દક્ષિણ મહારાષ્ટ્રનું એક નાનું શહેર – મિરજ -લગભગ 200 વર્ષથી શાસ્ત્રીય સંગીતનું કેન્દ્ર છે અને અહીંના કારીગરો તંતુ વાદ્યો બનાવવાના નિષ્ણાત છે. અહીં બનેલ સિતાર, તાનપૂરા અને વીણા દેશના ખૂણેખૂણામાં ગુંજે છે.મોટાભાગના દિગ્ગજ કલાકારો મિરજના કારીગરોએ તૈયાર કરેલ વાદ્યોનો જ ઉપયોગ કરે છે.
શ્રીમંત બાલાસાહેબ પટવર્ધન બીજાના શાસનકાળ દરમિયાન આખાય ઉપખંડમાંથી સંગીતકારો મિરજમાં પોતાની કલા પ્રસ્તુતિ કરવા આવતા પરંતુ એ સમયે એમના વાદ્યોને રિપેર કરવાની કોઈ વ્યવસ્થા સ્થાનિક કક્ષાએ નહોતી એટલે એ લોકોએ સિકલીગર કોમની મદદ માંગી.
એ જમાનામાં મશીનનો ઉપયોગ ઓછામાં ઓછો થતો અને વાદ્યો હાથ બનાવટથી બનતાં એટલે જેને સંગીતનું પૂરતું જ્ઞાન હોય તે જ આ વાદ્યો બનાવવાની કળામાં માહેર થઈ શકતા. પરંતુ આ સિકલીગર કોમ મૂળભૂત રીતે સંગીતપ્રેમી હતી એટલે એ લોકો આ કામ એટલું સરસ રીતે શીખી ગયા કે એમની ઓળખ ‘રિપેરર’ માંથી ‘મેકર’ની થઈ ગઈ અને સંગીત મિરજ માટે ખૂબ મહત્વનો ઉદ્યોગ બની ગયો.
એક તાનપૂરો બનાવવા માટે સાત થી આઠ લોકોને એક મહિનો કામ કરવું પડતું અને આખો પરિવાર સાથે મળીને આ કામ કરતો.
આમ તો અહીંના કારીગરો સાત પેઢીથી સિતાર બનાવે છે પણ કમનસીબે મિરજની આ સંગીત ધરોહર ક્રમશ: નબળી પડી રહી છે. ઇલેક્ટ્રોનિક વાદ્યોના આગમનથી આ કારીગરોના વ્યવસાય પર માઠી અસર પડી છે અને એટલે જ મૂળભૂત રીતે આ વ્યવસાય સાથે સંકળાયેલ સિકલીગર કોમના લોકો હવે તેનાથી વિમુખ થતા જાય છે.
મોટાભાગના વર્કશોપમાં હવે વર્ષે 100 થી 125 તાનપૂરા અને સિતાર બને છે. પરિણામે એક જમાનામાં જે ઉદ્યોગમાં હજારો લોકોને કામ મળતું ત્યાં હવે માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો બચ્યા છે.
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર