CATEGORIES

July 2024
MTWTFSS
1234567
891011121314
15161718192021
22232425262728
293031 
July 3, 2024
exoras and variegated jasuds

સ્ક્વેર ફીટનું સંવેદન!

અમારા આંગણાની શોભામાં વૃધ્ધિ કરનારા કેટલાક જાણીતા પુષ્પોમાં એક્ઝોરા અને વિવિધ રંગી જાસુદ મને અતિ પ્રિય છે, પરંતુ,કોણ જાણે જાસુદના છોડને અમારા ઉદ્યાનની માટી જ માફક ન આવી. વિવિધ રંગી જાસુદને ઉછેરવા અમે ખુબ પ્રયત્નો કર્યા, જુદી જુદી ઔષધિઓ, માટી અને જંતુ નાશક દવાઓના પ્રયોગો કર્યા પરંતુ , સફળતા ના જ મળી. છોડ પર માંડ એકાદ બે ફૂલ ઉગે ત્યાં જ ક્યાંકથી જંતુઓ લાગી જાય અને છોડ બળી જાય!
ગયા વર્ષે અમે જયારે અમારા વતન-ગામ ગયા ત્યારે અમારા આંગણામાં જ અમે લાલ જાસુદનો એક વિશાળ છોડ જોયો! એના પર આશરે પચાસ જેટલા ફૂલો ખીલેલાં. બસ, નીલાએ એક ડાળખી કાપી લીધી, વડોદરા લાવીને અમારા બગીચામાં રોપી દીધી અને આજે તો એકાદ વર્ષમાં એના પર પાંચ છ ફૂલો ખીલી ચુક્યા છે!
અમને તો આ ચમત્કાર જેવું જ લાગે છે. આ છોડને અમારી ભૂમિ અને સેવા ગમી ગઈ હશે ! રોજ એકાદ બે ફૂલો તો આવે જ છે, પરંતુ આજે પાંચેક ફૂલો જોઇને એ તસ્વીર share કરવાનું મન થયું.
એમ થાય કે લાલ જાસુદના બે ચાર છોડ હજુ રોપી દઈએ તો ? પણ સ્ક્વેર ફૂટમાં જીવાતી જીંદગીમાં આટલા ફૂલો મળ્યા એ પણ અમને તો સદ્દભાગ્ય લાગે છે!
સ્ક્વેર ફીટમાં જીવાતી જીંદગીમાં સંવેદનો પણ હવે સ્ક્વેર ફીટમાં જ અનુભવાતા હોય એવું લાગે છે!
મારું હૃદય તો એક પુષ્પના દર્શનથી પણ રાજીના રેડ થઇ જાય છે! એક પુષ્પનું પ્રાગટ્ય મને કોઈ દિવ્ય અનુભૂતિ કરાવી જાય છે. હું મૂર્તિ પૂજક તો છું , પણ, પુષ્પની દિવ્યતા મને વધુ આસ્થાવાન બનાવે છે!
કેટલાક છોડ તો વારે તહેવારે એના પાંદડાના રંગ બદલે છે! આ બદલાવ ખુબ ગમે છે!
પાંદડાના આ પરિવર્તિત રૂપો અને રંગો પણ મને તો ખુબ ગમે જ છે!
ઘરની દીવાલ નજીક રોડ પર અમે જે લાલ ફૂલનો છોડ ઉછેર્યો છે, એ હવે અમારી બાલ્કની સુધી પહોંચી ગયો છે! એના પર તો બારે માસ ફૂલો આવ્યા જ કરે છે.
વહેલી સવારે, ક્યારેક, કોઈ એકલ દોકલ પતંગિયું આવી ચડે છે ત્યારે, એને જોઇને મન ઘડી ભર સ્થિર થઇ જાય છે અને મારામાં બેઠેલા એક પતંગિયાની અવકાશ યાત્રા શરુ થઇ જાય છે.
જીવનની ક્ષણ ભંગુરતાનો ખ્યાલ વધુ ગંભીર બનવા લાગે છે!
મનના દ્વાર પર ‘મરીઝ’નો એ ‘શેર’ દસ્તક દઈ દે છે :
જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીઝ,
એક તો ગળતું જામ છે ‘ને ઓછી મદિરા છે.