તું મને પાલવનું ઈંગ્લીશ પુછમાં,
અહિયાં આંસુ ટીસ્યુથી લુછાય છે.
વિશ્વ પ્રતિષ્ઠિત ફેશન સામયિક ‘વોગ’ (VOGUE)દવારા પ્રતિ વર્ષ મેં માસના પ્રથમ સોમવારે ન્યુયોર્ક શહેરમાં આવેલ મેનહટન વિસ્તારમાં ‘ધ મેટ્રોપોલીટન મ્યુઝીયમ ઓફ આર્ટ’ના કેમ્પસમાં યોજાતી વિશ્વની ખુબ જ જાણીતી ફેશન ઇવેન્ટ Met Gala વિષે જો અત્યારે લખવા બેસું તો ત્રણ ચાર આર્ટીકલ લખી શકાય એમ છે, પરંતુ મારે તો બહુ સંક્ષિપ્તમાં જ વાત કરવાની છે.
માત્ર એક રાત્રિની આ ફેશન ઇવેન્ટ પર દુનિયાભરના પત્રકારોની નજર હોય છે. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે સંગીત , નાટય , ફેશન , ઉદ્યોગ અને સ્ક્રીન વર્લ્ડ વગેરે સાથે જોડાયેલ અનેક હસ્તીઓને વિશેષ નિમંત્રિત કરવામાં આવે છે.
આ ઇવેન્ટના ભાગીદાર બનવા માટે, એમાં ભાગ લેવા માટે જે ટીકીટ હોય છે એના ભાવ હજારો ડોલર હોય છે!
બે દિવસ પહેલા જ , ગયા સોમવારે ‘મેટ ગાલા’નું ન્યુયોર્કમાં ભવ્યાતિભવ્ય આયોજન થયું અને એમાં આ વર્ષે જે ભારતીય સેલીબ્રીટી મહિલાઓએ ભાગ લીધો અને કાર્પેટ પર પદાર્પણ કર્યું તેમાં આલિયા ભટ્ટ, સુધા રેડડી, નતાશા પુનાવાલા, ઈશા અંબાણી, મોના પટેલ, અંબિકા મોડ અને સિમોન એશલીનો સમાવેશ થાય છે.
આલિયા ભટ્ટે જે વિશિષ્ટ સાડી ધારણ કરી એની ડીઝાઇન આપણા ‘સબ્યસાચી’ કંપનીએ કરેલી. સબ્યસાચી હવે એક વ્યક્તિ મટીને વિશ્વની એક પ્રતિષ્ઠિત ફેશનસ્કુલ બની ચુકી છે.
જયારે જયારે પણ આપણી ભારતીય સાડીને આમ વૈશ્વિક સ્તરે એક સાંસ્કૃતિક ધરોહરની પ્રતિનિધિ રૂપે નિહાળું છું ત્યારે ગૌરવ થાય છે, આનંદ થાય છે!
આ સાડી સાથે મારી પેઢીના સંતાનોને જે માયા છે, જે પ્રકારના સંસ્મરણો છે, લાગણી છે, એની કલ્પના નવી પેઢીને તો ક્યાંથી હોય?
એચ એમ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઈંગ્લીશ ( વલ્માંલભ વિદ્યાનગર ) માં અમને શિક્ષણના પાઠ ભણાવી ચુકેલા અમારા એક પ્રોફેસર અને જાણીતા શાયર ‘અદમ’ ટંકારવી સાહેબનો એક ખુજ જાણીતો ‘શેર’ અહીં ટાંકવાનું મન થાય. અદમ કહે છે કે
તું મને પાલવનું ઈંગ્લીશ પુછમાં,
અહિયાં આંસુ ટીસ્યુથી લુછાય છે.
ભારતના હજારો ગામડામાં હજુ પણ આપણી માતાઓ પોતાના પાલવથી એના સંતાનોના આંસુ લૂછે છે! સુખ દુખના પ્રસંગોએ પોતાના પાલવથી પોતાના અને પારકાના આંસુ લુછતી આવી માતાઓ અને બહેનોને જયારે જયારે પણ જોવાનું બને છે, ત્યારે મારી આંખમાંથી પણ એક આંસુ સરી પડે છે!
