સ્કીન કેર પ્રોડક્ટ્સ પર હવે લીપસ્ટીક ઈફેક્ટ!
મને આપો ઉછીનું સુખ થોડું,
હજીયે ના એવડું તે થઇ ગયું મોડું.
અમને આપી છે એવી બાવળની ડાળ
કે ફૂલ કદી ખીલ્યા નહી,
અમને સબંધો વળી આપ્યા રેતાળ
કે નીર કદી ઝીલ્યાં નહી,
હું તો હરણાની પ્યાસ લઈ દોડું
મને આપો ઉછીનું સુખ થોડું.
ટહુકા આપ્યા ને પાછાં પીછાં આપ્યા
ને પછી સામે આ ખડકી દિવાલ,
ઉડે છે ધૂળનાં રે વાદળ ને
આસપાસ પારધીએ પાથરી છે જાળ,
બંધ આંખે ઉજાગરાને ઓઢું
મને આપો ઉછીનું સુખ થોડું.
– જગદીશ જોષી
હરણાની પ્યાસ લઈને સુખની શોધમાં દોડતા માણસોની વેદનાને કવિ જગદીશ જોશીએ આ કાવ્યમાં આબાદ ઝીલી છે ! કવિની માફક જ આપણે બધા કોઈ સુખની શોધમાં છીએ, નાના મોટા સુખ માટે વલખા માર્યા કરીએ છીએ! આપણા વલખા વિસ્તરતા જાય છે , ને છતાં પણ આપણે તો તરસ્યા ને તરસ્યા જ ! ભીતરનું સુખતો માણસને માલામાલ કરી દયે પણ ઉછીનું સુખ કેટલું ટકે? આપણે સંબંધોમાં સુખ શોધીએ , પણ , એ જયારે તકલાદી નીકળે ત્યારે ફરી એક વાર નિરાશ થઇ જઈએ છીએ. ફરી એક કોશિશ અને ફરી એક વધુ નિરાશા ! વિષાદનું આ ચક્ર ચાલતું જ રહે છે.
આપણે શોપીંગમાં સુખ શોધીએ અને કેરીબેગ લઈને સુખની શોધ કરીએ પણ એવો ખ્યાલ આવે કે ‘મારા સેલફોન કરતા પડોશીનો સેલફોન મોંઘો છે’ , ત્યારે જરાક નિરાશ થઇ જઈએ છીએ! સાપેક્ષમાં જીવવાની આ કુટેવ આપણને નાના –નાના સુખોથી પણ જોજન છેટે રાખે છે, બાકી કોઈ કવિએ તો ‘બીડીના એક ઠુંઠામાં પણ રાજી’ થવાની વાત કહી દીધી છે!
મહામારીના વિકરાળ પંજા માંથી જરાક છટકેલું યૌવન હવે ફરી એક વાર હિલોળે ચઢ્યું છે , એનો આનંદ !
નવરાત્રીના શોપિંગ વખતે અમે બજારોમાં હૈયે હૈયું દળાતું જોયું ! બબ્બે વર્ષના quarantine પછી મને તો આવી ભીડ પણ ખુબ વહાલી લાગી ! બ્યુટી અને બાર્ગેઈનની આવી જબ્બરજસ્ત જુગલ બંધી લાંબા સમયબાદ જોવા મળેલી. ખાલી ખાલી . . . ફરવા ખાતર પણ પણ માણસે આવી ભીડમાં આંટો મારવો જોઈએ એવું મને તો લાગ્યું ! એકાંતનું આકાશ કોઈને ભલે વહાલું લાગતું હોય , પરંતુ ક્યારેક ભીડનો ભેરુ થવામાં પણ આનંદ આવે એવું બને છે!
અને ટોળામાં પણ માણસ ક્યા એકલો નથી હોતો ?
એટલે રમેશ પારેખે લખ્યું કે
ટોળાની શૂન્યતા છું , જવા દો કશું નથી,
મારા જીવનનો મર્મ છું , હું છું ને હું નથી .
આ ‘હું છું અને હું નથી’ ની વેદવાણીને અનુભવવા માટે પણ એકવાર મંગળબજાર કે માણેક ચોકમાં આંટો મારવા જેવો છે!
શોપિંગના રીયલ દ્રશ્યો મને તો સેલફોન ની રીલ્સ કરતા પણ વધુ આકર્ષે છે. હજારો મહિલા ગ્રાહકો વચ્ચે ભલે હું જરાક ‘ઓડ’ ફિલ કરતો હોઉં , પણ મને સ્કીન અને સ્કીન કેર પ્રોડક્ટ્સનું માર્કેટ આકર્ષે છે! એમાં ચણીયા -ચોળી પણ આવી ગયા !
ડુપ્લીકેશન માટે ઉલ્લાસ નગર પછી વડોદરા ઘણું જાણીતું છે. ઓરીજીનલ અને ડુપ્લીકેટ વચ્ચેનો ભેદ પારખવામાં ભલા ભલા ખેરખાંઓની આંખો અહીં ધોખો ખાઈ જાય છે!
લીપસ્ટીક અને બીજા કોસ્મેટીક પ્રોડક્ટ્સ દ્વારા નાના –નાના સુખ શોધનારી આપણી મહિલાઓને જયારે છેતરાયાનો એહસાસ થાય છે ત્યારે કાજલભર્યા એ નયનો માંથી આંસુની ધાર છૂટે છે!
બબ્બે વરસ લગીની એકલતાએ આપણને પ્રલંબ સ્ક્રીનટાઈમ ના ઓશિયાળા બનાવી દીધા! આપણે એકલતાના ઓવારે બેસીને આત્મ નિરીક્ષણ કરવાને બદલે આપણા શરીર અને શારીરિક સુખો-ભૌતિક વિશ્વ વિષે વધુ સભાન બનવા લાગ્યા !
બસ, શરીર સૌન્દર્યની આપણી આ અભિનવ શૈલી અને વિભાવનાએ આપણને સ્કીન કેર પ્રોડક્ટ્સ તરફ વિશેષ આકર્ષિત કર્યા. સુગંધી દ્રવ્યોની પ્રોડક્ટ ઘરમાં આવવા લાગી. બસ, સુગંધનો એક શ્વાસ ભરવામાં આપણને ‘Feeling good’ નો એહસાસ થવા લાગ્યો. SENTIMNET અને સુગંધનો આ સંગમ ભલે ઘડી ભર તો ઘડી ભર, પરંતુ માણસને ક્ષણિકસુખ નો પ્યાલો ધરતો ગયો !
છેલ્લા એકાદ વર્ષમાં સ્કીનકેર પ્રોડક્ટની ખરીદીમાં જે ઉછાળ આવ્યો છે , એના આંકડા આસમાને પહોંચ્યા છે .
વેબસાઈટ નેવિગેટ કરતી વખતે એક કન્ઝયુમર લગબગ બે હજાર ઓડ ટેગ જનરેટ કરતો થઇ ગયો!
કૃત્રિમ બુદ્ધિ (AI)ના આવિષ્કારથી હવે બજાર વિશ્વમાં PREDICT BEHAVIOUR નામનું એક નવું પરિમાણ પણ ઉમેરાયું. બસ, એક વેબ સાઈટ તમે ખોલો એટલે કૃત્રિમ બુદ્ધિ યંત્ર તરત જ ગ્રાહકના માનસનો નકશો ( Mind Map)દોરીને કંપનીને જણાવી દે છે કે ‘કન્ઝ્યુમર કેવો છે, એને શું ગમે છે, એ શું ખરીદવા માંગે છે’! બસ , પછી એ અપેક્ષિત વસ્તુની ધડાધડ છબીઓની એક પ્રલંબ શ્રુંખલા આંખ સામે આવતી જ રહે છે! કૃત્રિમ બુદ્ધિનો આ મહાન ચમત્કાર જ ગણવાનો !
સુખની શોધમાં ભટકતો જીવ છેવટે આ માયાઝાળમાં ફસાઈ જાય છે! હવે તો 5Gના એવા તો કામણ હશે કે તમને કોઈ એપમાં તમે એ પ્રોડક્ટ પહેરીને એમાં જ ગોઠવાયેલા અરીસા સામે જોઈ શકશો.
પાંચ ઈંચનો સ્ક્રીન ગ્રાહકનો હવે એક ટ્રાયલ રૂમ બની જશે!
અને હા , આ બધી માયાવી સૃષ્ટિમાં ગ્રાહકની ગોપનીયતા એટલે કે PRIVACYની મહાન સમસ્યાનો પણ ટૂંક સમયમાં ઉકેલ શોધાશે જ એવી આશા.
મહામારી પછી મંદીના મોજામાં આવી ગયેલા માણસો માટે તો આવા નાના નાના સુખ અને ખુશીઓ જ એક આધાર છે !
ત્રણ ચાર કલાકના આંટા ફેરાં બાદ પણ પત્નીને એક મનગમતો ડ્રેસ ન મળ્યાનો વસવસો રહી ગયો પરંતુ વર્ષો બાદ નવા બજારમાં એક લારી પર ગરમા ગરમ પાપડીનો લોટ આરોગતી વેળા મને જે ખુશી થઇ એ ગોરધન થાળીથી પણ મહામુલી હતી !
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?