માભવાનીના ચોકમાં જ આયોજિત ‘માનસ માતુ ભવાની’ કથા મારે રૂબરૂ જ જઈને સાંભળવાની અભીપ્સા હતી, પરંતુ, એ શક્ય ન બન્યું. ત્રણ કલાક સુધી બાપુની સમક્ષ બેસીને કથા સાંભળવાની મારી ક્ષમતા ( અને પાત્રતા પણ) પણ ઘણી માર્યાદિત છે. વીસ –પચીસ મિનીટના ધ્યાનમાં પણ બે ડઝન વિચારો આવી જાય છે! એકાગ્રતા સ્વયં એક મહાન તપસ્યા છે.
ખેર, ઘરે બેસીને જેટલો સમય મળ્યો એટલો સમય મેં પુરા ભાવથી આ કથા માણી.
બાપુની કથામાં આમ તો મને ઘણું બધું પુનરાવર્તન જોવા મળે છે. ક્યારેક તો પુનરાવર્તન નું પણ પુનરાવર્તન જોવા મળે છે, પરંતુ , બાપુની અભિવ્યક્તિ જ એટલી સોલીડ હોય છે કે એ દોષ મને તો બિલકુલ ક્ષમ્ય લાગે !
તમે એકાદ કલાક શાંતિથી અને ધીરજથી જો કથા સંભળાવાનું નક્કી કરો, પલાંઠી વાળીને બેસી જાવ તો નક્કી તમને સાગરમાંથી જરૂર એકાદું મોતી મળે એવી મારી અનુભૂતિ રહી છે.
એવી કોઈ દિવ્ય ક્ષણે બાપુના હ્રદયકુંજ માંથી એવી વાત અને વાણી પ્રગટે જે તમને મંત્ર મુગ્ધ કરી મુકે છે!
શ્રી અરવિંદના શબ્દોમાં કહું તો એ ‘Hours of God’ છે. મને એવી પણ કલ્પના સુજે કે બીજા દેવતાઓની માફક સ્વયં હનુમાનજી પણ મોરારીબાપુની આ દિવ્ય વાણીને સાંભળીને મારી જેમ રાજીના રેડ થતા હશે!
બસ , વાણીની આ ચમત્કૃતિ શબ્દાતીત બની રહે છે. કથાની એ દિવ્ય ક્ષણોમાં બાપુની આંખોમાંથી વહેતા અશ્રુબિંદુ જોઇને અમે અમારા આંસુને રોકી શકતા નથી.
તમારો શબ્દ કોઈના હૈયાને ભીનાશ આપે ત્યારે માનવું કે તમને સાક્ષાત માતા સરસ્વતીનું વરદાન પ્રાપ્ત થયું છે. એ શબ્દ બ્રહ્મ છે !
આ જે સામુહિક અનુભૂતિ( collective experience) છે, એ અનુભૂતિ જ બાપુની કથાને એક નવી ઉંચાઈ બક્ષે છે! બસ , ક્ષણનો આ સાક્ષાત્કાર મને દિવ્યતાની ભવ્યતા તરફ દોરી જાય છે!
એક Entertainer ની કક્ષાએથી બાપુ એક પરમ ભક્ત..એક communicator ની સ્થિતિમાં ક્યારે પ્રવેશી જાય છે, એની તો કદાચ બાપુને પણ ખબર નહિ પડતી હોય, પણ , મેં તો અનેકવાર આવું અનુભવ્યું છે, મારામાં પણ થોડાક ભક્તના લક્ષણો છે, એટલે મોરારીબાપુ મને પ્રિય છે. બાપુ સાથેની મારી આજ અને આટલી જ ‘વેવલેન્થ’ છે, પરંતુ એનું મૂલ્ય અમૂલ્ય છે.
બે –ત્રણ દિવસ પહેલા જ , બાપુએ એના સાજીંદાઓને રાગ ‘કીરવાની’ની ટયુન બજાવવાનો ધીમેથી આદેશ આપ્યો. સંગીતની ધુનોએ સમા બાંધીઆપ્યો અને બસ, થોડીક જ ક્ષણોમાં બાપુએ કીરવાની આધારિત ચોપાઈઓનું ગાન શરુ કર્યું. એ જ સમયે મને મારી પત્ની નીલાને મોહમ્મદ અઝીઝનું એક સુવિખ્યાત સોંગ યાદ આવી ગયું. મેં તરત જ ટીવી ની સામે જ બેસીને એ ગીત ગાવાનું શરુ કર્યું , અને જાણે કે એક ચમત્કાર થયો હોય એવું લાગ્યું ! બાપુએ એ ચોપાઈઓ ગાવાનું પડતું મેલીને એ ગીત જ પકડ્યું અને એનું મુખડું ગયું ગાવા માંડ્યું ! ઘડીભર તો હું માની જ ન શક્યો ! બાપુને આ ગીત પણ યાદ હશે એવું મેં સ્વપ્નેય નહોતું ધાર્યું ! હા, બાપુ , જૂની ફિલ્મોના મુકેશના, રફીના , લતાજીના રાગ આધારિત ગીતો ગાતા જ હોય, એ મેં જોયું છે. નીતિન મુકેશને પણ એક કથામાં મેં સાંભળેલા.
જો કે મુન્ના ભાઈ ( મોહમ્મદ અઝીઝ)નું આ ગીત પણ ઘણું જુનું જ છે.1986ની એક સુપરહિટ ફિલ્મ ‘નગીના’નું આ ગીત છે.
બીલીવ મી, આ ગીત મેં લગભગ ૫૦ વાર સાંભળ્યું હશે, અને અનેક વાર બાથરૂમમાં ગાયેલું છે !
એક વાર વડોદરામાં મુન્નાભાઈના કોન્સર્ટમાં આ ગીત વિષે જ મારે મુન્નાભાઈ જોડે લાંબી વાત થયેલી છે. મિત્ર સંજય પુરબીયા અમને મુન્નાભાઈને સાંભળવા લઇ ગયેલા. એ યાદો વિષે બીજી એક પોસ્ટ લખવી પડે !
આ રાગ વિષે પણ થોડીક વાત કરવાનું મન થાય પણ એ ગજા બહાર ગણાય ! સાચું કહું તો નવરાત્રીમાં ગરબા સાંભળતી વેળા પણ મને તો ‘કીરવાની’ જ સંભળાયા કર્યો !
એટલું ચોક્કસ છે કે કોઈ પણ કાનસેન આ ગીતની અસરમાંથી છટકી ન શકે એવો આ અદભુત રાગ છે ! બાપુ એ પોતાની ચોપાઈના ગાન માટે આ રાગને પણ પસંદ કર્યો છે, એની જાણ મને ‘માનસ માતુ ભવાની’ કથામાં જ થઇ.
આપણા એક સશક્ત કમ્પોઝર નયનેશ જાનીએ કવિ સુન્દરમના એક કાવ્ય ‘મેરે પિયા મૈ કછુ નહિ જાનું’નું સ્વરાંકન પણ આ રાગમાં જ કર્યું હોય એવું મને લાગે છે.
મને તો પીલુના કેટલાક સ્વરાંકનો પણ કીરવાની રાગ આધારે જ બન્યા હોય એવો ભાસ થયા કરે છે. આ બાબતે મારું જ્ઞાન અતિ અલ્પ છે , એટલે વધુ વાત ન કરું એ જ સારું.
મહેંદી હસનની એક ખુબ જાણીતી ગઝલ “ શોલા થા જલબુઝા હું હવાએ મુઝે ન દો” પણ કદાચ અ રાગ પર જ બનેલી હોય એવું લાગે !
ખેર, દેશના લાખો રીક્ષા ચાલકો અને ટ્રક ડ્રાઈવરોના દિલ દિમાગને સ્પર્શી ગયેલું આ ગીત તમે ભૂલે ચુકે પણ ચુકી ગયા હોય તો અબ ઘડી ..અત્યારે જ સાંભળો .. મજા આવશે ! બાપુની સંગીત યાત્રાને પણ કોટી કોટી નમન !
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર