CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Thursday, May 8   8:52:08

કેરળના થ્રિસુરનું મહાદેવ મંદિર પ્રસાદ તરીકે પુસ્તકો આપે છે

માનો કે ના માનો, કેરળના થ્રિસુર જિલ્લાના કેચેરી નજીકના મઝુવનચેરી ગામનાં શિવમંદિરમાં પ્રસાદ તરીકે પુસ્તકો અપાય છે.
મંદિરોમાં સામાન્ય રીતે ફૂલો, ફળો અથવા તો લાડુ, ખીર, લાપસી વગેરે જેવી ખાદ્ય સામગ્રી નૈવેદ્ય તરીકે ચડાવાય છે અને પછી પ્રસાદ રૂપે વિતરણ થાય છે. કેટલાંક અપવાદરૂપ મંદિરોમાં વળી નુડલ્સ,ઢોસા કે શરાબનું નૈવેદ્ય પણ ચડાવાય છે (આ વિશિષ્ટ મંદિરો અને નૈવેદ્યની વાત ફરી ક્યારેક) પરંતુ દેશનાં સૌથી શિક્ષિત રાજ્ય કેરળનાં એક મંદિરને વિશ્વપુસ્તકદિન નિમિત્તે યાદ કરવું રહ્યું. દર્શનાર્થી ભક્તોને અહીં પુસ્તકો, પાઠ્યપુસ્તકો અને માહિતીપ્રદ પુસ્તિકાઓનું પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવે છે. આ મંદિર એક સુસજ્જ પુસ્તકાલય પણ ધરાવે છે.
નેશનલ હેરિટેજ સેન્ટર (NHC) ના કેમ્પસમાં આવેલું આ મંદિર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્ટિફિક હેરિટેજ (IISH) હેઠળ કાર્ય કરે છે. મઝુવનચેરી મહાદેવ મંદિરના પૂજારી તારાનાથ કહે છે કે, ” અમે માનીએ છીએ કે, જ્ઞાન એ જ સાચો પ્રસાદ છે તેથી પ્રસાદના સ્વરૂપમાં અહીં મંદિરમાં અમે ભક્તોને પુસ્તકો અને અન્ય માહિતીપ્રદ સાહિત્ય આપીએ છીએ.”
મંદિરની દિવાલો પર રામાનુજમ, ડૉ. જે.સી. બોઝ, ડૉ. સી. વી. રામન, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા જાણીતા વિદ્વાનોની તસવીરો શોભે છે. આ મંદિર માને છે કે તર્કસંગત અને વૈજ્ઞાનિક અભિગમ સાથે આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સામાજિક ક્રાંતિ અને અંધશ્રદ્ધાઓનું નિવારણ શક્ય છે.
વિજયાદશમીના તહેવાર પર યોજાતા એક વિશેષ ઉપક્રમમાં 2 થી 3 વર્ષની વયના બાળકોને લઈને તેનાં માતા-પિતા આ મંદિરે દર્શનાર્થે આવે છે અને એ દિવસે બાળકોને મૂળભૂત મૂળાક્ષરો લખવાનું શીખવવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો તેને અક્ષરોની દીક્ષા આપવામાં આવે છે.