નવ વારી સાડીમાં સજ્જ એક મહિલા આમથી તેમ દોડાદોડ કરીને ખ્રિસ્તી સમુદાયના ચેન્નાઇ ખાતે યોજાયેલ એક કાર્યક્રમનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યાં હોય એ દ્રશ્ય 1937ની સાલમાં આશ્ચર્યજનક હતું. એ મહિલાનું નામ મીના નારાયણન – અને એ હતાં ભારતના પહેલાં મહિલા સાઉન્ડ એન્જીનીયર !
એ સમય એવો હતો કે જ્યારે સીનેમાનું ક્ષેત્ર સંસ્કારી લોકો માટે વર્જિત ગણાતું ત્યારે એમણે ત્યાં પ્રવેશીને દેશના પ્રથમ મહિલા સાઉન્ડ એન્જીનીયર તરીકે ગૌરવભેર સ્થાન પ્રાપ્ત કર્યું.
આપણે ઘણીવાર લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે દરેક પુરૂષની સફળતા પાછળ કોઈને કોઈ સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ આ એક એવી મહિલા છે, જેની સફળતા પાછળ તેમના પતિનો પૂરેપૂરો સાથ હતો.
મદ્રાસ હાઇકોર્ટના રજિસ્ટ્રાર સીથા રામ ઐય્યરની પુત્રી મીનાના પતિ નારાયણન એ તેમની કારકિર્દી ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર તરીકે શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે 1934માં પોતાનો સાઉન્ડ સ્ટુડિયો શ્રી શ્રીનિવાસ સિનેટોનની સ્થાપના કરી. નારાયણને તે સમયના પ્રખ્યાત સાઉન્ડ એન્જિનિયર પોદ્દારને તેમના સ્ટુડિયો માટે કામ કરવા માટે બોલાવ્યા અને પોતાની પત્ની મીના નારાયણનને તેમની મદદ કરવા કહ્યું. નાની ઉંમરની હોવા છતાં મીનાએ ખંતપૂર્વક કામ કર્યું અને સાઉન્ડ એન્જિનિયરિંગમાં નિપુણ બની ગઈ. મીનાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “તામિલ ફિલ્મોના સાઉન્ડ રેકોર્ડિંગની નબળી ગુણવત્તાનાં બે કારણો હતાં એક તો રેકોર્ડીસ્ટોનું ભાષા પ્રત્યેનું અજ્ઞાન અને બીજું સંગીત વિષયક જાણકારીનો અભાવ. મારી પાસે સંગીત અને ભાષા બંનેનું બેકગ્રાઉન્ડ હતું જ એટલે હું માત્ર બે વર્ષમાં જ રેકોર્ડિંગમાં મહારત મેળવી શકી.”
મીનાએ તેના પતિની 1936 માં આવેલી ફિલ્મ વિશ્વામિત્રમાં મુખ્ય સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. આ પછી તેમણે લગભગ નવ ફિલ્મોમાં સાઉન્ડ એન્જિનિયર તરીકે કામ કર્યું. આ ફિલ્મો હતી – કૃષ્ણા થુલાબરામ (1937), વિક્રમ શ્રી સહસમ (1937), તુલસી બિંદા (1938), પોરવીરન મણિયાવી (1938), માદા સંપિર્ણી (1938), શ્રી રામાનુજન (1938) અને વિપ્ર નારાયણ (1938).
વર્ષ 1939માં શ્રી શ્રીનિવાસ સિનેટોનમાં અચાનક આગ લાગવાને કારણે નારાયણનનો સ્ટુડિયો નાશ પામ્યો હતો. નારાયણનને આ સ્ટુડિયો એના પ્રાણથી પણ પ્રિય હતો એટલે એજ આઘાતમાં 39 વર્ષની વયે તેમનું અવસાન થયું.
પછીથી મીનાએ ફિલ્મી દુનિયાને અલવિદા કર્યું અને એના કુટુંબી નોબેલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક સર સી.વી. રામનના પરિવાર સાથે રહેવાનું શરૂ કર્યું. 1954માં તેમનું પણ અવસાન થયું.
મીના નારાયણને સિનેમા અને ખાસ કરીને સાઉન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમની ટૂંકી કારકિર્દીમાં એક અલગ છાપ છોડી અને ભવિષ્યની મહિલાઓ માટે પ્રેરણા બન્યાં
More Stories
ટ્વિન્કલ ખન્ના : હજુ તો ઘણું બધું શીખવાનું છે.
Indian coffee in spot light
હવે પાણીની બોટલ લો ત્યારે જરા જોઈ લેજો કે તમે શું પીવો છો?