આ સંસ્કૃતિ બીજે મળવી મુશ્કેલ છે. સાડીમાં જ નાનકડા બાળકને વીંટાળીને મજુરી કરતી માતાઓને આપણે ક્યાં નથી જોઈ?
આ બધી જ ભારત માતાઓના એક વસ્ત્ર પરિધાનને વાચા આપતી આલિયાની આ ખુબ સુરત સાડી મને તો ખુબ ગમી ગઈ! સબ્યસાચી અને આલીયાને અભિનંદન!
ગયા વર્ષે પણ બાંગ્લાદેશની એક મહિલાએ સાડી પહેરીને જ ઓસ્કર એવોર્ડ સ્વીકારેલો, એ યાદ આવ્યું.
સોનિયા ગાંધી ભલે જન્મે ઇટાલિયન હોય , પરંતુ ઇન્દિરાજીના પગલે પગલે ચાલીને એમણે પણ સાડીને જે રીતે પોતીકી બનાવી લીધી એ વાત મને ખુબ ગમી ગયેલી છે. વર્ષો પહેલા રાહુલ ગાંધી સાથે થયેલી પ્રલંબ મુલાકાત વખતે પણ મેં આ વાત કરેલી.
પેરિસના પાદરેથી અઢારમી સદીમાં નીકળેલો ફ્રેંચ શબ્દ COUTURE હવે તો વૈશ્વિક શબ્દ જ નહીં પરંતુ એક સંસ્કૃતિ બની ચુક્યો છે. એનો ઉચ્ચાર જરાક અઘરો છે. કુચીઅર અથવા ‘કુચ હું’ થાય છે.એનો સરળ અર્થ સીવણ , ડ્રેસ મેકિંગ કે પછી સોઈકામ થાય.
Haute couture વિષે ઘણું લખી શકાય તેમ છે. દુનિયાના શ્રેષ્ઠ ડ્રેસ ડીઝાઈનર્સ દવારા ડીઝાઇન કરેલ વસ્ત્રો ધારણ કરીને સેલીબ્રીટીઓ અહીં રેડ કાર્પેટ પર ચાલે છે.
સોમવારે સાંજના પાંચ વાગે મહેમાનોનું આગમન શરુ થઇ જાય છે. આમ તો ચારેક કલાકની જ આ ઇવેન્ટ હોય છે તેમ છતાં મોડી રાત સુધી અનૌપચારિક રીતે સમય જાણે કે થંભી જતો હોય એવું લાગે. આ રંગીન મહેફિલ બંધ થવાનો કોઈ અધિકૃત સમય નથી.
ટેલર સ્વીફ્ટ કે રિહાના જેવી હસ્તીઓને મોડે મોડે આવવાની ટેવ હોય છે. જો કે આ વર્ષે આ બંનેની અહીં ગેરહાજરી હતી. લગભગ આઠેક વાગે લાલ જાજમ ( red carpet)ને સમેટી લેવામાં આવે છે.
મેટ મ્યુઝીયમની જ જો વાત કરવા બેસીએ તો વાત લંબાઈ જાય તેમ છે.
૧૮૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતું આ મ્યુઝીયમ અત્યારે વિશ્વભરના લગભગ દસ હજાર જેટલા વસ્ત્રોના ટુકડાઓનું સંગ્રહસ્થાન બનીને પાંચ હજાર વર્ષ જૂની વસ્ત્ર કલા રજુ કરે છે. એની વેબ સાઈટ એક વાર જરૂર જોવા જેવી છે.
ખાદી વિષે કોઈકે કહેલું કે “ ખાદીએ વસ્ત્ર નહીં , એક વિચાર પણ છે” આ વાત સાડી માટે પણ એટલી જ સુસંગત છે. “સાડી એ માત્ર વસ્ત્ર નહીં,એક સંસ્કૃતિ છે”
ગયા સોમવારે આપણી લાડીલી ઈશાએ પણ ‘મેટ ગાલા’માં ભાગ લીધો, પરંતુ હું તો આશા રાખું કે નીતાબેન પણ એક દિવસ પાટણનું પટોળું પહેરીને મેટ ગાલાને વધુ રળિયાત કરે. જય જય ગરવી ગુજરાત !
More Stories
એક હતો બગલો ……..
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