આજવા કે વઢવાણા કાંઠાની કાદવિયા જમીનમાં ચેર નો ઉછેર શક્ય છે ખરો???
ચેર એટલે કે દરિયાકાંઠાની સંરક્ષક વનસ્પતિ જે ઝાડીના સ્વરૂપમાં ઉછરે છે. છીછરા ખારા – મીઠા પાણીમાં ઉછરતી ચેરની ઝાડીઓ અંદાજે ૧ લાખ જેટલી જીવ અને વનસ્પતિ પ્રજાતિઓનું રહેઠાણ છે. ચેર મુખ્યત્વે દરિયાના જળ પ્લાવિત ભૂભાગ માં ઉછરે છે અને માનવ આરોગ્ય અને આ વનસ્પતિ,આ પ્રદેશોને ગાઢ આંતર સંબંધ છે. ખારા – મીઠા પાણીમાં ઉછરતા ચેરના જંગલોને tidal forest એટલે કે ભરતી ઓટના જંગલો તરીકે પણ ઓળખવામાં આવે છે અને દરિયાકાંઠાને ધોવાણ અટકાવી સુરક્ષિત રાખવા માટે આ ઝાડીઓ ઢાલનું કામ કરે છે.એટલે પર્યાવરણ અને ભૂમિ સંરક્ષણમાં એની ખૂબ અગત્યતા છે.
જો કે શહેરીજનો એ ભાગ્યે જ ચેરની ઝાડીઓ જોઈ હશે. આંદામાનમાં ચૂનાના પત્થરોની ગુફાઓમાં કુદરતી શિલ્પો રચાયા છે. એ જગ્યાએ જતી વખતે ચેરની ગીચ ઝાડીઓ વચ્ચે હોડીનો પ્રવાસ યાદગાર બને છે.અને ઓરિસ્સામાં દરિયા કાંઠે આવેલા કોણાર્ક સૂર્ય મંદિર જવાના રસ્તે ચેર અને કાજુ વૃક્ષોના હરિયાળા જંગલો એકબીજામાં ભળી ગયા છે.
મધ્ય ગુજરાતના કે ગીર જેવા જંગલોમાં સાગ,મહુડો,બહેડો, કલમ જેવા ઇમારતી કે બળતણ ઉપયોગી,ગૌણ વન પેદાશો આપતાં અનેક પ્રકારના વૃક્ષો ઊગે છે.
જ્યારે દરિયા કાંઠાની મુખ્યત્વે છાજલી વાળી,ખારા પાણી અને દલ દલ ધરાવતી જમીનમાં એક માત્ર મેંગ્રૌવ એટલે કે ચેર નામની વનસ્પતિ પ્રજાતિ ઉછરી શકે છે.
ગુજરાત ખૂબ લાંબો દરિયા કિનારો ધરાવે છે અને આ ચેરના જંગલો દરિયા કાંઠાના રક્ષણમાં ઢાલ કે કવચનું કામ કરે છે.તે દરિયાઈ જીવ સૃષ્ટિ અને યાયાવર પક્ષીઓ માટે ઘોડિયાઘરનું કામ કરે છે અને દરિયા ના તોફાની મોજાથી થતું કાંઠાનું ધોવાણ અટકાવે છે.સુનામી કે દરિયાઈ આફતો સામે રક્ષણ દીવાલની ગરજ સારે છે.
એટલે દરિયા કાંઠા અને સજીવ સૃષ્ટિના રક્ષણ માટે ખૂબ અગત્યના ચેરના જંગલોની સુરક્ષાની જાગૃતિ કેળવવા,તેમાં લોક સહયોગ જોડવા અને લોકોને તેની અગત્યતા અને અમુલ્યતા સમજાવવા દર વર્ષે ૨૬ મી જુલાઇના રોજ ઇન્ટરનેશનલ ડે ફોર ધી કંઝરવેસન ઓફ ધી મેન્ગ્રૌવ ઇકો સિસ્ટમ એટલે કે વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવે છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનો દ્વારા યુનેસ્કોના માધ્યમથી ૨૬ મી જુલાઇના રોજ તેની ઉજવણી ૨૦૧૬ થી કરવામાં આવી રહી છે.આ વર્ષે આજ શુક્રવાર તા.૨૬ મી જુલાઈના રોજ નવમો( કદાચ આઠમો) વિશ્વ ચેર સંરક્ષણ દિવસ ઉજવવામાં આવ્યો.૨૦૨૩ માં એક દિવસની ઉજવણી ‘ mangroves – ચેર ની આત્મ નિર્ભર પરિસર તંત્ર( eco system) તરીકે અગત્યતા અને તેના સંરક્ષણની જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવાની જરૂર ‘ ના વિષય વસ્તુને હાર્દમાં રાખીને થઈ હતી.
ચેરના જંગલો દેખાવમાં ભવ્ય હોય છે અને દરિયા કાંઠાને લીલી આભા આપે છે.વિશ્વના કુલ જંગલોના માત્ર ૦.૪ ટકા વિસ્તારમાં આવેલા, દરિયા કાંઠાના આ સંરક્ષક જંગલો જળ વાયુ પરિવર્તન અટકાવવામાં ખૂબ ઉપયોગી છે એવો નિષ્ણાતોનો મત છે.
ભારતમાં ચેરના જંગલોમાં પશ્ચિમ બંગાળ મોખરે છે.એનું સુંદરવન ૧૦ હજાર ચો .કી.માં ફેલાયેલો વિશ્વનો સૌ થી મોટો ચેર પ્રદેશ છે.પશ્ચિમ બંગાળ ભારતના ૪૩ ટકાથી વધુ ચેર જંગલો ધરાવે છે અને તેમાં ગુજરાત બીજા ક્રમે ૨૪ ટકા જેટલા ચેર ના ખાડી જંગલો ધરાવે છે.રાજ્યના વનવિભાગ અને ગુજરાત ઇકોલોજી કમિશન જેવી સંસ્થાઓએ દરિયા કાંઠાની જમીનોમાં ચેર ઉછેર અને સુરક્ષા હાથ ધરી છે.
ચિંતાની વાત એ છે કે માનવ (કુ) પ્રવૃત્તિઓને લીધે વિશ્વના જમીન પરના જંગલોની સરખામણીમાં ચેર ના ખાડી જંગલો ૩ થી ૫ ગણી વધુ ઝડપે નાશ પામી રહ્યા છે.સદીઓ અગાઉની ચેર સંપદા પૈકી ૬૭ ટકાનું નિકંદન નીકળી ગયું છે અથવા પાંખી અને નબળી થઈ ગઈ છે.એટલે દરિયા કાંઠો અને ચેર ની ઝાડીઓ ધરાવતા વિશ્વના તમામ દેશોમાં ચેરનું રક્ષણ જરૂરી છે
ભારત સરકારના ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દર બે વર્ષે ચેરના જંગલોના ઉછેરમાં મળેલી સફળતાનું આકલન કરવામાં આવે છે.અને તેમાં ગુજરાતમાં સારો વિકાસ થયો છે એવી નોંધ લેવાઈ છે.રાજ્યનો વન વિભાગ તેને લગતી બુકલેટ પણ પ્રકાશિત કરે છે એવી જાણકારી અગાઉ મળી હતી.અત્યારે આ પ્રથા ચાલુ છે કે નહિ એની ખબર નથી.
દરિયા કાંઠાના પાણીમાં ઓટલા બેડ બનાવીને ચેર ઉછેરવામાં આવે છે.આ ઉછરેલા ચેરના બીજ ઓટના જળ પ્રવાહની સાથે દરિયામાં જાય છે.એટલે દરિયા તરફ નવા વૃક્ષો આપો આપ ઊગે છે અને વધે છે.એવો અંદાજ છે કે દર વર્ષે ૫ થી ૭ ટકા રિજનરેસન થાય છે.એટલે ચેરના વાવેતર,ઉછેર અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપથી વિકસે છે.
ચેરના જંગલો અને તેને આધારિત ઇકો સિસ્ટમ અદભૂત,ભવ્ય,વિશેષ અને થોડા નુકશાનથી જોખમમાં મુકાય તેવી નાજુક છે.ભારતમાં પશ્ચિમ બંગાળ પછી ગુજરાત આ ચેર જંગલોની સારી એવી સંપદા ધરાવે છે.ગુજરાતમાં કચ્છમાં તે સહુથી વધુ પ્રમાણમાં છે.સુરતના કાંઠે એવિસેના મરીના અને સંલગ્ન પ્રજાતિઓ જોવા મળે છે.
દરિયા કાંઠા માટે આ વનસ્પતિ સુરક્ષા કવચનું કામ કરે છે.ધરતી પરના જંગલો જેટલા જ અગત્યના આ દરિયાઈ જંગલો છે જેની સાચવણી ખૂબ જરૂરી છે.
(વન વિભાગ અને વિવિધ સ્ત્રોતોની મદદથી સંપાદિત)
વિચાર:
વડોદરાની પરબ જેવા આજવા સરોવરની આસપાસ અને વઢવાણા તળાવની આસપાસ દલદલી જમીનમાં ચેરનો ઉછેર થઈ શકે ખરો,કરવામાં આવે તો કેટલો ઉપયોગી ? એનો વિચાર અને અભ્યાસ વનસ્પતિવિદો કરે અને જણાવે તો એક નવી દિશા મળી શકે…
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર