CATEGORIES

December 2024
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
Sunday, December 22   6:10:31

નવા ભારતની રણ નીતિ :

18-09-2023

એકાદ વર્ષ પહેલા અંગ્રેજીમાં આ પુસ્તક વાંચવાનું શરુ કર્યું ત્યારે પ્રથમ બે પ્રકરણ વાંચતા વાંચતા થાકી ગયેલો. લેખક સુબ્રમણ્યમ જય શંકરની અંગ્રેજી ભાષા જરાક અઘરી લાગી. એક તો વિષય પણ જરાક અજાણ્યો,અને ટેકનીકલ શબ્દોનો પણ એટલો જ જમેલો, એટલે બે ત્રણપ્રકરણ માંડ માંડ પુરા કરીને એ કોપી પછી એક મિત્રને જ મેં આપી દીધેલી.
તેમ છતાં એ પુસ્તક પ્રત્યેનું મારું આકર્ષણ બરકરાર જ રહેલું. સદ્દ ભાગ્યે, આ પુસ્તકના આધારે ભારતની ભાવિ રાજનીતિ-રણનીતિ અંગે થોડુક સહ ચિંતન કરવાની તક મને પુસ્તકની ગુજરાતી આવૃત્તિ દવારા મળી એનો આનંદ ! સર્વ દિશાએથી પોંખાયેલા આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ થાય એને પણ હું એક રૂડી ઘટના માનું છું. પ્રિય મિત્ર રાજ ગોસ્વામીએ અનુવાદ કરવામાં પ્રાણ રેડી દીધો છે, એ નક્કી! અનુવાદ કરવાનું કામ ખુબ અઘરું છે, પરંતુ, રાજ ગોસ્વામીએ પ્રમાણમાં કઠીન પુસ્તકને રસાળ શૈલીમાં અનુવાદિત કરીને મારા જેવા અનેક વાચકો માટે સરળ કામ કરી આપ્યું છે. રાજ ગોસ્વામીને હાર્દિક અભિનંદન!


ઉર્દુ અને હિન્દી શબ્દોનો ગુજરાતીમાં યોગ્ય ઉપયોગ કરવામાં રાજની જબ્બર હથરોટી છે, અને આ પુસ્તકમાં પણ એ તરત જ નજરે ચડે છે. આ પુસ્તક ગુજરાતીમાં શા માટે ? એનો પ્રલંબ અને સુયોગ્ય પ્રત્યુત્તર આપતા અનુવાદક લખે છે કે
“ આપણે જેને આજે વિદેશ નીતિ કહીએ છીએ , તે એક જમાનામાં કાચા સ્વરૂપમાં વ્યાપાર નીતિ હતી , અને એમાં ગુજરાતનો નોંધપાત્ર હિસ્સો હતો. સમગ્ર ઇતિહાસ દરમિયાન , દુનિયાના તમામ દેશોએ હંમેશા પોતાના આર્થિક હિતોને સાધવા માટે અને વિસ્તારવા માટે વિદેશી સંબંધો વિકસાવ્યા છે. ગ્લોબલાઇઝેશનનો પાયો જ આર્થિક વિકાસ રહ્યો છે. આજે પણ એવું કહેવાય છે કે વ્યાપાર નીતિ એ જ વિદેશ નીતિ છે. આ પુસ્તક , ગ્લોબલાઇઝેશન પછીની દુનિયામાં આપણા આર્થીક અને રાજકીય સંબંધો કેવા હશે તેની ઝાંખી આપે છે. ઇતિહાસમાં એક સાહસિક વ્યાપારી તરીકે ગુજરાતીઓ જયારે અગ્રણી રહ્યા છે , ત્યારે ૨૧ મી સદીમાં એક સત્તા તરીકે વિશ્વમાં ભારતનું ભાવિ કેવું હશે અને તેની વિદેશ નીતિનો ચહેરો કેવો હશે , તે જાણવા માટે આ પુસ્તક તમને ચોક્કસ મદદરૂપ બનશે” નવ પ્રકરણોમાં આલેખિત આ પુસ્તકના પ્રત્યેક પ્રકરણોના પ્રારંભમાં મુકેલા અવતરણો પણ મને સ્પર્શી ગયા છે.
રશિયા આજે નબળું પડી રહ્યું છે, તેમ છતાં વર્ષો પુરાણા ઇન્ડો રૂસ સંબંધોને ધ્યાનમાં લઈને આપણે આર્થિક સમૃદ્ધિ વાળા અન્ય રાષ્ટ્રો પ્રત્યે વ્યાપારિક અને રાજકીય સંબંધોને કેવી રીતે આગળ વધારી શકીએ એ પણ એક અત્યારે વર્તમાન સરકાર માટે મુદ્દો છે. રશિયા યુક્રેન યુદ્ધ પ્રશ્ને ભારતની મધ્યસ્થી તરીકેની ભૂમિકા અંગે પણ ક્યાંક શંકા –કુશંકા સેવાઈ રહી છે. ચીન સાથેના પ્રશ્નો અંગે પણ અનેક ચર્ચા –ચિંતન ચાલી રહ્યું છે. આ બધા જ પ્રશ્નોના જવાબ આ પુસ્તક આપે છે. પુસ્તક હું બીજી વાર વાંચવાનો છું, કારણકે પ્રત્યેક પ્રકરણ દીર્ઘ ચિંતન માંગી લે તેમ છે. પુસ્તકના લેખક વિષે તો શું કહેવાનું હોય ? એ કોઈ પરિચયના મોહતાજ જ નથી. સુબ્રમણ્યમ જય શંકર પણ અભિનંદનના પ્રથમ અધિકારી છે. પ્રકરણ ત્રીજું ( શ્રી કૃષ્ણનો વિકલ્પ : એક ઉભરતી તાકાતની કુટનીતિક સંસ્કૃતિ) મને ખુબ ગમી ગયું ! પ્રકરણ ની શરૂઆતમાં જ ગોથેનું એક ખુબ જજાણીતું વિધાન લખીને મારી પોસ્ટ પૂરી કરું.
જે દેશ તેના અતીતનું સન્માન નથી કરતો , તેનું કોઈ ભવિષ્ય નથી હોતું” ભારત સામે આજે વિશ્વ એક આશાભરી દ્રષ્ટિ કેમ રાખી રહ્યું છે, એના ઉત્તરો અહીં , આ પુસ્તકમાં મળી રહે છે.
પ્રકાશક ; આર આર શેઠ , અમદાવાદ .કિંમત : રૂપિયા ૨૭૫