06-04-2023, Thursday
લેખક: દિલીપ એન મહેતા
સલીમ દુરાની :
આંતર રાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં જેના નામે કેટલીક સુવર્ણ ક્ષણો લખાયેલી છે, એવા આપણા સલીમ સા’બનું ૮૮ વર્ષે અવસાન થયું છે.
૧૨-૧૩ વર્ષની વયે ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળવાનું શરુ કરેલું ત્યારે સલીમ દુરાનીનું નામ સંભળાતું હતું. બસ, એટલી જ સ્મૃતિ ! પછી તો વડોદરામાં જ એમની સાથે બબ્બે વાર મુલાકતો થયેલી.
દિવ્ય ભાસ્કરે આજે આ મનમોહક અને જબ્બરદસ્ત ફટકાબાજ ક્રિકેટરના અવસાનના સમાચાર માત્ર બે જ લીટીમાં આપીને સંતોષ માની લીધો છે.
ઇન્ડિયન એક્સપ્રેસજેવા રાષ્ટ્રીય સમાચાર પત્રે આજે છેલ્લા પાને એમના અદભુત સ્કેચ સાથે પ્રલંબ શ્રદ્ધાંજલિ અર્પીને એક ઉમદા પત્રકારત્વની ઈમેજ જાળવી રાખી છે. આ જ અખબારે અંદરના પાને પણ પાંચેક કોલમના સમાચાર આપ્યા છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એ પણ એમને પ્રથમ પાને અને છેલ્લા પાને વિગતવાર માહિતી સાથે શ્રદ્ધાંજલિ અર્પી છે.
આપણા ગુજરાતી છાપાઓનું સ્તર મને તો નીચું જતું હોય એવું કેમ લાગે છે !
સિતેરના દાયકામાં જે લોકપ્રિયતા રાજેશ ખન્નાની હતી,લગભગ એવી જ લોકપ્રિયતા ક્રિકેટના આ મનમોહક ક્રિકેટરની જોવા મળેલી. એમના નામે લોકકથા જેવી હકીકતો સાંભળીએ ત્યારે જ એની લોકપ્રિયતાનો અંદાઝ આવે.
એ જમાનામાં LIVE ટેલીકાસ્ટ નહોતું. એ જમાનામાં લોકોના હૃદયમાં મોગલ- એ –આઝમના સલીમનું જે સ્થાન હતું , એવું જ આદરણીય સ્થાન સલીમ ભાઈનું હતું. લોકહૃદયમાં સલીમભાઈ પ્રિન્સ /શાહજાદા રૂપે એકાદ દાયકો રહ્યા.
He was a hero and a star rolled in one.
તેર વર્ષની ક્રિકેટ કેરિયરમાં ૨૯ ટેસ્ટ રમીને એમણે ૧૨૦૪ રન ફટકારેલા.( એવરેજ માત્ર ૨૫ રન) અને ૩૫ રનની એવરેજ સાથે ૭૫ વિકેટ ખેરવીને આ ઓલરાઉન્ડરે જે કમાલ દેખાડેલી એ આજની પેઢીને પણ આશ્ચર્યમાં મૂકી શકે તેમ છે.
દર્શકોની માંગ મુજબ સિક્સર ફટકારવાનું શ્રેય એક માત્ર સલીમ દુરાનીને ફાળે જાય છે.
સલમાન રશ્દીની બહુ ચર્ચિત નવલકથા Midnight’s childrenમાં સલમાન સિનાઈ નામનું એક પાત્ર આવે છે. બસ , એ જ આપણા સલીમ સા’બ !
મારી કિશોર વયે જુનાગઢ –વેરાવળના રેલ્વે સ્ટેશન પર એમની એક ફિલ્મ ‘ચરિત્ર’ના મેં પોસ્ટર્સ જોયેલા , જે હજુ યાદ છે.
લેજન્ડરી સુનીલ ગાવસ્કરે શ્રદ્ધાંજલિમાં કહ્યું છે કે “ એમની સાથે ટીમમાં ડેબ્યુ કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું”
૧૯૭૨-૭૩માં જયારે ટોની લુઈસની આગેવાનીમાં ઇંગ્લેન્ડની ટીમ ભારત ટેસ્ટ સીરીઝ માટે આવેલી ત્યારે સલીમ દુરાનીનું નામ પ્રથમ ૧૪ માં નહોતું, પરંતુ , મુંબઈમાં બ્રેબોન સ્ટેડીયમ પર ટેસ્ટ મેચ શરુ થાય એ પહેલાના દિવસોમાં ક્રિકેટ રસિયાઓનો પ્રચંડ વિરોધ જોવા મળ્યો. ‘ટાઈમ્સ ઓફ ઇન્ડીયા’ના પ્રથમ પેજ પર હેડ લાઇન હતી ‘No Salim Durani , No test match in Bombay’. અને ત્યારબાદ સલીમને ટીમ ઇલેવનમાં સ્થાન મળ્યું.
ટેસ્ટ ક્રિકેટર કરશન ઘાવરી આ પ્રસંગને વાગોળતા કહે છે કે “ મેં આ ટેસ્ટ મેચ જોયેલી. સલીમ દુરાનીએ ૭૩ રન ફટકારેલા”.
અર્જુન એવોર્ડ મેળવનારા એ પ્રથમ ક્રિકેટર હતા, અને ત્યારબાદ BCCI દવારા સલીમભાઈને ‘સિ કે નાયડુ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવેલા. હાર્દિક શ્રધ્ધા સુમન !
More Stories
PM मोदी ने प्रकाश सिंह बादल को दी श्रद्धांजलि
5 बार पंजाब के मुख्यमंत्री रहे प्रकाश सिंह बादल का निधन
इस्लामिक स्कॉलर तारेक फतेह का निधन