શ્રી અરવિંદ અને શ્રી માતાજીનાં પૂર્ણ યોગના યાત્રીઓ માટે ગઈ 24એપ્રિલ -2020 નો દિન એ દિન વિશેષ હતો. શ્રી માતાજી પોતાનો દેશ ફ્રાંસ છોડીને કાયમી નિવાસ માટે ભારત પધાર્યા એ ઘટનાને પૂરા 100 વર્ષ થયા.
સન1960 માં પોંડીચેરીથી 19-20 કિલોમીટર દૂર રેતાળ અને વેરાન ભૂમિ પર શ્રી માતાજી ‘ઓરોવીલ’ ( ઉષા નગરી )નું ભૂમિ પૂજન કરીને એક અદભૂત નગરીના સર્જન નો પ્રારંભ કરે છે. અને બહુ થોડાક જ વર્ષોમાં એક વિશિષ્ટ નગરી નું સર્જન થાય છે.
આજે તો દુનિયાના 50 થી પણ વધુ દેશોના લોકો ત્યાં નિવાસ કરીને અંતર યાત્રા દ્વારા ‘સ્વ’ની શોધ કરી રહ્યા છે. તથાકથીત ધર્મ અને સંપ્રદાય થી દૂર રહીને સામૂહિક જીવન સાથે અદભૂત જીવન શૈલી દ્વારા પૂર્ણતા ની સાધના કરે છે. ઓરોવિલે એમના સર્જન કાળ ના પચાસ વર્ષ પૂરા કર્યા છે .
આજે ઓરોવિલ જેવી જ એક નગરી વિષે મારે આપને વાત કરવી છે.
કવિ સાઈ મકરંદ અને ઈશા કુંદનિકાએ મુંબઈ છોડીને વલસાડ નજીક ના જંગલમાં ‘નંદી ગ્રામ ‘ નામની એક અનોખી સેવા સંસ્થાની સ્થાપના કરી અને સ્વ ની શોધમાં શેષ જીવન વિતાવ્યું. ઈશા -કુંદનિકા હવે સદેહે નથી , પરંતુ એમની સંસ્થા અને એમનો અક્ષર દેહ સતત પ્રેરણા આપતા રહેશે.
જીવનને નવી દિશા આપવાની પ્રબળ અભિપ્સા રાખનારા અનેક મિત્રો માટે નંદી ગ્રામ જાણે કે એક પ્રેરણા ધામ બની રહ્યું , એક યાત્રા ધામ પણ બની રહ્યું છે . નંદીગ્રામ ની સ્થાપના ની પૃષ્ઠ ભૂમિ સ્કોટલેંડ માં આવેલ ફીંડહોર્ન વિલેજ રહ્યું છે.
સ્કોટલેંડમાં ઉત્તર ભણી આવેલ એક ભૂમિ ભાગમાં વસેલી એક અનોખી વસાહત, એક નાનકડી નગરી અને એના નિર્માણ , એના હેતુ વિષે મારે વાત કરવી છે. અત્યારે મારા હાથમાં ઈશા કુંદનિકા લિખિત પુસ્તક ‘ ઊઘડતા દ્વાર અંતરના ‘ છે જેમાથી હું એની પ્રસ્તાવના લખી રહ્યો છુ. પોસ્ટ જરૂર લાંબી છે એટ્લે બે ભાગમાં થશે.
પરમ વાણીનું અવતરણ
ફીંડહોર્ન નામે સ્કોટલેંડનો છેક ઉત્તર ભણીનો ભૂમિભાગ ,ત્યાં અતિ ઠંડા પવનો વચ્ચે રેતાળ જમીનમાં એક કેરેવાન પાર્ક. કેરેવાન એટ્લે નિવાસી બસ .કાશ્મીરમાં જેમ નિવાસી બોટ ( house boat ) હોય છે તેમ , આ બસમાં રહેવા –સુવા-રાંધવાની સગવડ હોય છે મેદાન જેવી મોટી જગ્યામાં આવી અનેક બસ ઊભી હોય .ભાડું આપીને તેમાં લાંબો સમય રહી શકાય. ભાડે લીધેલું જાણે બસ ઘર ( HOUSE BUS).શૌચ સ્નાન માટે થોડે દૂર અલાયદી સગવડ હોય ,જે સહુના વપરાશ માટે સહિયારી હોય.
આવી એક બસમાં છ જણા –ત્રણ મોટા ને ત્રણ બાળકો –એ વસવાટ કરી , કેરવાન ની આસપાસની ખોબા જેવડી જમીનમાં ખેતી શરૂ કરવાનું શરૂ કર્યું .જ્યાં ભાગ્યેજ કશું ઊગે એવી ભૂમિમાં , ખેતીને અત્યંત પ્રતિકૂળ એવા કઠોર વાતાવરણમાં એમણે દિવ્ય સંદેશાઓ અને વનસ્પતિ દેવતાઓના સંદેશ ઝીલી એ અનુસાર કામ શરૂ કર્યું અને ચમત્કારિક પરિણામો મેળવ્યા .વનસ્પતિ દેવતાઓ ના સંદેશા ઝીલનાર બહેન હતા ડોરોથી,દિવ્ય સંદેશા પ્રાપ્ત કરનાર બહેન હતા એઇલીન કેડી.
