એક સમયે પોતાના જીવની ચિંતા કર્યા વગર જે વ્યક્તિએ રંજાડેલી ગાયો, અબળાની આબરૂ તથા ધરતીની રક્ષા કરવા ખાતર નિષ્ઠાપૂર્વક પોતાના પ્રાણની આહુતિ આપેલી એ રખેવાળોનું ઇતિહાસમાં અમર નામ છે. એક સમયે તેમની પૂજા કરવામા આવતી, આજુબાજુના વિસ્તારમાં તેમના તથા તેમના પૂર્વજનુ માન હતું.. આજે ઘણી જગ્યાએ આવી ખાંભીઓ ઉખેડી ફગાવી દેવામાં આવી છે, ચપટી સિંદુર પણ એમને નસીબ નથી. આવા મહાન પ્રતાપી પૂર્વજોના પાળીયાને આપણે પાષાણ સમજી બેઠા છીએ કારણકે એમના ઇતિહાસની આપણને ખબર નથી..
પાળિયાના પ્રકાર :
•ખાંભી: કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક
•થેસા: પાળિયા નજીકના નાનાં પથ્થરો
•ચાગીયો: પત્થરોના ઢગલા
•સુરાપુરા: અન્યના જીવન માટે યુદ્ધમાં ખપી જનાર યોદ્ધાઓ.
•સુરધન : આકસ્મિક મૃત્યુ, જેમ કે હત્યા, આત્મહત્યા, અકસ્માતની યાદમાં બાંધવામાં આવેલા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે તેમાંના કેટલાકને સતીમાતા અથવા ઝુઝાર મસ્તિષ્ક વગરનાં યોદ્ધાઓ કહે છે.
•યોદ્ધાઓના પાળિયા:
આ પ્રકારના સ્મારકો સૌથી સામાન્ય હોય છે જે મોટે ભાગે લડાઈના નાયકોની પૂજા કરતા સમુદાય અને લોકજાતિઓ સાથે સંકળાયેલ હોય છે.
તેઓ મર્યાદિત વિસ્તારમાં મોટી સંખ્યામાં મળી આવે છે અને રણ ખાંભી તરીકે ઓળખાય છે. તે યુદ્ધસ્થળ અથવા જ્યાં યોદ્ધા મૃત્યુ પામ્યો હોય ત્યાં બાંધવામાં આવે છે. શરૂઆતમાં આ પાળિયા, સમુદાય, સ્ત્રી અથવા પશુધનને બચાવવાના સત્કાર્યોને સન્માનવા બાંધવામાં આવતા હતા અને પછીથી તે યુદ્ધ સંબંધિત પરંપરા બની ગઈ.
આ સ્મારકો મોટે ભાગે યોદ્ધાને હથિયારો જેવા કે તલવાર, ગદા, ધનુષ્ય અને તીર અને પછીના પાળિયાઓમાં બંદૂકો સાથે પણ દર્શાવે છે. આ યોદ્ધાઓ વિવિધ પરિવહનો જેમ કે ઘોડા, ઊંટ, હાથી અને રથ પર હોય છે. ક્યારેક તે પાયદળ સાથે હોય છે. કેટલીક વખત રાજકિય ચિહ્નો લઈ જતા અથવા યુદ્ધમાં નગારા વગાડતા લોકોના પાળિયા પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણો ભુચર મોરીના પાળિયા અને સોમનાથ મંદિર નજીકના હમીરજી ગોહિલ અને અન્યોના પાળિયાઓ છે.
•સતીના પાળિયા:
આ સ્મારકો મોટે ભાગે રાજવી પરિવારો સાથે સંકળાયેલા હોય છે જે સતી થઈ હોય અથવા જૌહર કરીને મૃત્યુ પામી હોય તેવી સ્ત્રીઓને સમર્પિત હોય છે. તે લોકસાહિત્ય સાથે પણ સંબંધિત હોઈ શકે છે અને તેમની દેવી તરીકે પૂજા થાય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
આ સ્મારકોનાં ઉદાહરણમાં ભુચર મોરીના સુરજકુંવરબાના પાળિયાનો સમાવેશ થાય છે.આ પ્રકારના પાળિયા પાકિસ્તાનના સિંધ પ્રદેશ અને ભારતના રાજસ્થાનમાં પણ જોવા મળે છે.
•ખલાસીઓના પાળિયા:
ગુજરાત લાંબો દરિયાઈ ઇતિહાસ ધરાવે છે. આ સ્મારકો તેમની સમુદ્ર સફર દરમિયાન મૃત્યુ પામેલા ખલાસીઓની યાદ અપાવે છે. તેમના સ્મારકો પર ક્યારેક જહાજ દર્શાવવામાં આવે છે.
•લોકસાહિત્યના પાળિયા:
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ, વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડા વાળાનો પાળિયો છે.
•પ્રાણીઓના પાળિયા:
પ્રાણીઓ જેવા કે ઘોડા, કૂતરાં અને ઊંટ દર્શાવતા પાળિયાઓ પણ બાંધવામાં આવ્યા હતા.
•ક્ષેત્રપાળના પાળિયા:
આ પાળિયા ક્ષેત્રપાળ (ક્ષેત્રનું રક્ષણ કરતાં)ને સમર્પિત હોય છે, જે જમીનના દેવ છે. તે સ્મારક નથી પરંતુ લગભગ સરખો અહોભાવ ધરાવે છે. તેમને સામાન્ય રીતે ખેતરની નજીક અથવા ગામની બહાર મૂકવામાં આવે છે. કેટલીક કોમમાં પૂર્વજોની પૂજા ક્ષેત્રપાળ તરીકે થાય છે. તે જમીન અને પાકનું રક્ષણ કરે છે તેમ માનવામાં આવે છે. આ પાળિયા પર સાપ અથવા કેટલીક વખત માત્ર આંખો રક્ષણના પ્રતીક તરીકે દર્શાવવામાં આવે છે..
***
તમારા ગામ અથવા આજુબાજુના વિસ્તારમા આવા બિસ્માર પાળીયા હોય તો તેના સાચા ઇતિહાસને જાણી ઇતિહાસની જાળવણી કરજો, તેને ઉભા કરી સિંદુર જરૂર ચડાવજો, બની શકે તો વરસાદ અને તાપથી રક્ષણાત્મક થોડો છાંયડો કરવા બનતા પ્રયાસો કરજો..
– સંસ્કૃતિ સાચવજો…
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર