મુંબઈના બાયકલ્લામાં નાનકડા ઘરમાં મોઈને જયારે પહેલી વાર ‘હીરા મંડી’ ટર્મ સાંભળી ત્યારે તે માત્ર સાત જ વર્ષનો હતો. એ સમયે 60 ના દસકમાં બાયકલ્લા એક સાંસ્કૃતિક અને ઔદ્યોગિક કેન્દ્ર હતું.
દેશના વિભાજનપછી લાહોરથી મુંબઈ શિફ્ટ થયેલા એના માતપિતા એ સમયે મુંબઈના ભદ્રલોક માટે ગઝલો અને શાયરીની મહેફીલો ગોઠવતાં.
મોઈન બેગ હજુ આજે પણ એ જ ઘરમાં રહે છે. બાળપણમાં એના ઘરે યોજાતા મુશાયરાઓ અને નૃત્યોની યાદ એના દિલો દિમાગમાં આજે પણ એટલી જ તાજી છે.
એ મુશાયરાઓમાં નિયમિત આવનાર કેટલીક જાણીતી હસ્તીઓમાં એક્ટર અને સિંગર સુરૈયા અને જેને ‘મલ્લિકા-એ ગઝલ’કહેવામાં આવતી એ નુરજહાં પણ હતી. મહાન ગાયિકા જદ્દનબાઈની પુત્રી નરગીસ પણ એ મહેફિલનો હિસ્સો બનતી. એ સમયે પણ નરગીસના સૌન્દર્ય અનેશાયરી – સ્વરની બોલબાલા હતી. અને કસુર –પતિયાલા ઘરાનાના મહશુર ગાયક બડે ગુલામ અલીખાંસાહેબ પણ ત્યાં હાજરી આપતા.
યૌવનના ઉમરે ઉભેલી અને તત્કાલીન સમાજને નૃત્ય અને ગાયનથી મંત્રમુગ્ધ કરવા આતુર અનેક નવયૌવનાઓથી મોઈનનું ઘર ભરાઈ જતું.
જયારે જયારે એમાંની કેટલીક પાછું ફરીને દરબાર સામે મધુર હાસ્ય વેરતી ત્યારે કેટલાક વડીલો કાનો કાન મજાક –મશ્કરીમાં કહેતા “ અરે આ બધી તો હીરામંડીની કન્જરીઓ છે”.
કંજન એટલે કંજન જાતિમાંથી આવેલી સ્ત્રીઓ. મોટેભાગે હસ્તકલાનાકારીગરો અને લોકરંજનકારો માટે પ્રયોજાતી આ ‘ટર્મ’(કંજરી) ક્યારેક છૂટથી રૂપજીવિનીઓ માટે પણ પ્રયોજાતી હતી.
“આ સ્ત્રીઓ વિષે મને હંમેશા જીજ્ઞાષા રહેતી. આ બધી મહિલાઓ માત્ર સૌંદર્યવાન જ નહોતી પરંતુ, અત્યંત પ્રતિભાશાળી સ્ત્રીઓ હતી અને તેઓ સિદ્ધહસ્ત ગાયિકાઓ,નર્તકીઓ અને કવયિત્રીઓ હતી. હું મારી માતાને પૂછતો, હીરામંડી શું છે? કંજરી કોને કહેવાય? અને મને તરત જ મારું મોં બંધ રાખવાનો ઈશારો મળતો!” પૂર્વ ફિલ્મ જર્નાલીસ્ટ જણાવે છે.
મોઈન બેગનું આ આકર્ષણ કહો કે લગની – આ પેશન એને સત્ય શોધન એક્સ્પીડીશન તરફ દોરી ગઈ. કિલ્લાબંધ લાહોર શહેરની વચોવચ આવેલ એના પારિવારિક ઘરની મુલાકાત લેવાની એને એક વાર તક મળી ગઈ. પરિવારનો એ પાકિસ્તાન પ્રવાસ હતો. સોનેરી ભૂતકાળની સ્મૃતિઓ હવે ભેંકાર –ભુતાવળા ખંડહરો બનીને અટ્ટહાસ્ય કરી રહી હતી પરંતુ એ ખંડહરો જ એને કામ લાગ્યા!
