આજથી સાડા ત્રણ દાયકા પહેલાં યુરોપી દેશ ફ્રાન્સએ એક વિશિષ્ટ પર્યાવરણ જાગૃતિ અભિયાનની શરૂઆત કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ પાસે સાગરતટની સ્વચ્છતા જાળવવા અંગે સંદેશા લખાવવામાં આવતા અને તે સંદેશા શીશીમાં સીલબંધ કરી તે શીશીને દરિયામાં વહાવી દેવાતી. સમુદ્રની સપાટી પર અનેક કિલોમીટર અંતર કાપીને શીશી જે દેશના સાગરતટે પહોંચે ત્યારે તેમાં રહેલો સંદેશો વાંચી સ્થાનિકો પણ કાંઠાની સાફસૂફીનું અભિયાન હાથ ધરે તેવો બ્લુ ફ્લેગનો હેતુ હતો. આગળ જતાં તે હેતુને વૈશ્વિક ધોરણે પાર પાડવા માટે ડેનમાર્કની ‘ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટલ એજયુકેશન’ નામની સંસ્થાએ બ્લુ ફ્લેગ મિશનનો કાર્યભાર સંભાળ્યો. સ્વચ્છ સમુદ્ર તટો માટે તેણે બ્લુ ફ્લેગ ખિતાબ જાહેર કર્યો.
આ પણ વાંચો – દુનિયાની સૌથી મોટી તોપ – જેના ઉપયોગની ક્યારેય જરૂર જ ન પડી
આ ગૌરવ મેળવવા માટે સમુદ્રતટની જાળવણી કરનાર સંસ્થાએ કુલ ૩૩ કડક શરતોનું પાલન કરવું પડે છે. પર્યાવરણને લગતી માહિતી અને શિક્ષણ, સમુદ્રના પાણીની ગુણવત્તા, પર્યાવરણની જાળવણી માટેનું આયોજન અને પર્યટકોની સલામતી તેમજ સગવડો – એમ ચાર મુખ્ય માપદંડો કેન્દ્રસ્થાને છે. અત્યાર સુધી વિશ્વના ૫૦ દેશોમાં કુલ ૪૬ સમુદ્રતટને બ્લ્યુ ફ્લેગનો એવોર્ડ આપવામાં આવ્યો છે જેમાં સૌથી વધારે યુરોપી દેશ સ્પેનના સમુદ્રતટોનો સમાવેશ થાય છે. આપણા દેશના ૧૦ કાંઠાને તે ખિતાબ મળ્યો છે. દ્વારકાનજીક શિવરાજપુર નો દરિયો તેમાંનો એક છે. વર્ષો સુધી અજાણ્યો એ સાગર તટ આજે બ્લુ ફ્લેગને કારણે પ્રસિદ્ધિ પામ્યો છે.
આ પણ વાંચો – જાણો છો તમારાં મસાલિયાંમાં હીંગ ક્યાંથી આવે છે?
શિવરાજપુરના દરિયાની એક વિશેષતા નીલો-ભૂરો દરિયો છે તો બીજી ખૂબી જળસપાટી નીચે જોવા મળતા 24 પ્રકારના પરવાળા છે, ઉપરાંત સાતેક પ્રજાતિના કરચલા, ડોલ્ફિન, ડુગોંગ (સમુદ્રી ગાય), વ્હેલ શાર્ક, વિવિધ પ્રકારની રંગબેરંગી માછલીઓ, દરિયાઈ કાચબા વગેરે જીવો વડે શિવરાજપુરની આસપાસનો દરિયો ધબકે છે. ગ્રીન ટર્ટલ અને ઓલીવ રીડલી જાતના કાચબા આ વિસ્તારમાં ઈંડા મુકવા આવે છે.

More Stories
ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?
ઉપર સિલ્ક અને નીચે કોટન – નામશેષ થતો કાપડનો એક વિશિષ્ટ પ્રકાર : મશરૂ કાપડ
સુરતના સૈયદપુરાનો અનોખો મહોબ્બત મહોલ્લો