ઉત્તરાખંડનું ‘માણા’ હવે દેશનું છેલ્લું ગામ નથી રહ્યું, કારણ કે તે હવે ભારતનું ‘પ્રથમ ગામ’ બની ગયું છે.
આમ જુઓ તો આપણે માટે આ કોઈ બહુ મોટા સમાચાર નથી પરંતુ એ ગામવાસીઓ અને સમગ્ર ઉત્તરાખંડ માટે આ ગૌરવનો વિષય છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત- ચીન સરહદ પર સ્થિત એક સરહદી ગામ માણાના પ્રવેશદ્વાર પર Border Road Organization એ ‘ભારતનું પ્રથમ ગામ’નું સાઈન બોર્ડ લગાવ્યું છે. અગાઉ તેને ‘ભારતનું છેલ્લું ગામ’ તરીકે ઓળખવામાં આવતું હતું.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે આ નવા નામકરણવાળા સાઈનબોર્ડની તસવીર શેર કરી છે.
આશરે 3219 મીટરની ઉંચાઈ પર આવેલું આ ગામ હિમાલયની મનોહર ટેકરીઓથી ઘેરાયેલું છે. અહીં રહેતા લોકો ભોટિયા સમુદાયના છે, જે એક મોંગોલ જાતિ છે. તેઓ સુંદર રીતે શણગારેલી અને કોતરણીવાળી નાની ઝૂંપડીઓમાં રહે છે.
આ પણ વાંચો – ગુજરાતનું ગૌરવ : બ્લુ ફ્લેગ બીચ – શિવરાજપુર
માણા તેના વૂલન વસ્ત્રો અને સામગ્રી માટે પ્રખ્યાત છે, જે મુખ્યત્વે ઘેટાંના ઊનમાંથી બનાવવામાં આવે છે. વધુમાં આ ગામ તેના બટાકા અને રાજમા માટે પણ જાણીતું છે.
ઉત્તરાખંડની પ્રવાસન વેબસાઇટ અનુસાર, રાજ્ય સરકારે માણાને ‘પર્યટન ગામ’ તરીકે જાહેર કર્યું છે. તે સરસ્વતી નદીના કિનારે સ્થિત છે, જે બદ્રીનાથ શહેરથી માત્ર 3 કિમી દૂર આવેલું છે.
આ પણ વાંચો – દુનિયાની સૌથી મોટી તોપ – જેના ઉપયોગની ક્યારેય જરૂર જ ન પડી
માણા નજીક ફરવા માટેના ઘણા સ્થળો છે. સરસ્વતી અને અલકનંદા નદીઓ અહીં મળે છે; ઉપરાંત ઘણા પ્રાચીન મંદિરો અને ગુફાઓ છે. સમુદ્ર સપાટીથી લગભગ 18,000 ફૂટ ઉપરથી ખીણોની સુંદરતા જોવાલાયક છે. માણામાં તમે વેદ વ્યાસ ગુફા, ભીમ પુલ, બદ્રીનાથ મંદિર અને તપ્ત કુંડ જેવા સ્થળોની મુલાકાત લઈ શકો છો. ભીમ પુલથી થોડે આગળ પાંચ કિલોમીટરના અંતરે વસુધરા નામનો ધોધ છે જે લગભગ 400 ફૂટની ઉંચાઈથી પડે છે અને આ ધોધનું પાણી મોતીની વર્ષા જેવું લાગે છે.
કોઈને ‘ભક્તિ’ની અસર દેખાય એવું બને પણ એક વાત હકીકત છે કે, કોઈ ગામને દેશનું છેલ્લું ગામ કહેવાને બદલે પહેલું ગામ કહેવાથી એ ગામના રહેવાસીઓ અને આખાયે રાજ્યના નાગરિકોનો નૈતિક જુસ્સો કેટલો વધી જાય એ નરેન્દ્રભાઈ સિવાયના કોઈ પ્રધાનમંત્રીએ વિચાર્યું પણ નથી.આવી સંખ્યાબંધ નાની નાની વાતોનો સરવાળો જ વ્યક્તિને મોટા બનાવે છે, ખરું ને?
More Stories
ફિલ્મ શ્રી ૪૨૦ નું એક સુંદર ગીત છે, રમૈય્યા વસ્તાવૈયા…
મહાવિદ્યાલયોમાં હવે પ્રેમશિક્ષણ શરુ કરવા સરકારની ભલામણ
માંડવ: ભવ્ય ભૂતકાળના ખંડેરોમાંથી ઝલકતો આર્કિટેક્ચર અને કથાઓનું નગર