તાજેતરમાં શરૂ થયેલી સુરત – બેંગકોક ફ્લાઈટમાં સુરતી લાલાઓએ 1.80 લાખ રૂપિયાનો દારૂ અને ખમણ – થેપલાંનો સ્ટોક ખાલી કરી નાખ્યાના સમાચારો ખુબ વાયરલ થયા. ત્યારે વિમાની મુસાફરીમાં ભોજન- નાસ્તાનો ભુતકાળ ફંફોસ્યો તો જાણવા મળ્યું કે, ખાવાપીવાની બાબતમાં 60 અને 70 નો દસકો હવાઈ મુસાફરીનો સુવર્ણ યુગ હતો.
એરોપ્લેન ફૂડ એ લક્ઝરીનો આવશ્યક ભાગ હતો. આજના પેકેજ્ડ ફૂડ અને સેન્ડવીચની જગાએ એ સમયમાં એર લાઈન્સ કાચના ફાઇન ચાઇનાના વાસણોમાં મલ્ટિ-કોર્સ ભોજન પીરસતી હતી. સ્ટાઇલિશ ગણવેશમાં સજ્જ ફ્લાઇટ એટેન્ડન્ટ્સ સુંદર ડાઇનિંગ રેસ્ટોરન્ટ્સની જેમ ભોજન પીરસતા.
એપીટાઈઝરથી માંડીને ડેઝર્ટ સુધીનું ફૂલ – સ્વાદિષ્ટ મેનુ રહેતું. ઇકોનોમી ક્લાસમાં પણ ટિકિટની કિંમતમાં કોકટેલ, વાઇન અને શેમ્પેનનો સમાવેશ થતો હતો. ફર્સ્ટ-ક્લાસના મુસાફરોને ઓન ડીમાન્ડ તાજી તૈયાર ઓમેલેટ પણ પીરસવામાં આવતી.
ફર્સ્ટ ક્લાસના મુસાફરોએ તો આ સમય ગાળામાં ટેબલક્લોથ્સ, ફ્લોરલ સેન્ટરપીસ અને કેન્ડલલાઇટ (હા, વાસ્તવિક મીણબત્તીઓ!) નો પણ લુત્ફ ઉઠાવ્યો છે.
જોકે 30000 ફીટથી વધુ ઉંચાઈ પર ભોજન તૈયાર કરવું એ એક ચેલેંજ હતી. એર લાઈન શેફને હવાના ઓછા દબાણ અને વિમાનમાંનો ભેજ ખોરાકના સ્વાદ પર અસર ન કરે એ માટે બહુ મહેનત કરવી પડતી.
70 ના દાયકાના અંતમાં અને 80 ના દાયકાની શરૂઆતમાં, એરલાઇન ઉદ્યોગના નિયંત્રણમુક્ત થવાથી જે નોંધપાત્ર ફેરફારો થયા તેમાં સ્વાદિષ્ટ ભોજનનો પણ ભોગ લેવાયો. વધતી સ્પર્ધા અને ખર્ચમાં ઘટાડો કરવાની સાથે, એરલાઇન્સે લક્ઝરીમાંથી પોષણક્ષમતા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું . આ પગલાંને લીધે ફ્લાઇટમાં વિસ્તૃત ભોજનમાં ઘટાડો થયો અને હવાઈ મુસાફરીનો સુવર્ણ યુગ ઓસરવા લાગ્યો.
ચાઇના પ્લેટ્સ પર પીરસવામાં આવતાં સ્વાદિષ્ટ ભોજનના દિવસો હવે ઉડ્ડયનના ઇતિહાસમાં એક રસપ્રદ પ્રકરણ બની રહ્યા છે ત્યારે ઘણા લોકો માટે હવાઈ મુસાફરીના સુવર્ણ યુગ દરમિયાન, વાદળોની ઉપર ઉડતી વખતે સારી રીતે પ્રસ્તુત સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની સ્મૃતિ રોમાંચક છે.
સાથેની ઈંટરનેટ પરથી મેળવેલી તસવીર સુવર્ણયુગના સમયની છે.
More Stories
જામનગરમાં ‘સ્વર્ગારોહણ’, પર્યાવરણમિત્ર લાકડાના અગ્નિસંસ્કાર માટે નવી ભઠ્ઠી
વતન : દાલ-બાટીના ચટાકાથી રાજસ્થાની કુલ્ફી સુધી
એક હતો બગલો ……..