આમ તો હું મારા documentation એટલે કે દસ્તાવેજીકરણ માટે જાણીતો છું. તમે તમારી તસ્વીરોનું, યાદગાર પ્રસંગોનું, અગત્યની સામાજિક અને વિવિધ પ્રવૃત્તિઓનું, પ્રસંગોનું દસ્તાવેજી કરણ કરો છો, એ તમારા organized behaviourની એક સકારાત્મક નિશાની છે!
અભિનવ યુવા કેન્દ્રના માધ્યમથી અમે જીવનમાં મેં જે કંઈ થોડીક યુવા પ્રવૃત્તિઓ કરી અને એનું જે કંઈ દસ્તાવેજી કરણ થયું , એના આધારે જ મને એકાદ બે પ્રતિષ્ઠિત એવોર્ડઝ મળ્યા છે. જો કે દસ્તાવેજી કરણ એ મારા માટે એક સ્વાભાવિક બાબત હતી, અને નહીં કે કોઈ એવોર્ડ પ્રાપ્તિની ઝંખના માટેનો કોઈ ભાગ, પરંતુ , મને કહેવા દો કે પ્રમાણમાં થોડીક ઉંચી જાતની અને મોંઘી ફાઈલોમાં મેં જે પ્રસંગોનું જે સુંદર દસ્તાવેજીકરણ કર્યું એ આજે પણ અનેક મિત્રોને સ્પર્શી ગયું છે! એ પ્રતિષ્ઠીત એવોર્ડની જ્યુરીના એક સભ્ય જસ્ટીસ દિવાન સાહેબે પણ મારા દસ્તાવેજીકરણની પ્રશંષા કરેલી. અને ત્યારબાદ એ એવોર્ડ સમારંભના અતિથી વિશેષ મહામહિમ શ્રી સુંદરસિંહ ભંડારી સાહેબે પણ મારી ત્રણેય ફાઈલો જોઇને મને અભિનંદન આપેલા. એવોર્ડઝ ગ્રહણ કર્યા બાદ મેં ત્યારે રાજ્યપાલ સાહેબ અને અન્ય મહાનુભાવોને મુક્ત હૃદયે કહેલું કે “ આ એવોર્ડ સમારંભમાં મારી સમક્ષ બેઠેલા એવા અનેક મહાનુભાવો અને કર્મશીલો છે જેઓએ મારાથી અનેક ગણું ઉમદા કાર્ય કર્યું છે , પરંતુ એ લોકો એમની પ્રવૃત્તિઓનું દસ્તાવેજી કરણ કરી શકયા નથી. બધાને મારા જેવું ફાઈલ વર્ક ન આવડે, બાકી આ એવોર્ડ માટે એ પુરા લાયક છે”
મિત્રો , તેમ છતાં મને ક્યારેક એવું લાગે છે કે જે જે મહાનુભાવોને મારે સહજ રીતે કે પૂર્વ મંજુરી (APPOINTMENT)સાથે મળવાનું બન્યું એ મહાનુભાવો સાથેની તસ્વીરો હું ન લઇ શક્યો . એના બે ત્રણ કારણોમાં એક તો કેમરાનો અભાવ અને બીજું મારી એક એવી મનોવૃત્તિ અને જીદ્દી સ્વભાવ કે “ એમાં તસ્વીર શું લેવાની ? એ બધા પણ મારા –તમારા જેવા માણસો જ છે ને ? “ એટલે ઘણીવાર તક હોવા છતાં પણ મેં મારા આ સ્વભાવને કારણે ન તો કોઈ હસ્તાક્ષર લીધા કે ન કોઈ તસ્વીર લીધી ! આજે મારા એ જીદ્દી વલણ વિષે વિચારું ત્યારે મનમાં થોડોક ખટકો જરૂર છે જ,એ કબુલ !
આજે શ્રીમતી ઇન્દિરા ગાંધીનો જન્મ દિવસ છે. હું આ મહાન મહિલાને બબ્બે વાર રૂબરૂ મળ્યો છું , અને એક વાર તો એની સામે જ PMOમાં મળ્યો છું! એમની સાથે થોડીક આધ્યાત્મિક વાતો પણ કરી છે! ત્યારે હું માત્ર ૨૨ વર્ષનો હતો! આ મુલાકાત વિષે ઘણું લખી શકાય તેમ છે , પરંતુ હું એ ટાળીને અહીં આજે મુકેલી એક તસ્વીર વિષે વાત કરવા માંગું છું.
ત્રણેક દિવસ પહેલા જ મને મારી એક જૂની ડાયરીમાંથી આ ફોટો મળ્યો. આવું કેમ બન્યું હશે એ હું વિચારતો જ રહ્યો ! આલ્બમમાંથી આ ફોટો છૂટો કેમ પડી ગયો હશે અને અહીં આ ડાયરીના પાનામાં કઈ રીતે આવી ચડયો હશે , એ વિષે હું વિચારતો જ રહ્યો છું!
ખેર, આ તસ્વીરમાં જે બે વ્યક્તિઓ દ્રશ્યમાન છે તેમાં એક ડોલર મહેતા છે અને બીજી વ્યક્તિ ધ્વનિત જોશી છે. આ બંને આત્મીય મિત્રો છે અને બંને અદભુત ગાયકો છે! દેશ વિદેશમાં આ બંને ગાયકોના અસંખ્ય ચાહકો છે. યુ ટયુબ પર તમે બંનેના વિડીયો નિહાળી શકો છો.
‘અભિનવ યુવા કેન્દ્ર’દવારા આયોજિત એક સંગીત સંધ્યામાં આ બે ગાયકો સાથે હું કોઈ ગાયન પ્રસ્તુત કરું છું, એ મારા માટે આનંદ અને ગૌરવની ઘટના છે. મારા માટે આ એક યાદગાર ક્ષણ છે!
અને છેલ્લે બાત નિકલેગી તો બહુત દૂર … પરંતુ આ લખનાર એટલે કે આ પોસ્ટ મુકનારને એક વાર પરોઢિયે પાંચ વાગે વડોદરામાં જ મહાન ગાયક જગજીતસિંગની સામે જ , એની એક નઝમ ગાવાની સાવ અનાયાસ જ તક મળેલી પણ મેં કહ્યું જ છે કે “જીવનની બધી જ ઘટનાઓને તમે તસ્વીરમાં કેદ નથી કરી શકતા” એટલે હું આત્મકથા કે સ્મૃતિ કથા લખવાનું પસંદ નથી કરતો ! હજુ પણ એ જ વિચાર આવે કે આપણે તે વળી ‘ કિસ ખેત કી મૂલી?’
શ્રીમતી ઇન્દિરા ગાંધીને સ્મૃતિ વંદના! જેના લીધે મને ઈન્દિરાજીને રૂબરૂ મળવાની તક મળેલી એ મહાન ચિત્રકાર હુતાજી ( જે પણ હવે સ્વર્ગસ્થ છે) એની ચેતનાને પણ વંદન! અને જેમના આદેશથી મને હુતાજી સાથે પ્રધાનમંત્રી કાર્યાલયમાં જવાની તક મળી એ પૂજ્ય તારાદીદી ( શ્રી અરવિંદ આશ્રમ –દિલ્હી )નો પણ આભારી છું.
જીવન બીજું કશું નથી પરંતુ સ્મૃતિઓની જાણે કે કોઈ પુષ્પમાળા કે દીપમાળા છે. બસ, એ સ્મૃતિ સુગંધ. …એ સ્મૃતિ પ્રકાશ જ આપણને જીવંત રાખે છે ! એહમદ ફરાઝ સાહેબનો એક જાણીતો શેર યાદ આવે કે
अब के हम बिछड़े तो शायद कभी ख़्वाबों में मिलें
जिस तरह सूखे हुए फूल किताबों में मिलें
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?