CATEGORIES

March 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
Monday, March 3   2:06:22
Ghuto

જાજરમાન જામનગરી વાનગી – ઘુટો

જામનગરમાં રહો છો અને તમે ઘુટો નથી ખાધો? માફ કરજો, તો તમે જામનગરી નથી.
તેલ, મરચું, હળદર, ધાણાજીરું કે એક પણ સૂકા મસાલા વગરની , વઘાર કર્યા વગરની ચટાકેદાર વાનગી એટલે ઘુટો.
એના ingredients ના નામ લખવા બેસીએ તો આ પોસ્ટ બહુ લાંબી થઈ જાય એટલે ટૂકમાં કહેવું હોય તો કારેલાં, ભીંડા અને મેથીની ભાજી સિવાયના તમામ શાક અને ભાજી, તમામ લીલા કઠોળ, ચણાની અને મગની દાળને બાફીને – ઘુંટી ઘુંટીને એકરસ બનાવેલ થીક સુપ એટલે ઘુટો.
એમાં તીખાશ લીલાં મરચાં, આદુ અને લીલી ડુંગળીની હોય. ઈચ્છા હોય તો ગળપણ સફરજન, દ્રાક્ષ, દાડમ, ચીકુ કે કેળાં જેવાં ફ્રુટસનું હોય.
શાક, ભાજી, કઠોળ, દાળ કે ફળોમાં સ્વાદ અનુસાર ફેરફાર કરવાની છૂટ ! આ 35 થી 50 જેટલા ingredients ને બાફીને ઘુંટીને બનાવેલો ઘુટો આમ તો એકલો જ ખાવા (પીવા)ની મઝા છે , પણ મૂળભૂત રીતે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની આ વાનગીનું હવે શહેરીકરણ થતું જાય છે એટલે એના પર સેવ ભભરાવીને પીરસાય છે. સાથે રોટલો, માખણ, બ્રેડ, લીલી ડુંગળી, લસણની ચટણી, સલાડ, દહીં, છાસ, પાપડ અને ગુલાબજાંબુ સાથે પીરસાય છે.
આ વાનગીની મુશ્કેલી એ છે કે 5 -10 લોકોના પરિવાર માટે એ ઘરે બનાવી શકાતી નથી, એમાં શાક જ એટલા પ્રકારનું પડે કે બધું એક એક નંગ નાખીએ તો પણ મીનીમમ 20 -25 લોકોનો ઘુટો બને. એટલે શિયાળામાં જ્યારે બધાં લીલાં શાકભાજી મળતાં હોય ત્યારે ગુલાબી ઠંડીમાં કોઈ મિત્રના આમંત્રણથી વાડીએ જઈને ખાઈએ ત્યારે જ ઘુટાનો સ્વાદ આવે .
હવે તો જામનગર, રાજકોટ સહિત ઘણી જગ્યાએ બહાર પણ વેચાતો મળવા લાગ્યો છે પણ, વાડીના ઘુટાની તોલે એ કદી ન આવે.