ઉલ્લુખલ એ એક પ્રકારના વિશાળ પથ્થરમાંથી કોરી કાઢેલ ખાંડણિયા છે, જે દ્વારકા ક્ષેત્રના વિશિષ્ટ પૌરાણિક અવશેષો છે. ઓખામંડળ આસપાસનાં અનેક ગામોમાંથી તે મળી આવ્યાં છે એટલે અનુમાની શકાય છે કે પ્રાચીન કાળમાં આ ક્ષેત્રે તેનો પ્રચુર માત્રામાં ઉપયોગ થતો હશે.
ઉલ્લુખલોનો ઉલ્લેખ હરિવંશ પુરાણમાં મળે છે પરંતુ તેના ઉપયોગ વિષે પુરાણો પણ મૌન રહ્યાં છે. ઉલ્લુખલનું સ્વરૂપ જોતાં આ પથ્થરની ખાંડણીઓ એક વિશાળ શિલામાંથી કોતરવામાં આવી છે. તે ઉપર જતાં પરિઘે મોટા મુખવાળા અને તળિએ જતાં થોડાં સાંકડા થતા જાય છે. જેની લંબાઇ આશરે ૬ ફૂટ તથા પરિઘનું માપ ૧૦ ફૂટ જેટલું છે. તેમાં પદાર્થ ખાંડવાનો ખાડો ર ફૂટ ૩ ઈંચ ઊંડો હોય છે. ઉલ્લુખલનો પથ્થર લાલાશ પડતો ગુલાબી અતિશય કઠોર પસંદ કરવામાં આવતો હતો, જે આ પંથકમાં ઉપલબ્ધ નથી.
આ ખાંડણિયા ગોળાકારે ઉપરથી નીચે ખાંડણી સ્વરૂપે કોતરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – ભારતનું ‘પ્રથમ ગામ’ – માણા
ઉલ્લુખલો મુખ્યત્વે સૂર્યમંદિરો પાસેથી મળી આવ્યા છે, એટલે સહજ અનુમાન થઇ શકે કે ભારત વર્ષના જે તે સમયના પ્રાચીન બ્રાહ્મણો સૂર્યને અર્ધ્ય આપવા આ ખાંડણિયા દ્વારા કર્મકાંડ કરેલું પ્રવાહી અર્પણ કરતા હશે, તો ડૉ. જ્યંતીલાલ ઠાકરના મંતવ્ય પ્રમાણે આ વિસ્તારમાંથી મળી આવતી સોમવેલનો રસ કાઢવા, પીસવા માટે આ ખાંડણિયાનો ઉપયોગ કરાતો હતો. સોમરસ એ મહાભારત કાળનું કેફી પીણું ગણાય છે. હજુ સુધી કોઇ વિદ્વાન કે પુરાતત્ત્વખાતું ઉલ્લુખલનો પધ્ધતિસરનો ઉપયોગ શોધી શકયું નથી. ઉલ્લુખલો વિષે થોડું વધુ સંશોધન ઇચ્છનીય છે.
આજે આ ઉલ્લુખલોને દ્વારકાના સનસેટ પોઇન્ટ પાસે સોમરસ માર્ગે ગોઠવવામાં આવ્યા છે. જેથી દ્વારકાની પ્રાચીન પરંપરા લોકો જાણી શકે.
દ્વારકા ક્ષેત્રનાં ગામડાઓમાંથી આ ઉલ્લુખલો લાવવામાં આવ્યા છે. જે સુવર્ણતીર્થથી નવાગામથી, કર્ણપૂરથી, કુરંગાથી, ધ્રેવાડથી, નાગેશ્વરથી તથા પિંડારાથી મળી કુલ ૧૨ ઉલ્લુખલો અહીં લાવી ગોઠવવામાં આવ્યા છે.
સંદર્ભ : દ્વારકા – ઐતિહાસિક અને સાંસ્કૃતિક (શ્રી સવજી છાયા)
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર