કમોસમી વર્ષાને લીધે ઉપરા ઉપરી બે સિઝન નિષ્ફળ ગઈ છે.
ફક્ત એક લીંબુ માટે દસની નોટ આપવી પડે ત્યારે કોઈ પણ ગૃહિણીનુંબજેટ જરાક ખોરવાઈ જાય ! દેશના ખૂણે ખૂણે અત્યારે લીંબુની અછત અને ઊંચા ભાવ ચર્ચામાં છે, ત્યારે એક નજર લીંબુ તરફ !
લીંબુની અછત માટે ત્રણ-ચાર કારણો છે. લીંબુના સમગ્ર ઉત્પાદનમાં નોંધનીય ઘટાડો નોંધાયેલો છે. લીંબુડી ભેજ બાબતમાં બહુ સંવેદનશીલ છોડ છે. સપ્ટેમ્બર અને ઓકટોબરમાં જે ભારે વરસાદ પડ્યો એના લીધે પણ લીંબુ ની પેદાશ ઘટી છે. હવે ઓકટોબર સુધી બજારમાં નવો ફાલ આવે ત્યારે જ ભાવ ઘટે.
બીજી વાત એ કે લીંબુનું ઉત્પાદન માત્ર વધે તો ભાવ ઘટે જ એ વાત ભૂલ ભરેલી છે. આપણાં દેશમાં ખાદ્ય પદાર્થોમાં ફુગાવો , ભાવ વધારો અને કિંમતમાં અકલ્પ્ય અસમાનાતાના મોજા આવતા જ રહે છે.
કોઈ વાર ડુંગળી , તો કોઈ વાર લસણ , બટાટા , તો કોઈ વાર મરચાં , સફરજન ના ભાવ વધતાં રહે છે.
માત્ર કોમોડિટી બદલાય પણ ઘટના તો એની એ જ ……..બેફામ ભાવ વૃધ્ધિ ! તાજેતરમાં જ જોઈએ તો ફુગાવાના દરમાં 7% વધારો નોંધાયો. ખાદ્ય પદાર્થોમા 8% ફુગાવો વધ્યો. આ માટે મહદ અંશે શાકભાજી અને ફળ-ફળાદી જેવી આઈટમ, જે જલ્દી નાશ પામે છે , તે જવાબદાર છે.આપણે ત્યાં સ્ટોરેજ કેપેસિટી બહુ ઓછી છે. એ ઉપરાંત સપ્લાય ચેઇન પણ જોઈએ એવી મજબૂત નથી, એટ્લે સપ્લાય –ડીમાંડમાં સંતુલન ખોરવાઈ જાય છે. હવે એક બાબત સર્વ સ્વીકૃત છે , અને રિઝર્વ બેન્કનો રિપોર્ટ એની પૂરતી કરે છે કે “ ખાદ્ય ચીજ વસ્તુઓના ફુગાવા માટેનું એક પરિબળ એ છે કે આપણી પાસે સિઝનના પાક પછી એને સુવ્યવસ્થિત સંગ્રહ કરવા માટેની પ્રેક્ટિસ નથી, અને એટ્લે બગાડ વધી જાય છે. આપણાં અનાજના ગોડાઉનમાં હજારો ટન ઘઉં અને બીજા અનાજ સડી જાય છે, તો ક્યારેક ખુલ્લામાં પડેલ માલ વરસાદથી નુકશાન પામે છે. ક્યાંક શીતગૃહોમાં વિદ્યુત પ્રવાહની અછતને કારણે ફળો બગડી જાય છે. વેર હાઉસની કેપેસિટી ( પર કેપિટલ –એક ચોરસ મીટર મુજબ) જોઈએ તો આપણે ત્યાં બીજા દેશોની તુલનમાં ઓછી છે .
ભારત 0.02 છે , જ્યારે ચીન 0.8 છે. યુકે 1.09 છે. યુએસએ 4.4 છે. આપણે ત્યાં વેર હાઉસ પણ આડેધડ ઠોકી બેસાડવામાં આવ્યા છે. રાજ્યો મુજબ , ખેત પેદાશ મુજબ જે રીતે વહેચણી થઈ જોઈએ એવું નથી બન્યું , પરિણામે આજે દેશના 70% વેર હાઉસીઝ ફક્ત ઉત્તર પ્રદેશ , વેસ્ટ બંગાળ , પંજાબ અને ગુજરાતમાં છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજ્યો આમ જોવા જઈએ તો નિકાસ કેપેસિટીમાં ખૂબ સક્ષમ છે , તેમ છતાં ત્યાં વેર હાઉસ ની અછત છે. આપણાં શીતગૃહોની વિચિત્રતા એ પણ છે કે 70% કોલ્ડ સ્ટોરેજ ફક્ત બટાટા માટે છે , અને બાકીના 30% કોલ્ડ સ્ટોરેજમાં મલ્ટી કોમોડિટીઝનો સંગ્રહ કરવામાં આવે છે ! બોલો , હવે આનું શું કરવાનું ? ફૂડ મેનેજમેંટમા આપણે લગભગ ઝીરો કહેવાઈએ ! કોલ્ડ સ્ટોરેજ ની સંખ્યા વધારવાથી પણ 100% પરિણામ ન આવી શકે , કારણકે એ માટે આપણે સંપૂર્ણ સાંકળ ( ચેઇન સિસ્ટમ ) ઊભી કરવી પડે. આ ચેઇનમા જુદા જુદા પગથિયાં હોય છે. ઉદાહરણ તરીકે : પ્રિ કુલિંગ , પેક હાઉસીસ , રેફ્રીજરેટેડ ટ્રાન્સપોર્ટ, રેફરીજરેટેડ માર્કેટિંગ ડિસ્પ્લે વગેરે. આપણે મોલમા તાજા ફળ અને શાકભાજી જોઈએ છીએ , પરંતુ એ કઈ રીતે મોલ સુધી પહોંચ્યા , કેટલા તાજા –કેટલા વાસી છે , એની આપણને ક્યાં કશી ખબર હોય છે? હા , મોલમાં તે કોલ્ડ સ્ટોરેજમાં હોય એટ્લે આપણે માની લઈએ કે તે તાજા હોય છે! સરકારે અને પ્રાઈવેટ સેકટરે આ ચેઇન સિસ્ટમને ટકાવી રાખવા અને વધુ સુદ્રઢ કરવા માટે આર્થિક રોકાણ કરવું જરૂરી છે.
