CATEGORIES

January 2025
M T W T F S S
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
Thursday, January 9   3:55:50

ઓપન હાઈમર : વ્યક્તિત્વ અને ચલચિત્ર

29-07-2023

ક્રિસ્ટોફર નીલોન દવારા લિખિત અને દિગ્દર્શિત હોલીવુડ ફિલ્મ ‘ઓપન હાઈમર’ ૨૧ જુલાઈએ રીલીઝ થઇ રહી છે.
ભારતમાં અત્યાર સુધીમાં એની બે લાખ ટીકીટ વેચાઈ ચુકી છે. રીલીઝ પહેલા હજુ બે ત્રણ લાખ ટીકીટ વેચાવાની સંભાવના છે.


કાઈ બર્ડ અને માર્ટીન જે શેર્વીન જેવા જાણીતા ઈતિહાસવિદ્દો દવારા આલેખિત અમેરિકન સૈધ્ધાંતિક ભૌતિક શાસ્ત્રી ઓપન હાઈમરના જીવન પર આધારિત જીવનકથા ‘American Prometheus’ પર બનેલી આ ફિલ્મની સૌ આતુરતા પૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે.


ઓપન હાઈમરની આ બાયોગ્રાફીનું શિર્ષક ઘણું સૂચક અને રસપ્રદ પણ છે. ‘પ્રોમેથીયસ’ ગ્રીક દંતકથાનું એક પાત્ર છે. એ એક અસુર / દાનવ કહી શકાય. આ દાનવની કથા પણ ઘણી લાંબી છે, પરંતુ , ટૂંકમાં જણાવું તો આ અસુરે ગ્રીક દેવતાઓ પાસેથી અગ્નિ લઇ લીધો હોય છે, અને સ્વયં અગ્નિ દેવતા બની ચુક્યો હોય છે. મૃત્યુ લોક માટે એનો એ કંઇક ઉપયોગ કરવા માંગે છે. પ્રોમેથીયસ હવે એક અદભુત કારીગર બની ગયો હોય છે. એ ઘણું બધું અદભુત સર્જન કરી શકે છે. ગ્રીક દેવતાની ઈચ્છા વિરુધ આ દાનવ મૃત લોકોને અગ્નિ આપે છે, એટલે ઝીયસ નામના દેવતા કોપાયમાન થાય છે. ઝીયસ એને એક પર્વત પર લઇ જઈને એને સાંકળે બાંધી દે છે. ગરુડ અને બીજા પક્ષીઓ એનું કાળજું કોરી ખાય છે , પણ એ અમર હોવાથી બીજા દિવસે કાળજું ઉગી નીકળે છે! વર્ષો બાદ હીરાક્લીસ નામનો એક ગ્રીક હીરો ઝીયસની મંજુરીથી જ સમડી/ગરુડને મારી નાખે છે અને પ્રોમેથીયસને મુક્ત કરે છે.


બે લાખ જેટલા જાપાનીઝોને મૃત્યુના મુખમાં ધકેલનાર આ ભૌતિક શાસ્ત્રી જે રોબર્ટ ઓપન હાઈમર વિશ્વની દ્રષ્ટિમાં તો આ ગ્રીક કથાના નાયક એટલે કે ખલનાયક જ ગણાય છે!
જુલાઈ ૧૬, ૧૯૪૫નું એ પ્રભાત હતું જયારે ઇતિહાસે એક જુદો જ વળાંક લીધો. મેનહટન પ્રોજેક્ટ અંતર્ગત ‘Trinity test’ તરીકે સુવિખ્યાત એટમિક બોમ્બનું મેક્સિકોના રેગીસ્તાનમાં પરીક્ષણ થયું, ત્યારે દુનિયાને સૌ પ્રથમ એટમ બોમ્બ મળ્યો!
મહાન ભૌતિક શાસ્ત્રી રોબર્ટ ઓપન હાઈમરના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ કરેલું આ પરીક્ષણ અને એ પછીના પરિણામો આજે પણ દુનિયા ભોગવી રહી છે.


અમેરિકાના પગલે પગલે બોમ્બ સર્જનની આ રેસમાં રશિયાએ ૧૯૪૯માં , બ્રિટને ૧૯૫૨માં , ફ્રાન્સે ૧૯૬૦માં અને ચાઈનાએ ૧૯૬૪માં પોતપોતાના અણુબોમ્બ સર્જી દીધા હતા , એટલું જ નહીં, અમેરિકન બોમ્બ કરતા પણ એ બધા વધુ વિનાશકારી બોમ્બ હતા!
જાપાનના બે મહાનગરો પર બોમ્બ વર્ષા અને નર સંહારના બચાવમાં આ ભૌતિક શાસ્ત્રી શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને ટાંકીને પોતાનો બચાવ કરે છે.


સ્વયં એ અંગેનો વિડીયો પણ યુ ટયુબ પર ઉપલબ્ધ છે.
શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં સ્વયં શ્રી કૃષ્ણ જ અર્જુનને પોતાનું કર્મ કરવાનો આદેશ આપે છે, અને વિવિધ સ્વરૂપો દવારા સમજાવીને શસ્ત્રો ઉઠાવવાનો અને યુધ્ધમાં જોડાવાનો આદેશ આપે છે. “હું જ મૃત્યુ છું , હું જ કાળદેવતા છું” ,એ વાત પકડીને ઓપન હાઈમર કહે છે કે “I am become Death, the destroyer of world”
આ વ્યક્તિનું આ વિધાન આજે તો ન્યુક્લિયર એજ નું એક ‘સ્ટેટમેન્ટ’ બની ચુક્યું છે.


એ સંદર્ભ લઈને આ અમેરિકન પ્રોમેથીયસ વિષે’ Gita of J Robert oppenheimer’ શિર્ષક અંતર્ગત અમેરિકન ઈતિહાસકાર જેમ્સ એ હિજીયા (James A Hijiya) એ એક પેપર પણ રજુ કરેલું.
એમની દલીલ એ જ હતી કે “ જો ભગવાન અન્યાય અને અધર્મ માટે પોતાના સગા સંમ્બંધીઓને પણ મારી નાખવાનો આદેશ અર્જુનને આપી શકતા હોય તો દુનિયાને જીતવા નીકળેલા જર્મની અને જાપાન સામે હું કેમ શસ્ત્ર ન ફેંકુ ?”
ઓપન હાઈમરની જીવનકથા ઘણી જ રસપ્રદ છે.


યુનાઈટેડ સ્ટેટ્સ એટોમિક એનર્જી કમીશનના ચેરમેન તરીકે એ પછી બોમ્બ ઉત્પાદન ઘટાડવાની કોશિશ પણ કરે છે.
૧૯૪૯ સુધી અમેરિકા પાસે માત્ર ૩૦ જેટલા જ બોમ્બ હતા.
અત્યારે તો એ સંખ્યા આપણી કલ્પના બહારની છે, અને બધા દેશોની બોમ્બ રેસ એક એકથી ચડિયાતી છે.
આમ તો જાપાન હારી જ ગયેલું હતું , અને છતાં અમેરિકન પ્રમુખ હેન્રી ટ્રુમેનના આદેશને શિરોમાન્ય ગણીને જાપાનના મહાનગરો પર બે બોમ્બ ફેંકવા બદલ આ ભૌતિક શાસ્ત્રી ઓપન હાઈમર ખુબ નારાજ અને નિરાશ પણ હતો.
રશિયા દવારા થયેલ અણુપરીક્ષણ બાદ અમેરિકાએ બોમ્બ ઉત્પાદનમાં હરણ ફાળ ભરી અને મહા વિનાશક હાઈડ્રોજન બોમ્બ સર્જવાનું શરુ કર્યું.


ઓપન હાઈમર માનતો કે આ બોમ્બ નો આપણે યુધ્ધમાં ઉપયોગ ન કરી શકીએ. એનો કોઈ મીલીટરી ઉદ્દેશ ન હોવો જોઈએ.
એની આ વાતનો અમેરિકન સૈન્ય ( મીલીટરી વર્તુળ) માં ઉગ્ર વિરોધ પણ થયો. ઓપન હાઈમર પર એવા આક્ષેપો પણ થયા કે એ કોમ્યુનીસ્ટ ને મદદ પણ કરે છે, પરિણામે એને જે સિક્યોરીટી મળેલી , તે ૧૯૫૪માં હટાવી દેવામાં આવી.
જો કે એણે ન્યુક્લિયર શસ્ત્રો વિરુધ્ધ બોલવાનું ચાલુજ રાખ્યું. એણે પોતાનો રાજકીય પ્રભાવ તો ક્યારનો ગુમાવી દીધેલો.
હજુ ગયા વર્ષે જ, ૨૦૨૨માં એમના મૃત્યુના ૫૪ વર્ષ બાદ એના ૧૯૫૪ ના નિર્ણયને કાયદેસર રદ બાતલ કર્યો.
આ માં હજુ ઘણું કહેવાનું મન થાય પણ આજે અટકું.
દસ કરોડ અમેરિકન ડોલર ના ખર્ચે તૈયાર થયેલી આ ફિલ્મ જોવાની મને પણ તાલાવેલી છે જ !