CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Sunday, December 22   1:02:52

ચેક્સ: ભારતના માછીમારોના ગામમાં લુંગી તરીકે પહેરાતું કાપડ અમેરિકામાં શ્રીમંતોની ફૅશન બન્યું

દુનિયાભરમાં લોકપ્રિય, વજનમાં હળવા, વિધવિધ રંગછટાવાળા સુતરાઉ ચેક્સવાળા કપડાં અને દક્ષિણ ભારતના એક તટીય શહેર વચ્ચે શું સંબંધ છે? મદ્રાસપટ્ટિનમ,જે બાદમાં મદ્રાસ તરીકે ઓળખાતું થયું હતું અને હવે ચેન્નાઈ તરીકે ઓળખાય છે તેના માછીમારો અને ખેડૂતો હાથથી વણેલા મલમલના ચેક્સ એટલે કે ચોકડીની ડિઝાઈન ધરાવતા કાપડની લુંગી સદીઓથી પહેરતા રહ્યાછે. દક્ષિણ ભારતના ગરમ અને ભેજવાળા હવામાનમાં લુંગી તેમને અત્યંત અનુકૂળ હતી.

કોરોમંડલના તટીય વિસ્તારો તેના કાપડ માટે, ખાસ કરીને હાથવણાટના ચેક્સવાળા કાપડ માટે વિખ્યાત હતા. ગ્રીડ એટલે કે ચોકઠાં તમિળ સંસ્કૃતિમાં કાયમ શક્તિશાળી પ્રતીક બની રહ્યાં છે. જમીન પર દોરવામાં આવેલી કોલમની ડિઝાઈન તેનું એક ઉદાહરણ છે. મંદિરોમાં દેવતાઓને પણ ચેક્સની ડિઝાઈનવાળાં વસ્ત્રો પહેરાવવામાં આવ્યાં છે.

હાથવણાટના એ કાપડની બન્ને બાજુ સમાન પેટર્ન હોય છે. વેજિટેબલ ડાઈનો ઉપયોગ કરીને બનાવવામાં આવતા રંગોનો ઉપયોગ તેમાં કરવામાં આવતો હતો. તેને ધોવામાં આવે ત્યારે તેમાંથી વધારાનો રંગ નીકળી જતો હતો. આ કાપડનો ઉપયોગ રૂમાલ બનાવવા માટે પણ થતો.

અમેરિકામાં પારિવારિક માલિકીની ઓરિજિનલ મદ્રાસ ટ્રેડિંગ કંપનીનું સંચાલન કરતા પ્રસન શાહ કહે છે, “મદ્રાસ ચેક્સની સાચી વ્યાખ્યા શુદ્ધ સુતરાઉ દોરાથી રંગાયેલું પ્લેઈન-વીવ કાપડ છે. તેમાં ઓછામાં ઓછા બે રંગની અનિયમિત પેટર્ન હોય છે અને સૌથી અગત્યની વાત એ કે તેનું વણાટકામ શુદ્ધ ભારતીય કપાસમાંથી મદ્રાસમાં કરવામાં આવે છે. તે મૂળથી આજ સુધી મદ્રાસમાં વણવામાં આવતું શ્રેષ્ઠ કાપડ છે.” પ્રસન શાહના દાદા મદ્રાસ ચેક્સ કાપડથી ભરેલી એક ટ્રક સાથે મદ્રાસથી ન્યૂયોર્ક પહોંચ્યા હતા અને 1973માં તેમણે આ કંપનીની સ્થાપના કરી હતી.

ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ હૅન્ડલૂમ કાપડને કારણે મદ્રાસની પસંદગી કરી હતી. 1612માં ડચ લોકો મદ્રાસપટ્ટિનમ પહોંચ્યા ત્યારે તેમણે કેલિકો કાપડનો વેપાર શરૂ કર્યો હતો અને તેના કારણે તેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન શરૂ થયું હતું.

