હાલ પેરિસમાં ચાલતી ઓલિમ્પિક ગેમ્સમાં વિશ્વભરના 10,000 થી વધુ એથલેટ્સ વિવિધ રમતોમાં પોતાની તમામ ક્ષમતા સાથે મેડલ મેળવવા શ્રેષ્ઠ દેખાવ કરી રહ્યા છે. આ વખતે ઓલિમ્પિક્સમાં 329 ગોલ્ડ મેડલ્સ દાવ ઉપર છે. ઇતિહાસ પર નજર કરીએ તો 1896 માં એથેન્સમાં યોજાયેલી પ્રથમ આધુનિક ઓલિમ્પિકથી માંડી અત્યાર સુધીની 30 ઓલમ્પિક ગેમ્સમાં અંદાજે 36,600 મેડલ આપવામાં આવ્યા છે. આજે આપણે જાણીએ કે, ઓલિમ્પિક મેડલ કેવી રીતે બને છે?
અને મેડલ આપવાની પરંપરા કેવી રીતે શરૂ થઈ ?
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ઓલિમ્પિક મેડલ બનાવવા માટે કેટલાક નિયમો નક્કી કર્યા છે જેના આધારે યજમાન દેશ મેડલ બનાવે છે. ઓલિમ્પિકની શરૂઆતમાં વિજેતાઓને મેડલ આપવામાં આવતા ન હતા પરંતુ તેના બદલે તેમને જેતુનની ડાળખી અપાતી, જે પશ્ચિમી સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવે છે. ત્યાર પછી વર્ષ 1900 માં મેડલ આપવાની પરંપરા શરૂ થઈ પરંતુ તે માત્ર સિલ્વર અને બ્રોંઝના જ રહેતા. અમેરિકાના સેન્ટ લુઇસમાં 1904 ના ઓલિમ્પિકમાં સૌપ્રથમ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો હતો અને 1912 ની ઓલમ્પિક ગેમ સુધી ગોલ્ડ મેડલ બનાવવામાં 100% સોનાનો ઉપયોગ થતો હતો. પછીથી ગોલ્ડ મેડલ ચાંદીથી બનાવવાનું શરૂ થયું જેમાં માત્ર 6 ગ્રામ સોનું હોય છે. જ્યારે સિલ્વર મેડલ સંપૂર્ણપણે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તાંબા, જસત અને ટીન ધાતુઓથી બનેલા હોય છે. યજમાન દેશના આધારે ઓલિમ્પિક મેડલની ડિઝાઇન દર વખતે બદલાય છે, જોકે તેઓએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે જેમ કે, મેડલ ઓછામાં ઓછા 60 mm વ્યાસ અને ત્રણ mm જાડાઈના હોવા જોઈએ અને મેડલ પર રમતનું નામ લખેલું હોવું જરૂરી છે. મેડલની ડિઝાઇનમાં કોઈપણ ફેરફાર કરવા માટે યજમાન દેશને IOC પાસેથી પરવાનગી લેવી પડે છે.
આ વખતના મેડલનું વજન 530 ગ્રામ છે. જો મેડલ પહેલાંની જેમ સોનાનો બનેલો હોત તો એની કિંમત 35 લાખ રૂપિયા હોત. પરંતુ આ વખતના મેડલની વિશેષતા એ છે કે, દરેક મેડલમાં એફિલ ટાવરમાંથી 18 ગ્રામ લોખંડનો ઉપયોગ કરાયો છે. એવું પ્રથમ વખત બન્યું છે જ્યારે કોઈ યજમાન દેશે રાષ્ટ્રીય સ્મારકના ટુકડાને ચંદ્રકોમાં સામેલ કર્યા છે.
પેરિસમાં આપવામાં આવનાર ગોલ્ડ મેડલની કિંમત લગભગ 80,000, સિલ્વર મેડલ ની કિંમત લગભગ 45000 રૂપિયા અને બ્રોન્ઝ મેડલ ની કિંમત લગભગ 1000 રૂપિયા છે.
chqeiHAQtdg