CATEGORIES

June 29, 2024
Micro School

માત્ર સાત બાળકોની શાળા : અમેરિકામાં હવે માઈક્રોસ્કુલની તેજી !

હેરી જયારે KGમાં હતો ત્યારે એણે એની માતાને કહી દીધું કે તે હવે સ્કુલમાં ફરીથી ક્યારેય ભણવા જવા નથી ઈચ્છતો. એણે જણાવ્યું કે એના શિક્ષક એની સામે બુમો પાડતા હતા. એની માતા જયારે એને સ્કૂલમાંથી લેવા માટે આવતી ત્યારે તે લગભગ રડવાનું શરુ કરી દેતો. હેરી ‘ઓટીઝમ’ (AUTISM)નો ભોગ બનેલો અને ૨૫ વિદ્યાર્થીઓના વર્ગમાં શિક્ષક પાસે તે બધા સાથે કામ કરવા માટે બહુ જ ઓછી રણનિતીઓ હતી એવું હેરીની માતાએ અનુભવ્યું.

આ વર્ષે સાત વર્ષનો હેરી નવી શાળામાં ભણી રહ્યો છે અને એ બહુ ખુશ છે. એની આ નવી સ્કુલમાં એક શિક્ષક દીઠ માત્ર સાત જ વિદ્યાર્થીઓ છે. એક વર્ગમાં જ નહીં, સમગ્ર શાળામાં માત્ર સાત જ છાત્રો છે.

અતિ અલ્પ સંખ્યામાં બાળકોને પ્રવેશ આપતી અને જેને ‘સુપર સ્મોલ’ (SUPER SMALL)કહી શકાય, તેવી શાળાઓ હવે ત્યાં લોકપ્રિય બની રહી છે.
પરંપરાગત શાળાઓમાં જ્યાં એક વર્ગની સંખ્યા ૨૫ -૩૦ની હોય તેના કરતા પણ ઘણી ઓછી સંખ્યામાં બાળકોને શિક્ષણ આપતી આવી ખાનગી ‘માઈક્રો સ્કુલ’ની સંખ્યા આજકાલ અમેરિકામાં ઉત્તરોત્તર વધી રહી છે.

કોવીડકાળ બાદ શિક્ષણની કથળતી સ્થિતિ અનુભવીને ઘણા વાલીઓએ પોતાના સંતાનોના શિક્ષણ અંગે પુનર્વિચાર કર્યો છે અને હવે એ બધા બિન-પરંપરાગત શિક્ષણ તરફ વળી રહ્યા છે.

અને રીપબ્લીકન સ્ટેટના કાનુન અધિકારીઓ અને અનુદાન કરનાર દાત્તાઓ, જેઓ લાંબા સમયથી પ્રાઇવેટ સ્કૂલોને સહાય કરતા આવ્યા છે, તેઓ પણ હવે માઈક્રો સ્કૂલને પ્રોત્સાહિત કરવા સમગ્ર અમેરિકા માટે દાનની કોથળી ખુલ્લી મૂકી રહ્યા છે.

તેઓ વાલીઓને જીલ્લાની શાળાઓ માંથી સંતાનોને ઉઠાડી લઈને ખાનગી શાળામાં મુકવા સહાય કરી રહ્યા છે,અને શાળાસંચાલકો પણ સાથે સાથે ઓછી ફી લેવા તૈયાર થયા છે.

હેરીએ જે પ્રોગ્રામ અનુસરેલો એ જ રીતે માઈક્રોસ્કૂલ સ્ટુડન્ટની રાજ્ય સાથે હોમસ્કૂલ સ્કૂલર તરીકે ‘નોંધણી’ થાય છે.

કિંગડમ સીડ ક્રિશ્ચિયન એકેડેમી આવી શાળાઓનું સંચાલન કરે છે, અને આવી એક વર્ગખંડ ધરાવતી શાળા કોઈના ઘરે , ચર્ચના બેઝમેન્ટમાં કે પછી સ્ટોરની સામેના ભાગમાં જોવા મળે છે. મોટાભાગે આ શાળાઓ ફૂલ ટાઈમ શિક્ષક /શિક્ષકો સાથે સપ્તાહમાં પાંચ જ દિવસ શૈક્ષણિક કાર્ય કરે છે. આવી શાળાઓનો એક નિશ્ચિત અભ્યાસક્રમ હોય છે , તેમજ અધિકૃત ટેસ્ટ સીસ્ટમ પણ હોય છે.

આવી શાળાઓ વિશેનો ડેટા બહુ જાણવા નથી મળતો , પરંતુ નેશનલ માઈક્રો સ્કૂલિંગ સેન્ટર ના એક ગ્રુપના સર્વે મુજબ સમગ્ર રાષ્ટ્રમાં આશરે ૯૫૦૦૦ માઇક્રોસ્કૂલ અને હોમ સ્કૂલિંગ પોડસ છે.

આ બધી શાળાઓમાં લગભગ એક મિલિયન કરતા પણ વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આવતા વર્ષોમાં આવી શાળાઓની સંખ્યા વધવાની સંભાવના વિશેષ છે કારણકે આઠેક જેટલા રાજ્યો એરિઝોના અને વર્જીનીયા સાથે જોડાઈ રહ્યા છે, જેમાં એ રાજ્યો આવી શાળાઓની ફી માટે સેવિંગ એકાઉન્ટમાં વાઉચર જમા કરાવશે.

એપ્રિલમાં જોર્જિયાએ પણ આવા બચતખાતાઓ ખોલવા માટેનો કાયદો ઘડયો છે. હાલ આશરે એક મિલિયન જેટલા બાળકો જનતાનાખર્ચે આવી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો – પ્રવચન : અંતર્મુખી જીવન

આપણે ત્યાં પણ ગલીએ ગલીએ બાળ મંદિરો ખુલી ગયા છે પરંતુ ફરક એટલો મોટો છે કે ત્યાં આવી શાળાના બાળકો માટે ડોનેશન મળી રહે છે જયારે આપણે ત્યાં તો ઉઘાડી લુંટ જ ચાલે છે. આપણા વાલીઓ ભવ્ય બિલ્ડીંગ અને ફર્નીચરથી પ્રભાવિત થઈને મો માંગી ફી આપી દેતા હોય છે.