મદ્રાસ 17મી સદીની મધ્યમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે એક મહત્ત્વપૂર્ણ વાણિજ્ય કેન્દ્ર બની ગયું હતું. તેના ફ્રાન્સિસ ડેને હાથવણાટના વેજિટેબલ ડાઈથી રંગાયેલા કાપડમાં અપાર સંભાવનાઓ જોવા મળી હતી. તેમણે વણકરોને નિકાસ માટે હળવા વજનનાં કાપડનું ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કર્યા હતા અને ભારતીય વણકરોને ડ્યૂટી ભરવામાંથી 30 વર્ષની મુક્તિ આપી હતી. તેથી આશરે 400 વણકરો મદ્રાસમાં સ્થાયી થયા હતા.

અંગ્રેજોએ 18મી સદીમાં મદ્રાસમાં બંદર બનાવ્યું તેની સદીઓ પહેલાંથી દક્ષિણ ભારત સુતરાઉ કાપડના વણાટ માટે જાણીતું હતું, પરંતુ આ બંદર અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને કારણે મદ્રાસના કાપડનો વેપાર આધુનિક વિશ્વમાં શરૂ થયો હતો.

કળા ઇતિહાસકાર જસલીન ધામેજાએ તેમના પુસ્તક એશિયન ઍમ્બ્રૉઇડરીમાં નોંધ્યું છે કે મદ્રાસ નામ હેઠળ 1660માં ચેક્ડ ફૅબ્રિકની નિકાસ સૌપ્રથમવાર કરવામાં આવી હતી. બ્રિટિશ વેપારીઓએ આઠ મીટર લાંબી કાપડની ગાંસડીનું વર્ણન કરવા માટે રીઅલ મદ્રાસ હૅન્ડકરચીફ અથવા આરએમએચકે શબ્દનો ઉપયોગ કરતા હતા. આઠ મીટર લાંબા કાપડ પર લાગતો કર ભરવાનું ટાળવા માટે તેના ત્રણ ચોરસ ટુકડા કરવામાં આવતા હતા. પશ્ચિમ આફ્રિકા સાથે આરએમએચકે કપડાનો વેપાર છેક સોળમી સદીથી થાય છે. ગુલામોને વેચતા પોર્ટુગીઝ વેપારીઓ મજૂરોને અમેરિકા મોકલવાના બદલામાં લંડનમાં કાપડ લેતા હતા.

તેને નાઇજિરિયા જેવી આફ્રિકન વસાહતોમાં પણ લઈ જવામાં આવ્યું હતું, જ્યાં આરએમએચકે ઈન્જીરી એટલે કે વાસ્તવિક ભારત તરીકે જાણીતું થયું હતું. ત્યાંના કલાબારી સમુદાયમાં એ કાપડ નવજાત શિશુઓ માટેની ભેટ બન્યું હતું. તેનો ઉપયોગ મૃતકોને શણગારવા માટે પણ થતો હતો. ઘાના અને આઈવરી કોસ્ટ જેવા દેશોમાં 18મી અને 19મી સદીમાં નવવધૂઓ તે કપડામાંથી બનાવવામાં આવેલા ડ્રેસ પહેરતી હતી.

મદ્રાસ ચેક્સ કેરેબિયન પ્રદેશમાં પણ સદીઓથી લોકપ્રિય છે. 19મી સદીના પ્રથમ ભાગમાં મદ્રાસી નોકરો તેને અહીં લાવ્યા હોવાનું માનવામાં આવે છે. મદ્રાસ ફૅબ્રિકને કેરેબિયન ટાપુઓએ ટૂંક સમયમાં જ અપનાવી લીધું હતું અને એ આજે પણ આ પ્રદેશમાં લોકપ્રિય છે.

હજયાત્રીઓ અને આરબ વેપારીઓ તેને મક્કા લઈ ગયા હતા. તે કાપડમાં ઇન્ડિગો અને હળદર જેવા કુદરતી રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી રંગ પાક્કા ન હતા. તેને ધોવામાં આવે ત્યારે અલગ રંગ દેખાતો હતો. તેથી તેને ‘બ્લીડિંગ મદ્રાસ’ નામ મળ્યું હતું.

