CATEGORIES

April 2025
M T W T F S S
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
Friday, April 4   1:43:05
Our Traditions

બેટા પાછું વળીને ના જોતી!!: આપણી શિખામણો અને આપણી પરંપરાઓ…

કન્યા વિદાયની ઘડી આવી ગઈ.વાતાવરણ સંવેદના અને લાગણીઓ થી વાદળ ઘેરાયા હોય એવું થઈ ગયું.હૃદયમાં આનંદની સાથે એક વલોપાત હતો.માત્ર માતાપિતા નહિ પરંતુ લોહીના અને લાગણીના સંબંધથી જે સ્વજનો હતા,અરે!કોઈ ઓળખાણ વગર ત્યાંથી એ ઘડીએ પસાર થઈ રહ્યા હતા એ સૌની આંખો ભીની હતી.અને કેટલાકની આંખોમાં તો નિર્મળ મોતી જેવા અશ્રુ બિંદુ તગતગી રહ્યા હતા.પ્રસંગ હતો સૌ ની લાડકી ગુડ્ડુની નવવધૂ તરીકે વિદાયનો.નવવધૂ એટલે દીકરીનો માતાના ગર્ભની બહાર નવો અવતાર જ ને!!

અને એક શિખામણ છૂટી.કદાચ હૈયાને વજ્ર જેવું કરીને શબ્દો બોલાયા હતા.’ બેટા,પાછું વળીને ન જોતી,’ સ્વાભાવિક છે કે દીકરીની મા ને તો આ ઘડીએ આવજો કહેવાનું ય ભાન ના હોય.વ્હાલના બધા શબ્દો હૈયામાં ગૂંગળાઈ ને માત્ર આંસુ બનીને વહી રહ્યાં હોય.ત્યારે કોઈ સ્વજન દિલ પર પત્થર મૂકીને વિદાય લેતી દીકરીને આ કઠોર શિખામણ આપે છે, બેટા,પાછું વળીને ન જોતી ‘!!

કન્યા વિદાયની ઘડી એ ગર્ભ સંબંધ પૂરો થવાની,નવો અવતાર લેવાની ઘડી છે.ભારતીય સંસ્કૃતિ અને કુટુંબ પરંપરાઓમાં આનાથી વિકટ કોઈ ક્ષણ ના હોય એવું, જેણે પંડની દીકરીને ધૂમ ખર્ચો કરીને કે સાદગી થી વળાવી હોય એવો બાપ જ કહી શકે.

લગ્ન પછી બીજા ઘેર જવું એ એક નવા અધ્યાયની શરૂઆત છે.ભારતીય પરિવારોમાં દીકરીનો એ નવો અવતાર છે. મા બૂમો પાડીને થાકે, જાત જાતની ધમકીઓ આપે, વઢે તો પણ ઉઠવામાં આળસ કરતી દીકરી હવે રોજ સવારે કોઈના બૂમ બરાડાની રાહ જોયા વગર જાતે ઉઠી જવાની છે.સાસરિયાં ક્રૂર હોય એવું કહેવાનો ભાવ નથી.પરંતુ લગ્ન થાય અને નવા ઘેર જાય ત્યારે દીકરીનું બચપણ સાચા અર્થમાં પૂરું થાય છે.એનામાં જવાબદારીની ભાવના જાગે છે,એટલે આ સ્વયમ શિસ્ત જાતે,આપોઆપ કેળવાય છે.પહેલા ઘડિયાળના કાંટા પર અછડતી નજર કરી, માથે ચાદર નાખી ઊંઘવા યોગ્ય અંધારું કરી લેતી એ લાડકી હવે ઘડિયાળ જોયા વગર ચાદર ફગાવી ઊભી થઈ જાય છે.એક ઘટના કેટલું મોટું પરિવર્તન આણે છે !!

અને શિખામણ પણ કેટલી અઘરી!! બેટા,પાછું વળીને ન જોતી! છેક બચપણમાં કલાક બે કલાક કે પછી ચાર પાંચ કલાક માટે શાળા કોલેજ જતી વખતે જે દીકરી પાછું વળી વળી ને મા દેખાય ત્યાં સુધી આવજો,આવજો કરતી હોય એ દીકરીને આવી શિખામણ સ્વીકારવી કેટલી અઘરી એ જાણવા દીકરીનો જન્મ લેવો પડે.બાકી શબ્દોમાં આ ભાવને ઊંડાણથી સમજવો અઘરો છે.આમ તો આ એક સમજદારીની શિખામણ છે.પરંતુ મા દીકરી માટે એનો સ્વીકાર હૈયાની ચીરફાડ વગર ના થઈ શકે.

આ શિખામણ પાછળ નવી પરિસ્થિતિને ઉમળકા થી વધાવી લેવા માટે દીકરીને તૈયાર કરવા, મન થી મજબૂત કરવાનો હેતુ છે.પાછું વળીને જોવું એટલે મમતા ના જૂના બંધનને નવેસરથી જીવંત કરવું.એમાં વાંધા જેવું કશું નથી.પણ નવા બંધનને અપનાવવામાં થોડા અંતરાયો આવી શકે.એટલે આ ડહાપણ એના મનમાં ઠસાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.એની સાથે પાછું વળીને ન જોવાની શિખામણ નવા જીવનને સ્વીકારવાની સંકલ્પબદ્ધતા ને સરળ બનાવવા માટે પણ આપવામાં આવે છે.

આવી કુટુંબ પરંપરાઓ ભારતીય સંસ્કૃતિ અને સમાજ જીવનની આગવી અને માત્ર આગવી નહિ રળિયામણી વિશેષતા ગણાય.
એવી એક બીજી પરંપરા છે દ્વાર પર આવેલા વરરાજાને,જીવન સાથીને યુગલ જીવન શરૂ કરવા ઉત્સુક કન્યા દ્વારા ચોખાથી વધાવવાની.તે સમયે દીકરીને દુલ્હે રાજા સામે જોયા વગર,પ્રેમ ભીની એક નજર નાંખ્યા વગર ચોખા અને શુભ દ્રવ્યો થી વધાવવાનુ કહેવામાં આવે છે.એની પાછળનો પ્રેમાળ આશય વરરાજાને નજર ના લાગી જાય એવો હોવો જોઈએ.આ એક પ્રકારે નવજીવનના સહચરને લાડ લડાવવવાનો સ્નેહાળ રિવાજ છે.

આ પણ વાંચો – બે દાયકા પછી મિત્ર સાથે મુલાકાત….

નજર લાગી જવાની માન્યતા એ પણ ભારતીય સમાજ જીવનનીએક આગવી ખાસિયત છે.નજર માત્ર દુર્ભાવ થી લાગતી નથી.પ્રેમની,વહાલની,લાગણીની પણ નજર લાગે.કેવી રમ્ય કલ્પના!!

લગ્ન કે અન્ય શુભ પ્રસંગોએ ગ્રહ શાંતિ પૂજન કરાવવામાં આવે છે.સુરત બાજુ દક્ષિણ ગુજરાતની મીઠી જબાનમાં એને ઘરશાતક કહેવામાં આવે છે.લગભગ ભારતીય સનાતની લગ્નો, મંગળ પ્રસંગોમાં આ પરંપરા પ્રચલિત છે.હા,વિસ્તાર કે પ્રદેશ પ્રમાણે તે જુદાં જુદાં નામે ઓળખાય છે.

આ ઘરશાતક માટે ભૂદેવ દ્વારા કરવામાં આવતી પૂજા સ્થળની સજાવટ જોવા જેવી હોય છે.પહેલા બ્રહ્મ પરિવારના કોઈ વડીલ કાશી કે અન્ય જાણીતા ધર્મ વિદ્યા કેન્દ્રોમાં ભણવા જતા અને વિધિવિધાન મા પારંગત થતાં.પછી પેઢી દર પેઢી એ વિદ્યા ઉતરતી રહેતી.હવે કાશી જવાની જરૂર નથી.ઘર આંગણે સોલા ભાગવત વિદ્યાપીઠ જેવી સંસ્થાઓમાં ધર્મ સંસ્કૃતિની પરંપરા પ્રમાણે બ્રહ્મ વિદ્યા કે પુરોહિત કર્મ શિખવાડવા મા આવે છે.લોકબોલી મા એને કર્મકાંડ કહેવામાં આવે છે.નવી પેઢી નવી નવી રીતે પૂજાનો મંચ સજાવે છે.ચોખાનું શિવલિંગ બનાવે છે,નવ ગ્રહો માટે ચોખાની ઢગલી કરી નવ ગાદીઓ બનાવવી,માતાજી માટે લીલા મગની પીઠિકા,ગણપતિ દાદા માટે ઘઉંની પીઠિકા બનાવવી,દેવ દેવીની પસંદ પ્રમાણે ગોળ,સુકો મેવો,પંચામૃત,રવાનો શીરો જેવા પ્રસાદના પડિયા ધરાવવા,સંગીતમય પૂજા કરાવવી જેવા નવા આયામો થી પ્રંસંગ અને પૂજા વધુ રોચક બની છે. ફૂલ માળા, છૂટા ફૂલ,મધ ઘી,શ્રીફળ, જવ,તલ કેટલું દ્રવ્ય પૂજામાં પ્રયોજાય અને ના હોય તો એના સરળ વિકલ્પ મહારાજ આપે.જેમ કે દેવને નાડાછડી ખેસની જેમ ઓઢાડો તો રેશમી વસ્ત્ર અર્પણ કર્યા બરાબર ગણાય! દેવ પૂજાનો મંચ સજાવતા પંડિત મયંક બાજપાઈ એ જણાવ્યું કે ગ્રહ શાંતિ પૂજન માટે પંદરેક મિનિટમાં સજાવટ થઈ જાય તો નવચંડી યજ્ઞની સજાવટ બે કલાક જેટલો સમય લે .યુવા પેઢીને ધાર્મિક પૂજન પરંપરાઓ થી જોડવામાં આ નવતર પ્રયોગો વધુ સફળ બને એવું લાગે છે.

પરિવારનો પ્રત્યેક પ્રસંગ ઉત્સાહ,ઉમંગ અને લાગણીઓ વ્યક્ત કરવાનું પર્વ છે.કન્યા વિદાય હૃદય દ્રાવક અવશ્ય છે પરંતુ નવા જીવનના મંગળ પ્રારંભનો હર્ષ એની સાથે જોડાયેલો છે.એટલે જ વિદાય લેતી દીકરી, મા – બાપ,સ્વજનો અને જોનારાઓ,બધાની એક આંખ વેદનાના આંસુથી અને બીજી આંખ હર્ષના આંસુ થી છલકાય છે.આ જ તો જિંદગી છે,જિંદગીનું સાર્થક્ય છે…