દેશમાં લગભગ 3.17 લાખ હેક્ટરમા લીંબુનું વાવેતર થાય છે. લીંબુડી વર્ષમાં ત્રણ વાર ફળ આપે છે. લીંબુનું સૌથી વધુ વાવેતર અને ઉત્પાદન આંધ્ર પ્રદેશમા થાય છે , જે 45 હજાર હેકટરમા થાય છે. ત્યારબાદ મહારાષ્ટ્ર , ગુજરાત , ઓડિશા અને તામિલનાડું રાજ્યોમા લીંબુની ખેતી થાય છે. જેને આપણે લીંબુ કહીએ તે બે કેટેગરીમાં હોય છે, એક લેમન( lemon) અને બીજું લાઈમ( lime). નાનકડું , ગોળ અને પાતળી ચામડી ધરાવતું ‘કાગઝી’ સમગ્ર દેશમાં જોવા મળે છે. જે ડાર્ક ગ્રીન કલરનું લીંબુ હોય છે તે મોટેભાગે ઉત્તર ભારત અને ઉત્તર –પૂર્વીય રાજ્યોમાં ઉગાડવામાં આવે છે. બંગાળમાં ‘ગોંધોરાજ’ નામની એક લીંબુ ની જાત પ્રચલિત છે. દેશમાં લીંબુનું વાર્ષિક ઉત્પાદન 37.17 લાખ મેટ્રિક ટન જેટલું થાય છે, જે દેશમાં જ વપરાય જાય છે. આપણે લીંબુની નિકાસ કે આયાત કરતાં નથી. ભારે વરસાદને લીધે પાકમાં ક્યારેક જીવાત લાગી જાય છે , એટ્લે પેદાશ ઘટી જાય છે. આપણાં ખેડૂતો એકર દીઠ લગભગ 250 છોડનું ખેડૂત વાવેતર કરે છે , અને ત્રણ વર્ષ બાદ લીંબુડી ફળ આપવાની શરૂઆત કરે છે. એક સારી લીંબુડી લગભગ 1000 થી 1500 લીંબુ આપે છે. ( ત્રણ પાક માંથી ) એક વર્ષમાં જે ત્રણ પાક લેવામાં આવે છે એને અંબે( બહાર) , મ્રીગ બહાર અને હસ્તા બહાર કહે છે. આ ત્રણ નામો ઋતુ મુજબ છે. અંબે બહારજાન્યુ આરી માં શરૂ થાય છે , અને એપ્રિલમાં ફળ બનવાની શરૂઆત થાય છે. જૂન જુલાઈમાં મૃગબહાર આવે છે અને ઓક્ટોબરમાં ફળ આવે છે. હસ્તા બહાર માં સપ્ટેમ્બર –ઓક્ટોબરમાં ફૂલો આવે છે , અને માર્ચ પછી એમાં ફળ આવવા લાગે છે. આમ સમગ્ર વર્ષ દરમ્યાન લીંબુ આવતા રહે છે. માર્કેટમાં 60% અંબે બહારના લીંબુ હોય છે , જ્યારે મ્રીગ બહારના 30% અને બાકીના હસ્તા બહારના લીંબુ આપણી માંગ પૂરી કરે છે. કોલ્ડ સ્ટોરેજમાં લગભગ મ્રીગબહારના લીંબુ જ જાય છે. બાકીના લીંબુ આપણને એકદમ તાજા મળે છે. આ વર્ષે હસ્તા બહાર નિષ્ફળ ગઈ છે , અને અંબે બહાર નું પણ એવું જ છે. આ વર્ષે બંને સિઝન નિષ્ફળ ગઈ હોય એવું લાંબા સમયે બન્યું છે. હવે તો ઓક્ટોબર સુધી આપણે લીંબુ વિના ચલાવી લેવું પડે તેમ છે. અમુક રાજ્યો માંથી લીંબુ માર્કેટમાં આવતા રહેશે , પણ ભાવ સ્થિર થવાની ઘટના વિષે અનિશ્ચિતતા છે.
More Stories
क्या बनाता है किसी को महान? जानिए इसके पीछे छुपे रहस्य
गणतंत्र दिवस 2025: कर्तव्य पथ पर भारतीय शौर्य की गूंज, अपाचे-राफेल की गर्जना और 5 हजार कलाकारों का अनूठा संगम
गणतंत्र दिवस: हमारे लोकतंत्र की शक्ति और गौरव का उत्सव