ઉત્તર ભારતના બિહાર રાજ્યનો (અને નેપાળમાં પણ વિસ્તરેલો) મિથિલા પ્રદેશ ચિત્રકળાની વિશિષ્ટ પરંપરા ધરાવે છે. આ પ્રદેશની સ્ત્રીઓ દ્વારા સદીઓથી મધુબની ચિત્રો (જેને મિથિલા ચિત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે) બનાવવામાં આવે છે.
મધુબની પેઇન્ટિંગ્સનો વિશ્વના સૌથી પ્રખ્યાત પેઇન્ટિંગ્સમાં સમાવેશ થાય છે. મિથિલા પ્રદેશની આ લોકપ્રિય કલા તેના લોકોની સર્જનાત્મકતા અને સંવેદનશીલતાને વ્યક્ત કરે છે.
મધુબની ચિત્રોની ઉત્પત્તિ વિશે એવું માનવામાં આવે છે કે ઈ.સ. પૂર્વે 8મી અથવા 7મી સદીમાં મિથિલાના રાજા જનકે તેમની પુત્રી સીતાના રાજકુમાર રામ સાથેના લગ્નની ક્ષણોને ચિર સ્મરણિય બનાવવા માટે આ ચિત્રો બનાવવા કહ્યું હતું. એ સમયથી અસ્તિત્વમાં રહેલી આ કળા પ્રકાશમાં કેવી રીતે આવી અને વિશ્વફલક સુધી કેવી રીતે પહોંચી તેનો પણ ઇતિહાસ છે.
સને 1934ની વાત છે, જ્યારે નેપાળ અને બિહારમાં ભૂકંપ આવ્યો હતો. આ વિનાશક ભૂકંપમાં સમગ્ર પ્રદેશ તબાહ થઈ ગયો હતો. તમામ મકાનો અને ઈમારતો ધરાશાયી થઈ ગયા અને બધે માત્ર કાટમાળ જ બચ્યો હતો. એ સમયે મધુબની વિસ્તારના મેજિસ્ટ્રેટ – બ્રિટિશ સિવિલ સર્વિસ ઓફિસર વિલિયમ આર્ચર સરકાર વતી નુકસાનનું મૂલ્યાંકન કરવા આવ્યા હતા. આર્ચરે કાટમાળમાં મિથિલા પેઇન્ટિંગના કેટલાક અવશેષો જોયા અને તેમની નજર તેના પર સ્થિર થઈ ગઈ. આવા સમયે પણ આ કલાની સુંદરતાએ એક અધિકારીનું ધ્યાન ખેંચ્યું અને આર્ચરને આ પેઇન્ટિંગ એક જ નજરમાં ખૂબ જ ગમી ગયું. તેઓ આ અદભૂત કળા વિશે આખી દુનિયાને જણાવવા માંગતા હતા, તેથી સને 1949માં તેમણે મિથિલા આર્ટ પર એક પેપર પ્રકાશિત કર્યું. જો કે, એ પેપર પૂરતા લોકો સુધી પહોંચ્યું નહીં; તેથી સને 1966માં તેમણે અખિલ ભારતીય હેન્ડલૂમ બોર્ડના તત્કાલીન વડા પુપુલ જયકરનો સંપર્ક કર્યો. આ કળાથી પ્રભાવિત થઈને, પુપુલે મુંબઈ સ્થિત કલાકાર ભાસ્કર કુલકર્ણી સાથે મળીને જીતવારપુર અને રાંટી ગામની મહિલાઓને આ ચિત્રો કાગળ પર બનાવવાની તાલીમ આપી. આ પ્રયાસોના પરિણામે, મિથિલા પેઇન્ટિંગને સને 1967 માં દિલ્હીમાં એક પ્રદર્શનમાં પ્રથમ વખત બતાવવામાં આવ્યું હતું. અને પછીથી આ પરંપરાગત પેઇન્ટિંગને દેશ-વિદેશમાં ઓળખ મળી.
આ પણ વાંચો- એક અનોખું ગામ જ્યાં કરોડપતિ પણ કાચા મકાનમાં રહે છે
મધુબની શૈલીનાં ચિત્રો એ અહીંના કલાકારોનો એકાધિકાર છે અને તેમનું જ્ઞાન પેઢી દર પેઢી માતાઓથી પુત્રીઓ સુધી સચવાતું રહ્યું છે. છોકરીઓ બાળપણથી જ બ્રશ અને રંગો સાથે રમતા શીખે છે. મધુબની પેઇન્ટિંગ્સ પરંપરાગત રીતે બે સ્વરૂપો ધરાવે છે: ભીતિચિત્ર (માટીની દીવાલ પર બનાવેલા ચિત્રો) અને અરિપણા (જમીન-માટી પર). ભીતિચિત્ર ઘરોની માટીની દીવાલો પર ખાસ કરીને પરિવારના ભગવાન કે દેવીનું મંદિર કે ડ્રોઈંગરૂમમાં અને લગ્ન, ઉપનયન અને દશેરા અને દિવાળી જેવા તહેવારો જેવા શુભ પ્રસંગો પર દોરવામાં આવે છે. આ કલાની સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે -કોહબારની સજાવટ – કોહબાર એટલે ઘરનો ઓરડો જ્યાં નવયુગલ તેમનાં લગ્ન પછી રહે છે.
પરંપરાગત રીતે આ ચિત્રો માત્ર સ્ત્રીઓ દ્વારા જ હાથથી પ્લાસ્ટર્ડ અથવા માટીની દિવાલ પર કરવામાં આવતાં , પરંતુ હવે વ્યાવસાયિક માંગને પહોંચી વળવા માટે તેમાં વધુને વધુ પુરુષો સામેલ થઈ રહ્યા છે. આ કલા બનાવવાની પરંપરાગત પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને પેઈન્ટિંગ્સ કાગળ અને કપડાં પર બનાવાય છે.
દરેક પ્રદેશ અને કલાકારની ખાસિયત મુજબ મોટા ભાગનાં ચિત્રોના હેતુઓ ધાર્મિક હોય છે. પેઇન્ટિંગ્સની કેન્દ્રિય થીમ પ્રેમ અને પ્રજનન છે. જેમકે રાધા અને કૃષ્ણના પ્રસંગો , રામ, શિવ, ગણેશ, લક્ષ્મી, સરસ્વતી, વાનર, સૂર્ય, ચંદ્ર, તુલસીનો, દીપ, લગ્નના દ્રશ્યો અને અન્ય સામાજિક કાર્યક્રમો.
ચિત્રકામ શરૂ કરતા પહેલા સ્ત્રીઓ સામાન્ય રીતે દેવતાઓને પ્રાર્થના કરે છે જેથી તેમના આશિર્વાદ તેમની સાથે રહે. વાંસની લાકડી પર વીંટાળેલા કપાસનો ઉપયોગ બ્રશ તરીકે થાય છે. જે રંગો વાપરવામાં આવે છે તે કલાકારો દ્વારા જાતે તૈયાર કરવામાં આવે છે. ગાયના છાણમાંથી કાળો રંગ, હળદર અને વડના પાંદડાના દૂધમાંથી પીળો રંગ, ગળીમાંથી વાદળી; ચોખાના પાવડરમાંથી સફેદ ભાગ અને કેસુડાંના ફૂલમાંથી નારંગી રંગ બનાવવામાં આવે છે.
પ્રાચીનકાળમાં આ કળા દિવાલો અથવા જમીન પર અમુક શુભ પ્રસંગોએ બનાવવામાં આવતી હતી અને બીજા જ દિવસે ભૂંસી નાખવામાં આવતી હતી. અને આ કારણે જ આ કામોની કોઈ જાળવણી કરવામાં આવી નથી. એક અર્થમાં, કલાકૃતિઓ કુદરતી અને ક્ષણિક હતી. તેમ છતાં આ લોકપ્રિય કલા કોઈપણ તકનીકી સાધનોની મદદ વિના એક પેઢીથી બીજી પેઢીમાં સરળતાથી પસાર થતી હતી અને એ જ કારણે આ કલા આજ સુધી જીવંત રહીને દુનિયાભરમાં સ્થાન પામી છે.
આ કલાએ અત્યાર સુધીમાં સંખ્યાબંધ કલાકારોને રાષ્ટ્રિય, આંતર રાષ્ટ્રિય પુરસ્કારો અને પદ્મ એવોર્ડ્સ જેવાં સન્માન અપાવ્યાં છે.
મધુબની શહેરના રેલ્વે સ્ટેશન, ટાઉન હોલ, વહીવટી કચેરીની ઇમારતો અને સરકારી બંગલા વગેરે જેવી તમામ સરકારી ઇમારતોને મધુબની પેઇન્ટિંગ્સ દ્વારા સંપૂર્ણ રીતે આવરી લેવામાં આવ્યા છે. ભારતની સંખ્યાબંધ લાંબા-અંતરની ટ્રેનો (કોચ) આખેઆખી મધુબની ચિત્રો દર્શાવતી કલાત્મક કૃતિઓમાં ફેરવાઈ ગઈ છે.
મધુબની ચિત્રકલા ફરી એકવાર આધુનિક વિશ્વના કલાત્મક કેનવાસ પર એક મુખ્ય કલા સ્વરૂપ તરીકે ઉભરી રહી છે.
More Stories
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..
‘માનસ માતુ ભવાની અને કીરવાની’ બાપુનીકથા એટલે ક્ષણનો સાક્ષાત્કાર !
મહારાજા મલ્હારરાવ ગાયકવાડ ( 1870-75) : અંગ્રેજોએ એમને શા માટે પદ ભ્રષ્ટ કર્યા હતા ?