આમ દુનિયા આખીનું પ્રિય આ ફૅબ્રિક છેવટે અમેરિકા પહોંચ્યું હતું. એલિહુ #યેલ એ સમયે મદ્રાસના ગવર્નર હતા.(જેમનું નામ અમેરિકાની વિખ્યાત યેલ યુનિવર્સિટીને આપવામાં આવ્યું છે) તેમણે કૉલેજને પૈસા, પુસ્તકો અને સુંદર મદ્રાસ ચેક કાપડની ગાંસડીઓ દાનમાં આપ્યાં હતાં.

મેઈલ-ઑર્ડર કૅટલૉગ કંપની સીઅર્સે તેના ગ્રાહકો માટે મદ્રાસ શર્ટનો એક કૅટલૉગ 1987માં પ્રકાશિત કર્યો હતો. તેનાથી અમેરિકામાં બટન-ડાઉન શર્ટ, ટ્રાઉઝર અને સ્પોર્ટ કૉટનના સ્વરૂપમાં આ ફૅબ્રિક લોકપ્રિય બન્યું હતું.

ઘણા અમેરિકનો વેકેશનમાં મદ્રાસ ફૅબ્રિક પહેરતા હતા અને ટૂંક સમયમાં અમેરિકામાં તે સ્ટેટસ સિમ્બોલ બની ગયું હતું. 1950ના દાયકા સુધીમાં તો તે અમેરિકામાં સમૃદ્ધિનો પર્યાય બની ગયું હતું.

અગ્રણી કાપડ નિકાસકાર વિલિયમ જેકબસને લીલા લેસના કૅપ્ટન સી પી કૃષ્ણન પાસેથી 1958માં આ કાપડ ખરીદ્યું હતું અને બ્રુક્સ બ્રધર્સને વેચ્યું હતું. બ્રુક્સ બ્રધર્સે પુરુષો તથા સ્ત્રીઓ માટે મદ્રાસ ચેક લાઇન વસ્ત્રો બનાવ્યાં હતાં, પરંતુ વસ્ત્રો ધોવાથી તેમાંથી રંગ નીકળશે અને તે વસ્ત્રો ઠંડા પાણીમાં હળવા હાથે ધોવાના એ જણાવવાનું ભૂલી ગયા હતા. ચતુરાઈભરી પ્રચાર ઝુંબેશ વડે આ કાપડને મિરેકલ ફૅબ્રિક તરીકે, તેમાંથી રંગ નીકળવાની ખાતરી સાથે નવેસરથી રજૂ કરવામાં આવ્યું હતું.

1980ના દાયકામાં હૅન્ડલૂમનું સ્થાન પાવરલૂમે લીધું અને કલર-ફાસ્ટ ટેકનૉલૉજીને લીધે ઓરિજિનલ મદ્રાસ ફેબ્રિકનાં ધીમા પગલે વળતાં પાણી થયાં, પરંતુ મોટા પાયે ઉત્પાદન થતું હોવાને લીધે દરેક જગ્યાએ જાતજાતનું ચેક્ડ ફૅબ્રિક જોવા મળ્યું. તેનું એક કારણ એ હતું કે મદ્રાસ ચેકનું કોઈ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ન હતું. જો એની પાસે GI TAG હોત તો તે પ્રદેશની બહાર ઉત્પાદિત કાપડને પણ મદ્રાસ ચેક તરીકે ઓળખાવી શકાયું ન હોત.

વૈશ્વિક ફૅશન બ્રાન્ડ્ઝ અને રાલ્ફ લોરેન, પ્રાડા તથા ગુચી જેવા ડિઝાઈનરો વર્ષોથી મદ્રાસ ચેકનો ઉપયોગ તેમનાં કલેક્શનમાં કરતી રહી છે.

ભારતમાં મદ્રાસ ચેક્સે એક નવો ફૅશનેબલ દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

વિધિની વક્રતા એ છે કે જે સ્થળે મદ્રાસ ચેક્સનો જન્મ થયો હતો ત્યાં હવે આ કપડામાંથી બનેલાં વસ્ત્રો મજૂરો પહેરે છે અથવા તેનો ઉપયોગ ઘરમાં પહેરવાનાં વસ્ત્રોમાં થાય છે.