દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ વિસ્તાર માટે કહેવાય છે કે ‘ઓખો જગથી નોખો.’ સ્થાનિક સંસ્કૃતિ ઉપરાંત ભૌગોલિક અંતરને કારણે અહીંના વિસ્તાર માટે આ વાત પ્રચલિત છે. છતાં આજથી લગભગ એક સદી પહેલાં વડોદરાના એક સાહસિકે આ વિસ્તારને કેમિકલ વર્કસનું હબ બનાવવાનું સપનું જોયું પણ એ અધૂરું રહ્યું. એ પછી વિખ્યાત જેઆરડી તાતાએ તેમનું વિચારબીજ ન કેવળ સાકાર કર્યું, પરંતુ આજે વટવૃક્ષ બની ગયું છે અને ઉદ્યોગસમૂહની મોટી કંપની છે.
જેઆરડી તેને જૂથની ‘કમનસીબ કંપની’ કહેતા. છતાં મીઠાપુરથી શરૂ કરીને કંપનીએ અનેક ખંડ અને દેશમાં પોતાનો વિસ્તાર કર્યો છે અને કંપનીને ‘મીઠાથી મોટરગાડી’ બનાવતી કંપની તરીકેની ઓળખ આપી છે.
વડોદરાના કપીલરામ વકીલે બ્રિટનમાં કેમિકલ એંજિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1918-1920 દરમિયાન તાતા જૂથ માટે મીઠું અને તેની આડપેદાશોના ઉત્પાદનની સંભાવનાઓ ચકાસવા માટે સરવે કર્યા હતા.
કપીલરામ વકીલને કોડિનાર અને ઓખામંડળ વિસ્તારમાં વિપુલ તકો દેખાઈ હતી.
આમ તો અંગ્રેજ સરકાર દ્વારા મીઠાના ઉત્પાદન પર પ્રતિબંધ હતો પણ આ બંને વિસ્તાર ગાયકવાડને આધીન હતા. ગાયકવાડ તથા અંગ્રેજ સરકાર વચ્ચેના એક કરારને કારણે મીઠાઉદ્યોગની વ્યાપક તકો ખુલ્લી હતી.
કપીલરામ મીઠાઉદ્યોગના ક્ષેત્રે સાહસ કરવા અધીર હતા. વર્ષ 1926માં ઓખા બંદર ધમધમતું થયું હતું એટલે દરિયાઈમાર્ગે નિકાસનો વિકલ્પ ખૂલી ગયો હતો. એ જ વર્ષે તેમણે 10મી સપ્ટેમ્બરના દિવસે પબ્લિક લિમિટેડ તરીકે કંપનીની સ્થાપના કરી.
એ પછીના વર્ષે કપીલરામે અખાત્રીજના દિવસે ‘ઓખા સૉલ્ટ વર્ક્સ’ની શરૂઆત કરી. ચોથી મે-1927ના દિવસે તત્કાલીન બરોડા સ્ટેટના દિવાન વીટી ક્રિષ્નામચારીએ ખાતમૂહર્ત કર્યું. શરૂઆતના વર્ષોમાં કંપનીના સ્થાપક અને કર્મચારીઓ ઝૂંપડામાં રહેતા. મીઠું વેંચાય એટલે પગાર થાય એવી સ્થિતિ હતી.’
છતાં કપીલરામ તથા તેમના સાથીઓ મીઠાનું ઉત્પાદન વધારવામાં સફળ રહ્યા હતા અને ભારતીય ઉપ-મહાદ્વીપમાં મીઠાના સૌથી મોટા ઉત્પાદક બની ગયા હતા.
પ્લાન્ટની આજુબાજુમાં વસતી વધી રહી હતી. આ વિસ્તાર મીઠાપુર એટલે કે ‘મીઠાના નગર’ તરીકે ઓળખાવા લાગ્યો હતો. તત્કાલીન બૉમ્બેમાં સાંતા ક્રૂઝ નામના પરાવિસ્તારના આયોજન સાથે વકીલ સંકળાયેલા હતા, જેના આધારે તેમણે પ્લાન્ટની ઇમારત, મૅનેજરના બંગલો, કર્મચારીઓ અને શ્રમિકોના સુવ્યવસ્થિત રહેણાંકની યોજના ઘડી હતી.
જાન્યુઆરી-1939ના ‘તાતા કેમિકલ્સ’ની સ્થાપના થઈ. કંપનીએ ઓખા સૉલ્ટ વર્ક્સ હસ્તગત કરી.
જમશેદપુરની તરજ પર જ મીઠાપુરમાં નગર સ્થાપવાની યોજના જેઆરડીના મગજમાં હતી. મીઠાપુરના પ્લાન્ટ માટે જનરેટર, બૉઇલર તથા અન્ય મશીનરીનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. આ સામાન ભારત આવી રહ્યો હતો એવામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. જે વહાણ નીકળ્યું હતું, તે રસ્તામાં ડૂબી ગયું. આથી, જેઆરડીએ યુદ્ધમાં તટસ્થ રાષ્ટ્ર એવા સ્વીડનમાંથી સામાન મંગાવવાનો ઑર્ડર આપ્યો, જે દરિયાઈમાર્ગે મૉસ્કો થઈને ભારત પહોંચવાનો હતો. આ અરસામાં જર્મનીએ યુક્રેનના રસ્તે રશિયા ઉપર આક્રમણ કર્યું. જેઆરડીને લાગતું હતું કે સામાન ભારત નહીં પહોંચે. એટલે તેમણે અમેરિકામાંથી જરૂરી મશીનરી મંગાવવાનો ઑર્ડર મૂક્યો.
આવી અનેક ઘટનાઓની પરંપરામાંથી પસાર થઇને હાલાર પંથકનાં આ નાનકડાં ગામડાંએ એક સમયે સોલ્ટ અને કેમિકલ હબ તરીકેની ઓળખ મેળવી હતી.
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?