22-02-2024
મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલ એક મકાનનું નામ બહુ વિશિષ્ટ છે- Readymoney Mansion !
આ વિશિષ્ટ નામ પાછળ એક ઇતિહાસ છે. 18મી સદીના પ્રારંભમાં એક પારસી પરિવાર નવસારીથી આવીને મુંબઈ સ્થાયી થયો અને ચીન સાથે અફીણના વેપારમાં લખલૂટ પૈસા કમાયો. આ પરિવારની આર્થિક સમૃદ્ધિ એટલી બધી હતી કે એ વખતની બ્રિટિશ સરકારને જ્યારે નાણાંની ખેંચ ઉભી થાય ત્યારે તે આ પરિવારની મદદ માગતા અને તેમને પૈસા મળી પણ રહેતા.
જ્યારે માગે ત્યારે આપવા માટે એમની પાસે પૈસા તૈયાર જ રહેતા એટલે બ્રિટિશ સરકારે એમને ‘રેડીમની’ (Readymoney) નું બિરૂદ આપ્યું હતું. જે પછીથી એમણે અટક તરીકે અપનાવી લીધું.
આ પરિવારના સર કાવસજી જહાંગીરે પોતાની ઓફિસને ‘રેડીમની મેન્શન’ નામ આપ્યું હતું.
રેડીમની પરિવાર કેટલો ધનાઢય હતો એની વાત કરીએ તો, રેડીમની મેન્શનની ડિઝાઇન આર્કિટેકટ જ્યોર્જ વીટેટ એ કરી હતી અને આ જ્યોર્જ વીટેટ એટલે એ કે જેમણે ગેટ વે ઓફ ઇન્ડિયા ડિઝાઇન કરેલો.
જહાંગીર રેડીમની અને એમના પરિવારે મુંબઈને કેટલાંક ખૂબ સુંદર બિલ્ડીંગ આપ્યા છે, જેમ કે જહાંગીર આર્ટ ગેલેરી, એલ્ફિન્સ્ટન કોલેજ, મુંબઈ યુનિવર્સિટીનો કોન્વોકેશન હોલ, નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટ બિલ્ડીંગ વગેરે..(જુઓ વિડિયો)
આ ઉપરાંત સર રેડીમનીએ બે સુંદર મજાના ફાઉન્ટેન પણ બનાવીને સમાજને અર્પણ કર્યા છે એ પૈકીનો એક મુંબઈમાં સેન્ટ થોમસ કેથેડ્રલ પાસે અને બીજો લંડનના રીજન્ટસ પાર્કમાં ! આજે પણ તમે લંડનમાં કોઈને પારસી ફાઉન્ટેન અથવા રેડિમની ફાઉન્ટેન પૂછો તો એ તમને જરૂર બતાવી દેશે !

More Stories
ટાઇટેનિકના સૂર: જળસમાધિએ બાંધેલી મનુષ્યતા અને સંગીતની અમર કહાની
‘ટહુકો’ નીઆમ્રકુંજમાં પ્રિય મોરારીબાપુનો ટહુકો!
ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?