મોઈનની શોધ અને સંશોધન આખરે પરાકાષ્ઠાએ પહોંચીને એક વેબ સીરીઝ રૂપે અવતરી, એ વેબસીરીઝ એટલે થોડીક કલ્પના અને થોડાક ઈતિહાસથી ભરપુર
Heeramandi :The Diamond Bazaar!
ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિમાં વહેલી તવાયફોની ત્રણ પેઢીની દાસ્તાન એટલે સંજય લીલા ભણશાળીની આ વેબ સીરીઝ.
લાહોરની હીરામંડીમાં સેટ થયેલ એક સમયે નૃત્ય –સંગીતની મહેફીલોથી શોભી ઉઠતી આ હીરામંડી અને એનો શાહી મહોલો હવે રેડ લાઈટ ડીસ્ટ્રીક તરીકે સાવ નિશ્ચેતન,નિષ્ક્રિય, સુમસામ વિસ્તાર બની ચુક્યો છે.
બસ, આ સ્ક્રીનપ્લેથી વેબ સીરીઝ ઉઘડે છે.
આર્થીક રીતે પગભર અને સામાજિક રીતે સન્માનનીય એવી તવાયફો સંગીત, નૃત્યકલા,રાજકારણ,વાતચીત કરવાની કલા( પ્રત્યાયન) અને પ્રલોભન કલાને સમર્પિત હતી.
મોગલો દવારા પ્રસ્થાપિત આ વિસ્તાર( શાહી મહોલ્લો) મૂળ તો દરબારીઓની વસાહત હતી. ત્યારબાદ સમયાંતરે મહેલની ઘણી તવાયફોએ પણ આ વિસ્તારને પોતાનું નિવાસસ્થાન બનાવી દીધું.
લાહોરની એક શાન -એ -શૌકત શાહી મસ્ઝીદની સામે જ આ બધી તવાયફોના નિવાસો બની ચુક્યા હતા.
‘હીરામંડી’ નામ અઢારમી સદીમાં આવ્યું.
લાહોરના વઝીરેઆઝમ (PM)હીરાસિંગ ડોગરા એ અહીં દાણા પીઠની શરુઆત કરેલી પછી આ નામ( હીરામંડી) વધુ જાણીતું બન્યું. વડોદરામાં આવેલી એક શાક માર્કેટ આજે પણ ખંડેરાવ માર્કેટ તરીકે જ જાણીતી છે.)
હીરામંડી ટર્મ પછી તો કોઠામાંથી આવેલી મહિલાઓ માટેના બીલ માટે પણ લાગુ પડી ગઈ ! વર્ષો સુધી નવાબો અને રાજાઓના સંતાનો આ મહિલાઓ પાસે આદાબ એટલે કે શિષ્ટાચારના પાઠ પાઠ શીખવા આવતા. નફાસત એટલે કે સંસ્કારિતા શીખવા આવતા. ટૂંકમાં જીવન જીવવાની કલા શીખવવા માટે આ મહિલાઓ સુવિખ્યાત હતી.
નેટ ફ્લીક્સ પર હવે પ્રસ્તુત આ વેબ સીરીઝમાં ફરીદા જલાલ (કદીશા બેગમ)આવો જ એક શિક્ષક નો રોલ કરે છે.
જે ઝમાનામાં મહિલાઓ પરદાનશીન હતી એ ઝમાનામાં આ બેગમો ભાવિ પેઢીને તેહઝીબ શીખવતી અને વ્યક્તિવ વિકાસના વર્ગો ચલાવતી.
૬૬ વર્ષીય મોઈન બેગ જણાવે છે કે “મારા પરિવારના બંને પક્ષ મોગલકુળના છે. મારા દાદા અને મારા પિતાજી જેઓ સ્વયં એક કવિ હતા તે તવાયફો પાસે જતાં કારણકે તેઓની પાસે જ કહાનીઓની પ્રલંબ શ્રુંખલા હતી”.
તેના પિતાજી હકીમ મિર્ઝા હૈદર એક સમયે ઓલ ઇન્ડિયા હકીમ એસોશિયેશન ના પ્રમુખ હતા. તત્કાલીન પ્રધાન મંત્રી શ્રી જવાહરલાલ નેહરુએ એમને અહીં પોતાનું ઘર સેટ કરવા કહેલું, પરંતુ પરિવારજનો અવાર નવાર પોતાના પરિવાર –સગા વહાલાઓને મળવા પાકિસ્તાન આવ-જા કરતા રહેતા.
એંશીના દસકમાં પાકિસ્તાનની એક મુલાકાત વખતે મોઈન બેગની માતાએ એક જુવાન ફેમીલી ફ્રેન્ડને થોડીક આર્થિક મદદ કરવાનું કહ્યું કારણકે એ મહિલાએ પોતાનો પતિ ગુમાવેલો. એ મહિલા હીરામંડીની સીમા નજીક તવાયફોના સંતાનોને ભણાવતી હતી. એ મહિલાએ મોઈન બેગને કેટલીક તવાયફો સાથે મુલાકાત કરાવી આપી. આ બધી તવાયફો પાસેથી મોઈન બેગે જૂની વાતો સાંભળી. વિશ્વના સૌથી જુના આ વ્યવસાય માંથી તેઓને અપમાનજનક રીતે કઈ રીતે હટાવી દેવામાં આવતી, તવાયફો પર સરકારી દમન કેવું હતું એ વિષે મોઈને જાણ્યું. વળી, દેશની આઝાદીની લડતમાં પણ આ મહિલાઓનું કેવું પ્રદાન હતું એ વિષે પણ મોઈનભાઈએ જાણવાની કોશિશ કરી. આ બધી શોધ ખોળોના ફળસ્વરૂપ બે દાયકા પહેલા તૈયાર થયો પચ્ચીસ પાનનો એક ડ્રાફ્ટ ! આ ડ્રાફ્ટ વિષે એણે એના એક મિત્ર –એક્ટર આદિત્ય પંચોલીને વાત કરેલ. યોગાનુયોગ આદિત્ય સંજય ભણશાળીનો પડોશી પણ હતો. એક દિવસે સંજયનો મોઈન પર ફોન આવે છે, બંનેની મુલાકાત થાય છે, મોઈન એની સમક્ષ આ આખીયે સ્ક્રીપ્ટ વાંચી સંભળાવે છે.
દેશના આઝાદીના જંગનો એક નાનકડો હિસ્સો બની ચુકેલી , કૌશલ્યવાન પરંતુ આપણી સામુહિક ચેતનામાંથી વિસરાઈ ચુકેલી અને મુખ્યત્વે દેહવ્યાપાર દ્વારા રૂપજીવિની તરીકે જનમાનસમાં સ્થાપિત થઇ ચુકેલી આવી અદભુત મહિલાઓને શોધવામાં ફિલ્મ મેકર સંજયને જીજ્ઞાસા થઇ.
પરંતુ મોઈન બેગને લાંબી પ્રતીક્ષા કરવી પડી કારણકે સંજય ભણશાળી બીજા પ્રોજેક્ટમાં અતિ વ્યસ્ત હતા.
મોઈન કહે છે કે “ પરંતુ, અમારો સંવાદ અવિરત રહ્યો. વાતચીતનો દૌર ચાલતો જ રહ્યો. પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને એ વારંવાર વાર્તા તરફ પાછો આવતો જ રહ્યો.”
ગયા સપ્તાહે , આ વેબસીરીઝના પ્રીમિયર સમયે રેખાએ મોઈનને શાબાશીના બે શબ્દો સાથે કહ્યું કે “ ગુઝરા હુઆ ઝમાના યાદ દિલા દિયા”
ધીરજ, ખંત અને પ્રતિભાનું એક ગમતીલું નામ એટલે સંજય લીલા ભણશાળી !
સંજયને ‘હમ દિલ દે ચુકે સનમ’નું કથા બીજ ક્યાંથી મેલેલું એની આખી કહાની મેં આદરણીય પત્રકાર દિવ્યાશા બેન દોશીના એક ઈન્ટરવ્યુંના સંદર્ભ સાથે અહીં ફેસબુક પર પોસ્ટ કરેલી એ ઘણાને યાદ જ હશે. આજે આ વેબસીરીઝના લેખક વિષે. And Yes, આપના પ્રતિભાવો માટે ઉત્સુક !
More Stories
સુરત-બેંગકોક ફ્લાઇટના મજેદાર સમાચારથી એરલાઇન ફૂડના સુવર્ણ યુગની યાદ તાજી
એક હતો બગલો ……..
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…