શહેરના રસ્તાઓ પર વાહનોની ભીડ વધી છે.જે રસ્તાઓ પર કે ચાર રસ્તાઓ પર દિવસમાં માંડ બે ત્રણ કલાક થોડી ઘણી ભીડ રહેતી હતી ત્યાં હવે વહેલી સવારથી મોડી રાત સુધી ભરપૂર ભીડ રહે છે.અને વાહન ચલાવતા આવડે એ પૂરતું છે .એમાં શિસ્ત પાળવાની કોઈ જરૂર નથી એવી આપણી નાગરિક સમજ છે.કોઈપણ દિશામાં થી વાહન તમારા તરફ ધસી આવી શકે.તમારે રસ્તા ઉપર ઊભા રહી ચતુર્દિશ નૃત્ય કરવાનુ છે.ઘણી વાર તો એવું થાય કે સામેની દિશામાં જોતી બે આંખોને બદલે ભગવાને ભારતના નાગરિકોને ખાસ કિસ્સામાં ચહેરા ઉપરની બે ઉપરાંત બંને કાન પર અને માથાના પાછળ ના ભાગે એમ વધારાની ત્રણ આંખો આપવાની જરૂર છે.
તસવીર માં દેખાય છે એવા ધોળા પટ્ટા શહેરના ઘણા ચાર રસ્તાઓ પર દોરેલા છે.સારી વાત છે.
આ પટ્ટા બે બાબત સૂચવે છે.એક તો સાઈડ બંધ હોય ત્યારે વાહનો એની ઉપર નહિ પણ એને સરહદ ગણીને રોડની અંદર ઊભા રાખવાના હોય છે.
જો કે આ પટ્ટા માં કોઈ જાદુ છે કારણ કે બધાને એની ઉપર જ વાહન ઊભા રાખવાની અને સાઈડ ખૂલે કે ભાગવાની મઝા આવે છે.સિગ્નલ નો આંકડો ૨,૧,૦ બતાવે તે પહેલાં તો ઘણાં અધિરિયા દોડ મૂકે છે.એમને કોઈ ઈનામ આપતું હશે.ભગવાન જાણે.
આ પટ્ટા નો બીજો આશય જે રાહદારી છે એને સલામત રીતે રસ્તો પસાર કરવાની સુવિધા આપવાનો છે.આ પટ્ટા પર ચાલે એને અકસ્માતથી બચાવવાની કાળજી લેવી એ વાહન ચાલકની ફરજ છે.વ્યસ્ત કલાકોમાં વડીલો,બહેનો અને બાળકોને સલામત રસ્તો ઓળંગવાની સુવિધા આપવા આ પટ્ટા ની લક્ષ્મણ રેખા દોરવામાં આવી છે.પરંતુ રાવણ ને શરમાવે એવા કેટલાક વાહન ચાલકો આ લક્ષ્મણ રેખાની ઈજ્જત ના રાખતા એના ઉપર ચાલતા રાહદારીઓ પર ધસી જાય છે.
આ પટ્ટાઓ ની સાથે રાહદારીઓ ને રસ્તો ઓળંગવાની સૂચના આપતા વિશેષ વધારા ના સિગ્નલ રાખવા જરૂરી છે.વિદેશમાં એવા સિગ્નલ અવશ્ય હોય છે. આપણે ત્યાં લગભગ ક્યાંય નથી.
આ સિગ્નલ માં એક લાલ હાથ થોભવાનું કહે છે.જ્યાં સુધી લાલ હાથ દેખાય ત્યાં સુધી વાહનો પસાર થઈ શકે.અને જેવું બાબલો દોડતો હોય એવું ભૂરું સિગ્નલ લાગે એટલે રાહદારીઓને રાજાની જેમ સલામત રીતે રસ્તો ઓળંગવાની છૂટ.
એ સમયે કોઈ વાહન ચાલકની મજાલ નથી કે આ પટ્ટા ને વાહન અડાડે અને રાહદારી ને બિવડાવે.વિદેશના ટ્રાફિક નિયમોમાં રાહદારી ને રાજા ગણવામાં આવ્યો છે અને રસ્તા પર એનો પહેલો અધિકાર માન્ય રાખવામાં આવ્યો છે.
આપણે ત્યાં માર્ગ વાહન વ્યવહાર ના કાયદામાં રાહદારીઓ ને કેટલું માન આપવામાં આવ્યું છે,એમનો કેટલો અધિકાર ગણવામાં આવ્યો છે એની ખબર નથી.
જો કે એમના માટે વિશેષ સિગ્નલ નથી એટલે અવશ્ય એમને રેંજી પેંજી ગણી લેવામાં આવ્યા છે.બચવું અને જાત ને બચાવવી એ જેને પગે ચાલવું છે એની જવાબદારી છે. પગે ચાલવું એ તો ભિખારીવેડા ગણાય.એવા લોકોને માન શું અને અપમાન શું? લાખ બે લાખની ગાડીની શાન ની વાત એમને ના સમજાય.
અને સિગ્નલો લાગી ગયા પછી ચાર રસ્તે બધા નિયમો પાળશે એ ટ્રાફિક વિભાગે માની લીધું છે.વાહન ચાલકોની ગુડનેસ માં એમને અટલ વિશ્વાસ છે.એટલે અત્યારે આકરો તડકો છે એટલે એમને માફ કરીએ.બાકી હવે ભાગ્યેજ કોઈ ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક બ્રિગેડ કર્મી વાહન વ્યવહારનું નિયંત્રણ કરતો જોવા મળે છે.
લંડનમાં ટ્રાફિક પોલીસ ને બોબી કહેવાય છે. એ વ્યસ્ત સમયે વડીલોનો હાથ પકડી ને રસ્તો પસાર કરાવે એવું સાંભળ્યું છે. આપણાં રસ્તાઓ પર આ બધું દંત કથાઓ જ ગણાય.કેટલાક દેશોમાં ચાર રસ્તે પીળા પટ્ટા ધારણ કરેલા સ્વયં સેવકો વ્યસ્ત સમયે ઊભા રહે છે.એમના હાથમાં સ્ટોપનું બોર્ડ હોય છે.શાળાએ જતાં બાળકોની સુરક્ષા માટે એ લોકો રસ્તાની વચ્ચે ઊભા રહીને આવતા ટ્રાફિક ને સ્ટોપ નું બોર્ડ બતાવીને રોકે છે અને વિદ્યાર્થીઓને,સ્કૂલ બસોને રસ્તો ક્રોસ કરાવે છે. એ લોકો મોટેભાગે અત્યાર સુધી જંગલી હતા.એમની પાસે કોઈ સમૃદ્ધ સંસ્કાર વારસો નથી.એટલે એ લોકો આવું કરે. આપણો સંસ્કાર વારસો કેટલો સમૃદ્ધ છે,સદીઓ જૂનો છે. આપણે સદીઓ થી સારું વર્તન કરીને લગભગ કંટાળી ગયા છે.એટલે મનમાં આવે તે રીતે વર્તિશું.જેને ચાલવું છે, જાત બચાવવાની જવાબદારી એની પોતાની છે.ખરું ને!!!
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર