તાજેતરમાં ચુંટણીઓ પૂરી થઈ.એમાં રાહુલ ગાંધીની ‘ મુહબ્બત કી દુકાન ‘ ખૂબ ચર્ચામાં રહી.સત્તા પક્ષને એ દુકાન આંખમાં કણા ની માફક ખૂંચી તો વિપક્ષ ને એ ખૂબ વહાલી લાગી. એ દુકાન ખૂબ ચર્ચામાં રહી.આજે હું એક ચા ની દુકાનની વાત કરવાનો છું જેની સાથે મહોબત જોડાયેલી છે.અને એ છે સૌરાષ્ટ્રના એક નાના નગરમાં આવેલું ‘ મોબત ખપે ‘ ટી સેન્ટર.
સાળંગપુર થી અમરેલી જતાં રસ્તામાં આવ્યું ઢસા.મેઘાણી સાહેબની લોકકથાઓ માં અથવા તો ધ્રુવ ભટ્ટ ની કોઈ નવલકથા માં અથવા ધર્મેન્દ્ર ત્રિવેદી ધ .ત્રી.ના લેખમાં,કોઈક જગ્યાએ ઢસા જંક્શન નો ઉલ્લેખ યાદ આવ્યો.વિવિધ દિશામાં લઈ જતા એક થી વધુ રેલપથ અહીં મળે છે એટલે આ રેલ મથક જંક્શન ગણાય છે.
નવલકથા કે વાર્તા વાંચીએ અને ક્યારેક એના કેન્દ્રમાં રહેલા સાવ અજાણ્યા ગામમાં,સાવ અચાનક,પહેલીવાર જવાનું થાય તો એ જગ્યા બૌ જાણીતી લાગે,લાંબી ઓળખાણ વાળી જગ્યા હોય એવું લાગે.આ મારી અનુભુતિ છે એની સાથે સંમત થવું ફરજિયાત નથી.
ઢસા ના વ્યસ્ત બસ સ્ટેન્ડ ચાર રસ્તે એક ચાય ની કીટલી છે જે ‘બાપુ’ની કીટલી તરીકે જાણીતી છે.મારા વેવાઇ નીતિનભાઇ નો આગ્રહ હતો કે બાપુની ચા તો અહીથી પસાર થતી વખતે પીવી જ પડે.
રગડા જેવી,લગભગ આખા દૂધની ચા બાપુ પીવડાવે.અને કાચ કે પ્લાસ્ટિકના કપમાં નહિ કિટલીમાં થી સીધી રકાબીમાં ચા પીરસાય.આ પણ નવું લાગ્યું.પ્રદેશે પ્રદેશે ધંધાની રસમો જુદી હોય એટલે એકવિધતા ટળે અને વિવિધતા લાગે.જો કે બાપુ કાંચના ગ્લાસ રાખે છે એટલે સુધરેલા ગ્રાહક માંગે તો ગ્લાસમાં ચા આપે.બાકી એક રકાબી ચા એટલે એક અર્ધી કે કટિંગ ચા એવો હિસાબ.અને ગરીબ હોય કે તવંગર,બધાને એકસરખી ગુણવત્તા વાળી ચા પીરસવાનો એમનો નિયમ.
ચા પીતા પીતા બાપુની કીટલી ના નામ પર નજર પડી.લખ્યું હતું ‘ મોબત ખપે ‘ ટી સ્ટોલ.નામ વાંચીને કુતૂહલ ના થાય તો નવાઇ થાય એવું નામ લાગ્યું..
મોબત એટલે મુહબ્બત નો ગામડાની જીભે ચઢી જાય એવો સહેલો અપભ્રંશ.ખપે શબ્દનો ઉપયોગ સિંધિમાં અને વ્યવહારમાં થતો સાંભળ્યો છે.એનો અર્થ થાય ચાલે કે ચાલશે.
કુતૂહલવશ ચા વિક્રેતા બાપુને પૂછી જ લીધું કે આવું વિચિત્ર નામ કેમ?
એમનું કહેવું હતું કે એમના ગુરૂ પિરબાબા નું આ બોધ સૂત્ર હતું.તેઓ આ જ ઉપદેશ આપતા.. મોબત ખપે..
અને મનમાં એક હિન્દી ફિલ્મના ગીત ના શબ્દો ગુંજી ઉઠયા ‘ પ્યાર બાંટતે ચલો ‘ એનો અર્થ થાય કે ધૃણા,અણગમો છોડો બસ પ્રેમ,સ્નેહ વહેંચતા રહો.
આ બે સાવ સામાન્ય લગતા શબ્દો ધરાવતું ગુરુ સૂત્ર ખૂબ ઊંચી વાત કરે છે.પ્રેમ,લાગણીઓ, સ્નેહ, અપનાપન વહેંચતા રહો.જિંદગી જીવવા જેવી બનશે,લાગશે.કદાચ વિશ્વ શાંતિ નો આ સૌ થી સચોટ ઉપાય છે.. મોબત ખપે..
વિનોબાજી નું આવું જ એક બોધ સૂત્ર યાદ આવી ગયું.કવાંટ પાસે આદિવાસી સેવાને સમર્પિત સ્વ.હરિવલ્લભ પરીખ ‘ ભાઈ ‘ પાસેથી સ્વ.હસમુખલાલ છીતાલાલ પારેખે એક સેકંડ હેન્ડ જીપ ખરીદી હતી.એના પર પહેલીવાર વિનોબા સૂત્ર ‘ જય જગત ‘ લખેલું વાંચ્યું ત્યારે બચપણમાં આવું જ કુતૂહલ થયું હતું કે જય જગત એટલે શું?
આજે ભારત – પાકિસ્તાન,ઈરાન – ઇઝરાયેલ, ભારત – ચીન,રસિયા – યુક્રેન,જગતભરમાં જે હિંસા,આતંક,હુંસાતુંસી,મારધાડ ની જે કટોકટી છે એના મૂળમાં હું શ્રેષ્ઠ,હું બધા થી મોટો, મારો જ જયજયકાર થવો જોઇએ ની ભાવના છે.તેનો ઉકેલ આ બે સૂત્રો..’ મોબત ખપે ‘ અને ‘ જય જગત ‘ પાસે છે,એમને અનુસરવામાં છે,એવું શીદ લાગતું હશે..???
સાચું જ તો છે…નફરત જેને ખપે એ ક્યારેય નિરાંતે ના જીવી શકે અને મોબત જેને ખપે એ મોજ થી જીવે.
લાગે છે કે ટી શર્ટ બનાવનારી કંપનીઓ નું ધ્યાન આ સૂત્ર પર પડ્યું નથી..બાકી મોબત ખપે અથવા only love prevails ના લખાણ વાળા ટી શર્ટ બજારમાં મૂકે તો ઢગલો વેચાય.આ સૂત્રનું એક વ્યાપક અભિયાન છેડવા જેવું ખરું….
મને તો આમે ય બચપણ થી આજે બુઢાપા સુધી મોબત જ ખપી છે.એટલે તો ૬૫ વર્ષે કહી શકું છું કે ‘ અભી તો મૈં જવાન હું ‘.તમને મોબત ખપે છે? જરૂર થી કહેજો…
અને ક્યારેક ઢસે થી સોંસરવા નીકળો તો મોબત ખપે ની ચા જરૂર પીજો..તમને એનો ચા જરૂર ખપશે…
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?