં નાટ્યાત્મક પરિવર્તન આવ્યું છે કારણ કે નવા રોકાણકારો મોટાભાગે રાજ્યના અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી જોવા મળે છે.