1953માં પહેલી વાર એઇલિન કેડીએ અંદરથી આ શાંત ઝીણો અવાજ સાંભળ્યો .આ અવાજને તેમણે અંદર રહેલા ઈશ્વરનો અવાજ કહ્યો . આ અવાજ માથી માર્ગ દર્શન મેળવીને જ એમણે પતિ પીટર કેડી અને મિત્ર ડોરોથી સાથે મળીને ફીંડહોર્ન ફાઉન્ડેશન નામની સંસ્થા સ્થાપી. આ સંદેશાઓ ના અજવાળે જ સંસ્થાનો વિકાસ થયો .આજે( 1994 માં ) ત્યાં 350 જેટલા વસાહતીઓ વસે છે .આ આંતર રાષ્ટ્રીય આધ્યાત્મિક વસાહત અખિલ જીવનનું શિક્ષણ આપતું કેન્દ્ર છે.
ફીંડહોર્નનો પ્રારંભિક કાળ કઠિન હતો . એઇલિન પર સંદેશાઓ નો જાણે કે વરસાદ વરસતો .એ બધુ તે લખી લેતાં. રાતે બસમાં લખવા માટે પ્રકાશની સગવડ ન હોય તો જાહેર શૌચાલયના પ્રતિક્ષાખંડમાં બેસીને લખતા. આવા લખાણો માથી સંપાદિત કરેલા તેમના કેટલાંક પુસ્તકો પ્રગટ થયા છે, જેમાનું એક છે “ opening doors within “ –ઊઘડતા દ્વાર અંતરના .પુસ્તકનું સંપાદન ડેવિસ અર્થ પ્લેટસે કરેલું છે. પ્રકાશ છે : ધ ફીંડહોર્ન પ્રેસ ,ધ પાર્ક , ફોરેસ આઈ , 36, એટીઝેડ , સ્કોટલેંડ.
ફીંડ હોર્ન વસાહત વિષે પહેલો ઉલ્લેખ મે 1980 માં અમેરિકી ઇતિહાસજ્ઞ ઇરવિન વિલિયમ થોમ્પસન ના એક લેખમાં વાંચેલો. 1981માં ‘ મેજિક ઓફ ફીંડ હોર્ન ‘પુસ્તક મળ્યું જેમાં ફીંડ હોર્ન વસાહતના સર્જન અને વિકાસ પાછળ દિવ્ય અદશ્ય તત્વોએ કેવી રીતે પ્રેરણા ને દોરી સંચાર આપ્યા તેની વિગતે વાત છે. તે પછી એ વિષે બીજા બે પુસ્તકો વાંચ્યા. શ્રી ઉમાશંકર જોશીએ પણ ફીંડ હોર્ન વસાહત ની મુલાકાત લીધી હતી. નંદી ગ્રામની સ્થાપના પાછળ પ્રેરણાઓ તો ઘણી છે , પણ , છેલ્લી અને સૌથી પ્રભાવક પ્રેરણા ફીંડ હોર્ન વસાહતની છે. ( પ્રસ્તાવના હજુ અપૂર્ણ છે )
બાકીના ભાગમાં લેખિકા ઈશા –કુંદનિકા એ આ પુસ્તક વિષે ,પુસ્તકની મૂળ પ્રસ્તાવના વિષે લખ્યું છે.
મિત્રો , મે તો આ પુસ્તક 1994માં જ વાંચેલું. ત્યારબાદ પણ જયારે જ્યારે મન શાંત હોય, પૂરી મોકળાશ હોય ત્યારે આ પુસ્તક હું વાંચતો હોઉ છુ.
ઈશા –કુંદનિકા ની જાહેર અને આંશિક ઓળખ લગભગ નારિવાદી લેખિકા –ચિંતક ની રહી. જેઓ એમની નજીક પહોંચી શક્યા એ સૌને એમાં એક સાચા અધ્યાત્મયાત્રી ની ઓળખ થઈ.
નંદીગ્રામની પ્રેરણા પાછળ સૌથી પ્રભાવિત કરનાર આ ફીંડ હોર્ન વસાહત જ છે એવું તેઓ કબૂલે ત્યારે એમાં સચ્ચાઈ નો રણકો સંભળાય છે.
આ પુસ્તક માં જાન્યુઆરી ના પ્રથમ દિવસથી અંત સુધી ( ડિસેમ્બર 31 ) ઝીલાયેલા અદભૂત સંદેશાઓ છે. કોઈપણ વાચક ને એ સંદેશા સ્પર્શી જાય તેવા છે. આ પુસ્તક એકી બેઠકે વાંચી જવા જેવુ પુસ્તક નથી . દરરોજ એક સંદેશ વાંચીએ , એના વિષે વિચારીએ , મનન –ચિંતન પછી ખુલ્લા મને જો એને ઝીલવા નો નિષ્ઠા પૂર્વક પ્રયત્ન કરીએ તો એ સંદેશ હકારાત્મક ઉર્જાનો મહા ધોધ બની શકે છે. અસ્તુ .
More Stories
વતન : દાલ-બાટીના ચટાકાથી રાજસ્થાની કુલ્ફી સુધી
સુરત-બેંગકોક ફ્લાઇટના મજેદાર સમાચારથી એરલાઇન ફૂડના સુવર્ણ યુગની યાદ તાજી
એક હતો બગલો ……..