CATEGORIES

May 2025
M T W T F S S
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
Friday, May 9   5:06:42
Luvjibhai Parmar

700 વર્ષ જૂની ‘ટાંગલિયા કળા’ માટે લવજીભાઈ પરમારને પદ્મશ્રી સન્માન – જાણો આ અનોખી હસ્તકલા વિશે!

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ ધુરા સંભાળ્યા પછી પદ્મ એવોર્ડ્સ પણ યોગ્ય સન્માનિતો સુધી પહોંચતા થયા છે એ વાત તો વિરોધીઓએ પણ સ્વીકારવી પડશે. તાજેતરમાં જે એવોર્ડ્સ જાહેર થયા -તેમાં પદ્મશ્રી તરીકે ગુજરાતના લવજીભાઈ પરમારને પણ સન્માનિત કરાયા છે. હસ્તકલામાં એમનાં નોંધપાત્ર યોગદાન બદલ એમની પસંદગી થઈ છે એ સૌ જાણે છે પરંતુ જે હસ્તકલા માટે એમનું સન્માન થયું એવી ‘ટાંગલિયા કળા’ વિશે જાણવું રસપ્રદ રહેશે.

ટાંગલિયા એ 700 વર્ષ જૂની પરંપરાગત હાથ વણાટની ટેકનીક છે જે સુરેન્દ્રનગરની ડાંગસિયા જ્ઞાતિ દ્વારા વિકસાવવામાં આવી છે. આ વણાટને દાણા વણાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વણાટના આ પ્રકાર માટે ખૂબ કુશળતા ઉપરાંત ચોકસાઈ માટે તેજ દ્રષ્ટિની જરૂર હોય છે.

ટાંગલિયા શબ્દ ગુજરાતી શબ્દ ‘ટાંગલિયો’ પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે “નીચલું શરીર”,ખાસ કરીને ભરવાડ સમુદાયની મહિલાઓના કમર પર પહેરવાના વસ્ત્રો તરીકે પરંપરાગત રીતે આ પ્રકારના વણાયેલા કાપડનો ઉપયોગ થતો. વણાટ માટે મૂળ કાચો માલ ઘેટાનું ઊન હતો, પરંતુ હવે મેરિનો ઊન અને સિલ્ક તેમજ એક્રેલિક, વિસ્કોઝ અને કોટન જેવી ઓછી ખર્ચાળ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

આ હસ્તકલાનો કોઈ દસ્તાવેજી ઈતિહાસ નથી પણ સ્થાનિક દંતકથા કહે છે કે, તેના મૂળ સાતસો વર્ષ જુનાં છે. સૌથી વધુ લોકપ્રિય દંતકથા મુજબ ભરવાડનો એક છોકરો વણકરની દીકરી સાથે પ્રેમમાં પડ્યો હતો. એ સમયે લગ્ન માન્ય ન હોવા છતાં બંનેએ લગ્ન કર્યા તેથી તેમને ગામમાંથી હાંકી કાઢવામાં આવ્યાં. આજીવિકાના સાધનના અભાવે દુર્દશામાં જીવતાં દંપતિને છોકરાના માતા-પિતાએ ભરવાડ સમુદાય માટે શાલ વણવાની શરતે અનાજ અને ઘેટાં આપ્યા.
આ રીતે દંપતિએ સપાટી પર અનાજ જેવી ગાંઠો સાથે કાપડ બનાવવાનું શરૂ કર્યું, અને દાના ટેકનીકનો જન્મ થયો. તેને અનુગામી પેઢીઓએ ચાલુ રાખી ડાંગસીયા જ્ઞાતિની રચના કરી અને આ વણાટનો પ્રકાર અને ઉત્પાદિત કાપડ બંને ટાંગલિયા તરીકે ઓળખાવા લાગ્યાં.

ટાંગલિયા કે દાણાની ડિઝાઇન ભૌમિતિક આકારોમાં રજૂ કરવામાં આવે છે અને તેમાં લાડવા, મોર, મોર પગ, ચકલો, ખજુરી, આંબો અને નૌઘરા (નવું ઘર)નો સમાવેશ થાય છે. ટાંગલિયા વણાટના મુખ્ય ચાર પ્રકાર છે – રામરાજ, ચરમાલિયા, ધુંસલુ અને લોબડી. •રામરાજમાં આડી મરૂન રેખાઓ સાથે કાળા બેક ગ્રાઉંડમાં તેજસ્વી રંગોમાં અને સફેદ રંગમાં ભારે દાના વર્કનો સમાવેશ થાય છે. આવા વણાટમાં બોર્ડર ક્યારેક ઝરી વર્કથી શણગારવામાં આવે છે. •ચરમાલિયામાં મોટેભાગે સફેદ અને કેટલાક મરૂન દાણા હોય છે. •ધુંસલુ ડિઝાઇન સામાન્ય રીતે વૃદ્ધ મહિલાઓ દ્વારા પહેરવામાં આવતા ટાંગલિયા પર કરવામાં આવે છે જેમાં કાળા બેક ગ્રાઉંડમાં સફેદ અથવા મરૂન રંગમાં પ્રમાણમાં છૂટાછવાયા દાણા વર્ક હોય છે. •લોબડી ટાંગલિયા શૈલી, જેનો ઉપયોગ માથું ઢાંકવા માટે થાય છે, તે મરૂન બેક ગ્રાઉંડ પર સફેદ દાના વર્ક દ્વારા બને છે.

ટાંગલિયાની કારીગરી વર્ષોથી એક્સપોઝર, માન્યતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવને કારણે મૃતપ્રાય થઈ રહી હતી. 2007માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ટેક્નોલોજી (NIFT), ગાંધીનગરે ટાંગલિયા હસ્તકલા એસોસિએશન (THA) ની સ્થાપના સાથે હસ્તકલાના પુનરુત્થાન અને જાળવણીની શરૂઆત કરી. આ એસોસિએશનમાં હવે 200 થી વધુ ટાંગલિયા વણકરોનો સમાવેશ થાય છે, તેમને પ્રોત્સાહન મળતાં પરંપરાગત રીતે ભરવાડ માટે શાલ, ધાબળા અને વસ્ત્રો સુધી મર્યાદિત આ વણાટનો ઉપયોગ હવે સાડીઓ, શાલ અને અન્ય ઉપયોગ માટેના વસ્ત્રો માટે પણ શરૂ કર્યો છે. 2009 માં જ્યારે ભારત સરકાર દ્વારા ટાંગલિયા શાલને GI tagઆપવામાં આવ્યો ત્યારે હસ્તકલા માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી અને હવે લવજીભાઈને પદ્મશ્રી એ આ કળા માટે સીમા ચિહ્ન બન્યું છે.