શ્રીમદ્દ ભગવત ગીતામાં શ્રી કૃષ્ણએ એમના વિવિધ સ્વરૂપોની સરસ વાત કરી અને વૃક્ષોમાં, પર્વતોમાં, ઋષિઓમાં અને અનેક જગ્યાએ પોતે કેવા કેવા અવતાર રૂપે છે, એ સ્પષ્ટ જણાવ્યું છે.
પરંતુ, કોઈ ફૂડીની ગીતામાં ક્યાંક એવું વાંચવામાં આવે કે “ખાવાના શોખીનોમાં હું સુરતી છું” તો આશ્ચર્ય પામવા જેવું નથી!
‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં આજે પ્રકાશિત આ છબી જોઇને મન સુરતની એ ભાગોળમાં પહોંચી જાય છે!
દેશમાં ચોમાસું બેઠું નથી ને ત્યાં તો સુરતીઓ ખાજાની મોજ લેવા તલપાપડ થઇ જાય છે! વિચારતો એવો પણ આવે કે ખાજા તો હવે બારે માસ મળે તો પછી મોન્સુનમાં જ કેમ બધા ખાજા માટે મેનીઆક થાય છે? આ પ્રશ્નનો ઉત્તર તો કોઈ સુરતી જ આપી શકે પરંતુ , આ સિઝનમાં સુરતી લાલાઓ કરોડો રૂપિયાના ખાજા ખાઈ જાય છે,એટલું જ નહીં ખાજાને વિદેશમાં નિકાસ કરીને કરોડો કમાઈ પણ જાણે છે!
ખાજાના આ ઇકોનોમિકસની મને તો આજે જ ખબર પડી! સુરતની ઈકોનોમીમાં હીરા –ટેક્સટાઈલ્સની જેમ ખાજા પણ એનો સ્વાદ ઉમેરે છે!
ફુગાવાનો દર ઘણો વધ્યો છે જ , પરંતુ એના પ્રમાણમાં ખાજાનો ભાવ હજુ એટલો નથી વધ્યો.
આજે પણ ૪૫૦ રૂપિયો કિલો ખાજા મળે છે. મીઠા ખાજા અને મેંગો ખાજાનો ભાવ જોકે પ્રતિ કિલો રૂ.૭૦૦ જેવો છે, પણ ખાવાના શોખીન સુરતી લાલાઓને મન ‘મોમેન્ટ’ જ જિંદગી છે!
જિંદગીના રસને જલ્દી પીનારાઓમાં સુરતીઓ હંમેશા પ્રથમ જ આવે!
ભુંસા કે મીઠાઈ વિનાની થાળી સુરતીને ન ફાવે!
શિયાળામાં ઊંધિયું, તો ઉનાળે કેરીનો રસ, ચોમાસાની અષાઢી સાંજે વળી ખાજા અને કેરીનો રસ ! અને વળી , લોચો તો બારે માસ જ !
વચ્ચે અમારે એક રાત્રી સુરતમાં રોકાવાનું બનેલું, ત્યારે રાત્રે રોડ પર મેં ક્રિકેટના બોલ જેવું કંઇક તાવડામાં તળાતું જોયેલું ! એનું નામ તો બરાબર યાદ નથી પણ ‘ઉપલા વડા’-એવું કંઇક હતું.
ખાજાનો એક પ્રકાર સરસીયા ખાજા છે, જેમાં સરસવનું તેલ વપરાય છે. લોકો હવે એ બહુ ઓછા ખાય છે.એમતો સુરતની સુતરફેણી અને ઘેબર પણ ખુબ વખણાય છે.
સુરતમાં આ સિઝનમાં પરણીને સાસરે ગઈ હોય તેવી પુત્રી અને એના પતિદેવને ખાજા –રસ ખાવા માટે ખાસ તેડાવવાનો રિવાજ છે.
આમ પણ, આપણે ત્યાં ભીમ અગિયારસ નિમિત્તે કે પછી સાતમ-આઠમના તહેવારોમાં સાસરે ગયેલી દીકરીઓ તહેવાર મનાવવા પોતાને પિયર જ આવતી હોય છે.
1880થી સુરતમાં ખાજા ખવાય છે. એ સમયે અશ્વ સ્પર્ધા થતી. આજે પણ શહેરમાં ઘોડ દોડ વિસ્તાર છે.
ઘોડ દોડમાં વિજેતા બનેલ પક્ષના લોકો ત્યાં જાહેર મેદનીને ખાજા વહેંચતા.
ખાજા લગભગ એકાદ મહિનો સુધી ખાવા લાયક રહે છે એટલે એની export ક્રેડીટ સારી ગણાય છે.
આપણા ખાજા દુનિયાના અનેક દેશોમાં પહોંચે છે એ વાત જ મને રોમાંચિત કરી મુકે છે!
ટૂંકમાં આપણો ચટાકો હવે ઇન્ટર નેશનલ બની ગયો છે !
ખાજા માં લીંબુનો રસ શા માટે ઉમેરવામાં આવે છે એ પ્રશ્ન મનમાં છે જ ,પણ સુરતી લાલાના ચટાકાની તો વાત જ અનોખી હો !
શિયાળે ઊંધિયું ભલું , ને ઉનાળે રસની લહાણ ,
ચોમાસે ખાજા ભલા , પણ પેલો લોચો બારે માસ !
More Stories
દુનિયાની પહેલી એવી એક ઘડિયાળ જેમાં 48 મિનિટનો કલાક અને 30 કલાકનો દિવસ છે:
સુનહરી યાદેં : અબ કે હમ બિછડે તો કભી તસ્વીરોમેં મિલે
એક પ્રયાસ જંગલને જૂનું કરવાનો..